ખેડૂતો પોતાના પાકમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરી રોગ જીવાત સામે રક્ષણ મેળવી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે છે. પરંતુ જો આ દવાના છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે અને જો દવાની ઝેરી અસર થાય તો ખેડૂતના અને તેના પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થાય છે અને ઘણી વખત ઝેરના લીધે આકસ્મિક મૃત્યુ પણ થઈ શકે છે.
જૂનાગઢ મેંદરડાના ઈટાળી ગામે એક દુઃખદ ઘટના બની છે. ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યો છે. પિતાની એક અજાણી ભૂલથી તેના જ પુત્રને મૃત્યુ મળ્યું છે. પિતા ખેતરમાં દવા છાંટીને ઘરે આવ્યા અને પાંચ વર્ષના પુત્રને રમાડી રહ્યા હતા. પરંતુ પિતાને ક્યાં ખબર હતી કે, તેના કપડા પર લાગેલી જંતુનાશક દવાની અસર પુત્રને થઈ જશે. પિતાના કપડા પર લાગેલી દવાની અસરથી પુત્ર પહેલા તો બેભાન થઈ ગયો. જે બાદ જૂનાગઢ સારવાર દરમિયાન અજય નામના બાળકનું મોત નિપજ્યું હતું. આથી
જંતુનાશક દવાના છંટકાવ કરતી વખતે અને ત્યારબાદ શું સાવચેતી અને કઈ કાળજી લેવી તે વિશે વિગતવાર માહિતી જોઇએ.
પાકમાં દવા છાંટતી વખતે રાખવાની કાળજી:
1. દવા છાંટવાના સ્થળે ચોખ્ખુ પાણી, સાબુ અને ટુવાલની સગવડતા રાખવી અને ઉપયોગ કરવો.
2. શ્વાસોશ્વાસમાં દવા લેવાઇ ન જાય તે માટે માસ્ક પહેરવું.
3. દવાનું પેકીંગ તોડતી વખતે દવાની અસર ન થાય તે રીતે યોગ્ય સાધન વડે પેકીંગ તોડવું.
4. દવા છાંટતી વખતે દવાવાળા હાથે કંઇ ખાવું-પીવું નહીં.
5. પવન વિરૂદ્ધ દિશામાં દવાનો છંટકાવ ન કરવો.
6. બિમાર, અશક્ત કે દવાની એલર્જીવાળા વ્યકતિએ દવાનો છંટકાવ કરવો નહીં.
7. દવા છાંટતી વખતે તેની ઝેરી અસરથી બચવા હંમેશા સંરક્ષણાત્મક કપડા પહેરવા, આાંખે ચશ્મા, હાથ મોજા, પગમાં બુટ અને માસ્ક પહેરી રાખવા.
8. દવાનો પંપ લીકેજ ન થાય તે માટે તપાસ કરતી રહેવી અને લીકેજ પંપથી દવા છાંટવી નહીં.
9. દવા ભરેલા પંપનો સંગ્રહ કરવો નહીં, છંટકાવ કાર્ય પુરું થયે પંપ બરાબર સાફ કરીને જ મુકવો.
10. હંમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ દવાનો છંટકાવ કરવો.
11. દવા છાંટતી વખતે દવા છાંટનાર વ્યક્તિએ થોડા સમયાંતરે દવા છંટકાવ કર્યા બાદ વિરામ લેવો.
12. દવાનો છંટકાવ પિયત પાણીમાં ન ભળી જાય તે જોવું.
13. દવા છાંટયા પછી સાબુથી બરાબર સ્નાન કરી અને શરીર સ્વચ્છ કરવું તેમજ સ્વચ્છ કપડાં પહેરવા.
14. તળાવ, નદી કે સંગ્રહ કરેલા પાણીનાં ટાંકામાં નાહવું નહીં.
15. દવાનો છંટકાવ કર્યા બાદ ખેતરમાં નકકી કરેલા સમય સુધી કોઇ મનુષ્ય કે પ્રાણી ન જાય તેની કાળજી રાખવી જોઇએ.
16. ફળ-ફૂલ અને શાકભાજીમાં દવા છાંટયા બાદ અઠવાડિયા સુધી ઉતારવા નહીં.
17. દવા છાંટયા બાદ તરત જ શાકભાજી કે ફળ-ફૂલ ઉતારી ઉપયોગમાં લેવા નહીં કે વેચવા નહીં.
18. હંમેશા દવા છાંટનાર વ્યક્તિએ ફેમીલી ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું.
19. દવાની ઝેરી અસરથી બચવા પ્રાથમિક સારવાર સાધનોની પેટી વસાવવી અને તેની જાણકારી રાખવી.
ઝેરી અસર સામે પ્રાથમિક સારવાર:
1. ચામડી પર ઝેરી અસર થઇ હોય તો તાત્કાલિક દર્દીના દવાવાળા કપડા બદલી નાખવા.
2. આાંખમાં દવાની ઝેરી અસર જણાય તો 10-15 મિનિટ પાણીનો છંટકાવ કરી આાંખ બરાબર સાફ કરવી.
3. શ્વાસોશ્વાસમાં ઝેરની અસર જણાય તો દર્દીને તાજી અને ખૂલ્લી હવા મળી રહે તેવી જગ્યાએ રાખવો.
4. આાંતરિક ઝેરી અસર જણાય તો દર્દીને તાત્કાલીક મીઠાનું ગરમ પાણી પીવડાવી ઉલ્ટી કરાવવી.
5. એક ચમચી મીઠું એક ગ્લાસ ગરમ પાણીમાં ઓગાળીને આપવું અને જયાં સુધી ઉલ્ટીમાં ચોખ્યું પાણી ન નીકળે ત્યાં સુધી આમ કરવું.
જે ખેડૂત આટલા મુદ્દા જાણે અને તેને અનુસરે તો જંતુનાશકની હાનિકારક અસરોથી બચી શકાય છે.