કોરોના વાયરસની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઇને સરકાર પાક ધિરાણ ચુકવવાની સમય મર્યાદામાં વધારો કરે એવી માંગ ઉઠી છે. સામાન્ય રીતે પાક ધિરાણ એક વર્ષ માટે લેવાતુ હોય છે. જેમાં ધિરાણ લીધેલ તારીખથી એક વર્ષની અંદર એની ચુકવણી કરવાની હોય છે. મોટા પ્રમાણમાં ખેડૂતો માર્ચ, એપ્રિલ મહિનામાં ધિરાણ લેતા હોય છે. આથી તેઓને ચુકવણી આ જ મહિનાઓમાં કરવાની રહે છે. હાલની સ્થિતિએ બેંકો તો કાર્યરત છે પણ ખેડૂતો ચુકવણી કરી શકે એવી સ્થિતિ નથી. કોરોના વાયરના સંક્રમણને રોકવા રાજ્યના અડધાથી વધુ માર્કેટયાર્ડોમાં રજા જાહેર થઇ છે. આથી ખેડૂતો માટે કૃષિ વેચાણ કરવુ મુશ્કેલ બન્યુ છે. આ સ્થિતિમાં પાક ધિરાણની ચુકવણીની સમય મર્યાદામાં સરકાર વધારો કરે એ જરૂરી છે.
છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસના કારણે કૃષિ પેદાસોની નિકાસને પણ અસર થઇ છે. આ કારણે કપાસ, એરંડા, જીરૂ સહિતની પેદાસોના ભાવ સતત ઘટયા છે. આથી ઘણાં ખેડૂતોએ યાર્ડ ચાલુ હતા ત્યારે પણ નીચા ભાવે વેચાણ કર્યુ નથી. કોરોના વાયરસની અસર સમગ્ર દેશના અર્થતંત્ર ઉપર થઇ છે. ખેતી ક્ષેત્ર પણ એમાંથી બાકાત નથી. હજુ પણ ઘણાં દિવસો આવી સ્થિતિ રહે એવી સંભાવના છે. આથી સરકાર ખેડૂતોને રાહત મળે એ દિશામાં પગલા ભરે એ જરૂરી છે.