પ્રો.વી. કે. પોશીયા.(મદદનીશ પ્રાધ્યાપક, વિસ્તરણ શિક્ષણ),ડૉ. એચ.આર.જાદવ(વૈજ્ઞાનિક, પાક સંરક્ષણ), ડૉ. પી. ડી. વર્મા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ન.કૃ.યુ., દેડીયાપાડા.
બિયારણ અને ખાતરની ખરીદીમાં ખેડુતોએ લેવાની કાળજી તથા તેનો કાર્યક્ષમ ઉપયોગ
આપણો દેશ કૃષિ પ્રધાન છે. તેમાં આશરે ૬૦ થી ૭૦ ટકા જેટલી વસ્તી ખેતી પર નિર્ભર છે. આજે ખેતી એ ખેડુતના જીવનનિર્વાહનું સાધન માત્ર ન રહેતાં તે એક વ્યવસાય બની ઉભરી રહ્યો છે.
કૃષિ ક્ષેત્રે પાકનું ઉત્પાદકતા જળ, જમીન, આબોહવા, કુદરતી આફતો અને પાકની માવજત અથવા તો પાક વ્યવસ્થાપન માટે વાપરવામાં આવતી ખેત સામગ્રી પર આધાર રાખે છે. કુદરતી આફતો કે આબોહવા પર ખેડુતનું કોઇ નિયંત્રણ હોતુ નથી પરંતુ ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી જેવી કે બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગેરેનો વિવેકપુર્ણ અને સપ્રમાણ ઉપયોગ કરવામાં આવે તો પાકનું ધાર્યુ ઉત્પાદન લઇ શકાય છે.
બિયારણ એ પાક ઉત્પાદન માટેનું પ્રથમ અને અતિ મહત્વનું અંગ છે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા કહેવત મુજબ સૌ પ્રથમ તો બિયારણ જેટલું શુધ્ધ અને તંદુરસ્ત હશે તેટલો જ સારો પાક થશે તેમાં કોઇ શંકા નથી અને વૈજ્ઞાનિક રીતે પણ માત્ર સારી ગુણવત્તાવાળા બિયારણથી જ પાક ઉત્પાદનમાં ૧૫ થી ૨૦ % નો વધારો થાય છે. તેવું સિધ્ધ થયેલ છે.
રાજ્યમાં જુદા – જુદા પાકોની જુદી-જુદી જાતોના પ્રમાણિત બિયારણનું રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત રાજય બીજ નિગમ, નેશનલ સીડ કોર્પોરેશન તેમજ ગુજકોમાસોલ જેવી સહકારી સંસ્થાઓ અને જુદી-જુદી કંપનીઓ દ્વારા ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાનગી કંપનીઓ દ્વારા જુદા-જુદા પાકની સંશોધિત જાતોના ટ્રુથફુલ લેબલ બિયારણોનું પણ વેચાણ કરવામાં આવે છે. જેથી બિયારણની પસંદગી બાબતે વિશેષ કાળજી રાખવી અને ભળતા નામ કે લેબલનાં બિયારણ ન ખરીદવા ખાસ તકેદારી રાખવી જોઇએ.
પ્રમાણિત બિયારણની થેલી ઉપર ઓલીવ લીલા રંગની ટેગ ઉપરાંત તેના વર્ગ મુજબ પાયાના બિયારણ
(ફાઉન્ડેશન સીડ) ઉપર સફેદ રંગની, જ્યારે સર્ટીફાઇડ સીડ ઉપર બીજ પ્રમાણન એજન્સી દ્વારા આપવામાં આવેલ વાદળી રંગની ટેગ હોય છે. આમ, પ્રમાણિત બિયારણ ઉપર બે ટેગ હોય છે. જ્યારે પ્રમાણિત ન કરાવેલ અથવા સંશોધિત જાતોના બિયારણની થેલી ઉપર ઓલીવ લીલા રંગની એક જ ટેગ ( લેબલ) હોય છે.
બિયારણની ખરીદીમાં રાખવાની થતી કાળજીઓ
- પાક તેમજ જાતની પસંદગી જમીનની પ્રત, જે તે વિસ્તારની આબોહવા, વાવણીનો સમય, વરસાદની સ્થિતી તેમજ પિયત વ્યવસ્થાને ધ્યાને રાખીને કરવી જોઇએ.
- વાવણીની સિઝન શરૂ થયા પહેલાં જરૂરીયાત મુજબના બિયારણનું અગાઉથી જ આયોજન કરી બજારમાંથી ખરીદીને રાખવું જોઇએ.
- બિયારણ તેના વેચાણનો કાયદેસરનો પરવાનો ધરાવતા લાઇસન્સ હોલ્ડર પાસેથી જ ખરીદવાનો હંમેશા આગ્રહ રાખવો જોઇએ.
- બિયારણની ખરીદી હંમેશા વિક્રેતાના નામ – સરનામા તથા લાયસન્સ નંબર વગેરે વિગતો દર્શાવતા પાકા બીલથી જ કરવી જોઇએ.
- બીલમાં દર્શાવેલ પાકનું નામ, જાત, બિયારણનો વર્ગ, લોટ નંબર, ઉત્પાદકનું નામ, કિંમત વગેરે વિગતોની બિયારણની થેલી/ લેબલ સાથે અચુક ચકાસણી કરી લેવી જોઇએ. બિયારણના લેબલ /થેલી ઉપર તેના ઉત્પાદકનું પુરેપુરૂ સરનામું ન હોય અથવા તો તેવા બિયારણની ખરીદી ન કરવી જોઇએ.
- કોઇ પણ સંજોગોમાં મુદત પુરી થયેલ બિયારણની ખરીદી ન કરવી જોઇએ.
- હાઇબ્રીડ જાતોનું બિયારણ દર વર્ષે નવું જ ખરીદ કરવું જોઇએ.
- બિયારણની થેલી, તેની સાથેનું લેબલ અને સીલ અકબંધ હોવાની ખાત્રી કર્યા બાદ જ બિયારણની ખરીદી કરવી જોઇએ.
- સુધારેલ જાતોનું બિયારણ ખેડુત પોતે તૈયાર કરી તેનો બિયારણ તરીકે ઉપયોગ કરે ત્યારે આવા બિયારણને ભલામણ કરેલ જંતુનાશક/ફુગ નાશક દવાનો પટ આપીને જ વાવેતર કરવું જોઇએ કે જેથી બીજ જન્ય રોગો અને કીટકોનો ઉપદ્રવ નિવારી શકાય.
બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ કરવા નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
- બિયારણની વાવણી હંમેશા જમીનની પુરતી તૈયારી કરી વરાપની સ્થિતી એ જ કરવી જેથી બીજનો મહત્તમ ઉગાવો મેળવી શકાય.
- જે તે પાકમાં કૃષિ યુનિવર્સીટી દ્વારા જે તે વિસ્તારની જમીનની પ્રત, પિયત પાણીની ઉપલબ્ધતા તેમજ વરસાદની પરિસ્થિતી ધ્યાને લઇ ભલામણ કરેલ પધ્ધતિ મુજબ વાવેતર કરવું જોઇએ.
- જે તે પાકમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ કરેલ બિયારણના દર તેમજ અંતરે વાવેતર કરવાથી બીજનો વધારાનો ખર્ચ ઘટાડી શકાય છે તથા એકમ વિસ્તારમાં છોડની પુરતી સંખ્યા જળવાઇ રહેતી હોવાથી પાકનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
- બિયારણને હંમેશા ભલામણ કરેલ જંતુનાશક દવા/ફુગનાશકનો પટ આપી વાવેતર કરવાથી બીજ/ જમીન જન્ય રોગો અથવા જીવાતોથી પાકને બચાવી શકાય છે.
- બિયારણની વાવણી યોગ્ય ઉંડાઇએ કરવી જોઇએ તેમજ સમયસર ખાલા પુરવા અને પારવણી કરવાથી એકમ વિસ્તારમાં પુરતી છોડની સંખ્યા જાળવી શકાય છે.
- વાવેતર બાદ સમયસર નિંદામણ અને આંતર ખેડ કરવાથી હવા, પાણી અને ખાતર માટેની હરીફાઇથી પાકને બચાવી
ખાતર નો કાર્યક્ષમ ઉપયોગ કરવાનાં મુદ્દા :
છોડના વૃધ્ધિ અને વિકાસ માટે જુદા-જુદા પોષક તત્વો સપ્રમાણ મળી રહે તે માટે જમીનમાં ખાતરો ઉમેરવા જરૂરી છે.
પાકને જરૂરી પોષણ પુરૂ પાડતા અથવા તો જમીનની ફળદ્રુપતા વધારતા પદાર્થોને ખાતર કહેવામાં આવે છે. આ પોષક તત્ત્વો પાકની દેહ ધાર્મિક ક્રિયા તથા તેના વૃધ્ધિ અને વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. અને પાક ઉત્પાદનમાં વધારો કરે છે. કોઇપણ છોડને પોતાનું જીવન ચક્ર દરમ્યાન ૧૬ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. જેમાંના કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સીજન તત્વ હવા તથા પાણીમાંથી મળી રહે છે. જ્યારે બાકીના તત્વો જમીનમાંથી મેળવે છે. જમીનમાંથી અગાઉ વાવેલ પાક દ્વારા પોષક તત્વોનું અવશોષણ થવાથી, નિતાર વાટે વહી જવાથી, વાયુરૂપે ઉડી જવાથી અથવા જમીનના ધોવણથી જમીનમાં રહેલ પોષક તત્ત્વોમાં ઘટાડો થાય છે તેથી ખાતરો દ્વારા તેની પુર્તી કરવી જરૂરી બને છે.
ખાતરની વાત જ્યારે આવે ત્યારે ખેડુતોના મનમાં ફકત રાસાયણિક ખાતરની જ યાદ આવી જાય પરંતુ ખેત ઉત્પાદનમાં જૈવિક ખાતર, સેન્દ્રિય ખાતર, લીલો પડવાશ, ખોળ વગેરેનો સપ્રમાણ સમન્વય કરી વધુ ઉત્પાદન અને ખર્ચમાં ઘટાડો થવાથી વધુ આવક મેળવી શકાય છે.
ખાતરની ખરીદી સમયે રાખવાની કાળજીઓ :
- ખાતરની ખરીદી કરતાં પહેલાં જે તે ખેતરની જમીનનાં નમૂનાનું પૃથક્કરણ કરાવી તેમાં ખુટતા તત્વોની ગણતરી કરીને અને વાવવાના થતા પાકને જરૂરી પોષક તત્વોની વૈજ્ઞાનિકોએ/કૃષિ તજજ્ઞોએ કરેલ ભલામણ મુજબના તત્વો જે ખાતરમાંથી મળે તેવા ખાતરની પસંદગી કરવી જોઇએ.
- ખાતરની ખરીદી સીઝન શરૂ થયા પહેલાં એટલે કે જરૂરીયાત સમયે નહી પરંતુ અગાઉથી આયોજન કરી બજારમાંથી ખરીદીને રાખવું જોઇએ.
- રાસાયણિક ખાતર તેના અધિકૃત પરવાનેદાર ( લાઇસન્સ હોલ્ડર) પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ.
- ભેજવાળી કે ખુલ્લી જગ્યામાં સંગ્રહાયેલ ખાતર ન ખરીદવું જોઇએ.
- રાસાયણિક ખાતરની થેલી ઉપર મથાળે યથા પ્રસંગ ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનીક ફર્ટીલાઇઝર અથવા નોન- એડીબલ કેસ્ટર કેક ફર્ટીલાઇઝર લખવું ફરજીયાત હોઇ થેલી ઉપર આવું લખાણ ન હોય તેવું ખાતર ખરીદવું નહી કારણ કે આવા લખાણ ન ધરાવતી થેલીમાં રહેલો પદાર્થ રાસાયણિક ખાતરની જગ્યાએ કોઇ ભળતો પદાર્થ હોવાથી સંભાવના છે.
- ખાતરની થેલીની સીલાઇ અકબંધ હોવાની ખાતરી કરી લેવી.
- ખાતરની ખરીદી તેનાં વેચનારનું નામ – સરનામું, પરવાના નંબર, રાસાયણિક ખાતરનું નામ અને બ્રાન્ડ, લાગુ પડતું હોય ત્યાં બેચ નંબર વગેરે વિગતો દર્શાવતા પાકા બીલથી જા કરવી અને બિલમાં દર્શાવેલ વિગતોની થેલી ઉપર દર્શાવેલ વિગતો સાથે ચકાસણી કરી લેવી.
રાસાયણિક ખાતરોની કાર્યક્ષમ ઉપયોગ :
રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ ન થવા માટે રાસાયણિક ખાતરોની ઉત્પાદન ઉપર શું અસર થાય છે તેની જાણકારી મેળવ્યા સિવાય માત્ર મનોવૈજ્ઞાનિક માન્યતા અથવા તો પોતાની જમીનની પ્રત, પોતાના પાકની અવસ્થા કે જરૂરીયાત ધ્યાને લીધા સિવાય બીજનું અનુકરણ કરી ખાતરનો આડેધડ વપરાશ જવાબદાર ગણી શકાય.
અગાઉ જણાવ્યા મુજબના પાકને જરૂરી ૧૬ પોષક તત્વો વનસ્પતિને કોઇ એક ખાતરમાંથી મળતા નથી હોતા. જેમ કે યુરીયા ખાતરમાંથી ફકત નાઇટ્રોજન તત્વ મળે છે. મ્યુરેટ ઓફ પોટાશમાંથી ફક્ત પોટાશ તત્વ મળે છે તેમ ડીએપી ખાતરમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વ મળતા હોય છે. સીંગલ સુપર ફોસ્ફેટ ( SSP) માંથી ફોસ્ફરસ ઉપરાંત સલ્ફર તત્વ ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યની જમીનોમાં જસત, આર્યન અને સલ્ફરની ઉણપ જોવા મળે છે. જેથી સોઇલ હેલ્થ કાર્ડ અથવા તો જમીન ચકાસણીના આધારે જમીનમાં જે તે પાકની ભલામણ અનુસાર જરૂરીયાત મુજબના વિવિધ ખાતરોનો ઉમેરો ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, લીલો પડવાશ, બાયો ફર્ટીલાઇઝર, ખોળ વગેરેનાં યોગ્ય સમન્વય થકી કરવો જોઇએ.
કોઇપણ પોષક તત્વની ઉણપ તે સિવાયના અન્ય પોષક તત્વો ઉમેરવાથી નિવારી શકાતી નથી. અમુક પોષક તત્વો વધુ પ્રમાણમાં જમીનમાં ઉમેરવાથી અન્ય પોષક તત્વોની લભ્યતા ઘટાડે છે. વધુ પડતા યુરીયાના ઉપયોગથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધે છે તથા પાકના પાકવાના દિવસોમાં વધારો થાય છે તેથી ઉપર જણાવ્યા પ્રમાણે ભલામણ કરેલ વિવિધ પોષક તત્વો વિવિધ ખાતરોના સમન્વયથી સમયસર ઉમેરવામાં આવે તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.