પ્રથમ તબક્કામાં રૂ. 3500 કરોડના ખર્ચે 4000 ગામોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો
રાજ્ય સરકારે આગામી બે વર્ષમાં એક પણ ખેતર દિવસ દરમિયાન વીજળી વગરનું ન રહે તે માટેનું આયોજન હાથ ધર્યું છે.
જેમાં પ્રથમ તબક્કામાં રૂ. 3500 કરોડના ખર્ચે 4000 ગામોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. હવે બાકીના ગામડાના બે વર્ષમાં સમાવેશ કરી દેવામાં આવશે. જો કે સૌરાષ્ટ્રના મોટાભાગના ગામોમાં ખેડૂતોએ તો દિવસ દરમિયાન વીજળી મેળવી ખેતીમાં અગ્રેસર બનવાની દોટ મૂકી દીધી છે.
ઊર્જામંત્રી સૌરભ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ગામડાઓને આવરી લઇને ખેડૂતોને દિવસે વીજળી પુરી પડાશે. પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે રૂ.3500 કરોડના ખર્ચે આ યોજના હેઠળ 4000 ગામોને વીજળી પૂરી પાડી દીધી છે. તેઓએ ઉમેર્યું કે ભૂતકાળની સરકારોએ 2200 કરોડનું નુકસાન અમને આપ્યું હતું. ટ્રાન્સફોર્મર ખરીદવા પૈસા નહોતા તથા કર્મચારીઓના પગાર માટે ફાંફા પડતા હતા. તેવા સંજોગોમાં અમે સત્તા સંભાળી ત્યારથી પુનર્ગઠન અને વિભાજન કર્યું ત્યારથી ગામડાઓ અને શહેરોને ગુણવત્તાલક્ષી વીજળી આપવાનો નિર્ધાર કરી જ્યોતિગ્રામ યોજના કાર્યાન્વિત કરી અને પરિપૂર્ણ કરીને આજે 24 કલાક થ્રી-ફેઇઝ ગુણવત્તાયુક્ત વીજળી ગામડાઓ સુધી પહોંચાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. અમે આજે ખેડૂતોના વીજ કનેક્શનોનો બેકલોક દૂર કર્યો છે અને ખેડૂતોને જરૂરિયાત મુજબ વીજ કનેક્શન આપી રહ્યા છીએ.
ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવી ખૂબ જ અઘરું કામ હતું. પરંતુ કિસાન સૂર્યોદય યોજના દ્વારા અમે એ સાકાર કરી બતાવ્યું. અમારી ભાજપા સરકાર અઘરા કામને સરળ કરી જનહિતની સુવિધાઓ પુરી પાડવા સક્ષમ છે. આ કામ અમે હાથ ધર્યું અને આજે 4000 ગામડાઓને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ જ છીએ એટલે જ અમે મક્કમ નિર્ધાર કર્યો છે કે ખેડૂતોને દિવસે વીજળી આપવી જ છે અને આપશું જ. આ યોજના રાજ્યભરમાં અમલી થઇ જશે ત્યારે ગામડાઓનું અર્થતંત્ર વધુ સમૃદ્ધ થશે અને ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર થશે. રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ કિસાન સૂર્યોદય યોજનાનો સમગ્ર રાજ્યમાં વહેલી તકે સંપૂર્ણ અમલ થાય તે માટે જરૂરી પગલાં ભરવા આ સભાગૃહ રાજ્ય સરકારને અનુરોધ કરે છે. આ બિન સરકારી સંકલ્પનો સર્વાનુમતે સ્વીકાર થયો હતો.
વીજળીની જરૂરિયાત પૂર્ણ કરવા 500 મેગાવોટના 12 ટેન્ડરો પ્રસિદ્ધ
આગામી બે વર્ષમાં તમામ ગામડાઓને આવરી લેવાનું આયોજન છે. આ માટે વીજળી ક્યાંથી લાવી અને કેવી રીતે પહોંચાડવી એ માટે સંપૂર્ણ આયોજન કરી દીધું છે. 500-500 મેગાવોટના 12 ટેન્ડરો બહાર પાડી દીધા છે. જેમાંથી 10 ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાંથી 3952 મેગાવોટ વીજળી રૂ.1.92 પૈસાથી રૂ.2.60 પૈસા લેખે ખરીદવામાં આવશે. જે આગામી 12 થી 15 માસમાં મળશે. એ જ રીતે હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી 3000 થી 3500 મેગાવોટ, સોલાર રૂફ ટોપ યોજનામાંથી 1500 થી 2000 મેગાવોટ વીજળી મળશે. આમ જરૂરિયાત મુજબ વીજ ઉત્પાદન અને ખરીદી કરીને કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને વીજળી પૂરી પડાશે.