રાજકોટ તા.18 – ગુજરાતના સરહદી જીલ્લા-વિસ્તારોમાં કાલથી બે દિવસ કમોસમી છુટોછવાયો વરસાદ-માવઠાની શકયતા છે અને 21મીથી તાપમાનનો પારો ફરી ઉંચકાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં તાપમાન 40 ડીગ્રીને આંબી ગયુ હતું. ગાંધીનગરમાં 40 થયુ છે. અનેક સેન્ટરોમાં 39 ડીગ્રી હતું. હવે બે દિવસ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરે હવામાન અસ્થિર રહેવાનું સૂચવાય છે ઉતર ભારતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રીય છે અને તેની અસર કાશ્મીર તથા ઉતરીય રાજયોમાં હળવો વરસાદ તથા હિમવર્ષા થઈ શકે છે. 21મીએ બીજુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ છવાશે અને તેની અસર હેઠળ 21થી 24 માર્ચ દરમ્યાન જમ્મુ-કાશ્મીર તથા ઉતર ભારતના રાજયોમાં વરસાદ થશે. પહાડી ભાગોમાં હિમવર્ષા થશે તેની માત્રા પ્રમાણમાં વધુ હશે.આ સિવાય મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર જેવા મધ્ય ભારતના રાજયોને અસરકર્તા ટ્રફ સર્જાયુ છે અને પવન અસ્થિર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ-માવઠાની શકયતા છે. 18 થી 20 માર્ચ દરમ્યાન કરા પડવા સાથે માવઠાની શકયતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી આવતીકાલ તા.20 થી 24 સુધી ઉપલા લેવલે અસ્થિરતા રહેવાની શકયતા છે. જયારે નીચલા લેવલે પવન ફરતો રહેશે. રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં વરસાદની શકયતા હોવાથી આ રાજયોને લાગુ ગુજરાતના સરહદી વિસ્તારો-જીલ્લાઓમાં 19-20 માર્ચ અર્થાત શુક્ર-શનિવારે છાંટાછુટી-માવઠાની શકયતા છે.પશ્ચિમી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉતર ગુજરાતમાં આગાહીના સમયગાળા દરમ્યાન 3-4 દિવસ ઝાકળ પડવાની શકયતા છે. તા.21થી ફરી તાપમાન વધવા લાગશે અને 22-23 માર્ચ દરમ્યાન 38-40 ડીગ્રીની રેન્જમાં આવી જવાની શકયતા છે.