કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકેત તા. 4 થી એપ્રિલે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે.

રાકેશ ટિકેત બારડોલી અને પાલનપુરમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે.

કૃષિ કાયદો રદરવાની માંગ સાથે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલાં ખેડૂત આંદોલનના ખેડૂત નેતા યુદ્ધવીંર સિંહ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના આમંત્રણને પગલે અમદાવાદ આવ્યા હતાં. પત્રકાર પરિષદ સંબોધતાં યુદ્ધવીરસિંહે કૃષિ કાયદો ખેડૂતો માટે નુકશાનદાયી છે હોવાનું ગણાવી જણાવ્યું કે, બીજ બિયાણ, ખાતર બનાવતી કંપનીઓ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી ડિઝલના ભાવ ખુદ સરકાર વધારી રહી છે ત્યારે ખેડૂત કેવી રીતે જીવશે તે સમજાતુ નથી. એક ખેડૂતે તો ટ્વિટ કર્યું કે, મને મકાઇના અત્યારે જે ભાવ મળ્યાં તેના કરતાં વધુ ભાવ તો વર્ષ 1972 માં મારા પિતાના વખતમાં મળતા હતાં.

કેન્દ્ર સરકાર કૃષિ કાયદો રદ નહી કરે ત્યાં સુધી આંદોલન જારી રહેશે : યુધૃધવીર સિંહ

યુધૃધવીર સિંહ એવી ચિમકી ઉચ્ચારી કે, જયાં સુધી કેન્દ્ર સરકાર કૃષિ કાયદો રદ નહી કરે ત્યાં સુધી આંદોલન જારી રહેશે. પત્રકાર પરિષદ અટકાવી પોલીસે ખેડૂત નેતા યુદ્ધવીર સિંહની અટકાયત કરી હતી. ખેડૂત નેતા સહિતના સમર્થકોને અટકાયત કરી શાહીબાગ સ્ટેડિયમ લઇ જવાયા હતાં.

ખેડૂત નેતા યુદ્ધવીરસિંહે રાકેશ ટિકેતના ગુજરાત પ્રવાસને લઇને વિગત આપી હતી. આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકેત તા. 4 થી એપ્રિલે સવારે દસ વાગે અંબાજી આવશે. અંબાજી મંદિરે દર્શન કરી તેઓ પાલનપુર ખાતે ખેડૂત સંમેલનને સંબોધન કરશે. ટિકેત ઉંઝા ઉમિયા મંદિરે પણ દર્શન કરવા જશે.

તા.5 મીએ સવારે 8 વાગે રાકેશ ટિકેત ગાંધીઆશ્રમની મુલાકાત લેશે ત્યાંથી તેઓ કરમસદ જશે. બારડોલીમાં ટિકેત ખેડૂત સંમેલનને સંબોધન કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આગેવાન યુદ્ધવીરસિંહની અટકાયતને વિરોધ કરતાં કહ્યું કે, પોલીસ ભાજપના કાર્યકર્તાની જેમ વર્તી રહી છે પણ સત્તા તો આજે છે ને કાલે નથી. ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારાંને પગલે ભાજપ સરકાર ચિંતિત બની છે.

Krushikhoj WhatsApp Group