કપાસના ભાવ ચૂંટણી પછી છેલ્લા એક સપ્તાહ થી કપાસના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળ્યો છે – ખેડૂતોમાં રોષ !
ગત વર્ષે આ સમયે કાચા કપાસના પ્રતિ મણના રૂ. 2800 ના ભાવ બોલાયા હતા, જે જોઇ ખેડૂતો આ વર્ષે કપાસના વાવેતર તરફ બરાબરના આકર્ષાતા રાજ્યમાં આ સાલ ‘વ્હાઇટ ગોલ્ડ’નું વાવેતર પણ વધ્યું હતું ચૂંટણી બાદ કપાસના ભાવ ઘટી પ્રતિ મણના રૂ.1700 થી પણ ઓછા બોલાતા ખેડૂતોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતાનુંસાર આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ભાવમાં થઇ રહેલી વધઘટ વચ્ચે ડીસ્પેરિટીને કારણે જીનર્સો કપાસની ખરીદીને લઇને નિરૂત્સાહ જોવા મળી રહ્યા હોવાથી ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. હાલ ખેડૂતો આ ભાવે કપાસ વેચવા ઉત્સાહીત ન હોઇ, માર્કેટિંગ યાર્ડોમાં ગામડાંઓમાંથી આવતા કપાસની આવકો સતત ઘટવા લાગી છે.
સૌરાષ્ટ્રના મુખ્ય સેન્ટરોમાં છેલ્લા દસ દિવસમાં કપાસના મહત્તમ ભાવ ઘટીને પ્રતિ મણે રૂ. 1650 થી 1700 સુધી પહોંચી ગયા છે. કપાસના નીચા ભાવને પગલે ખેડૂતોની કપાસમાં મજબૂત પક્કડ બની રહી છે. કપાસ બજારમાં આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય માગ વચ્ચે કપાસની ડિમાન્ડ સતત વધતા એક તબક્કે તે વખતે પ્રતિ મણના રૂ.2800 સુધીના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખૂશીની લ્હેર વ્યાપી જવા પામી હતી. પરિણામે ખેડૂતોએ આ વર્ષે મગફળીના બદલે કપાસનું વધારે વાવેતર કર્યુ હતું પરંતુ કપાસની સીઝન વખતે ખેડૂતોને ગત સાલ કરતા રૂ.1000 થી 1100 ઓછા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો ખૂબ જ નારાજ થયા છે. ગામડાંઓમાં અગાઉ ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા કોઇ પણ ભોગે કપાસ સસ્તામાં ન વેચવો તેવા મેસેજો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ કરાયા હતા.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસ ના પ્રતિ મણના ગુણવત્તા મુજબ રૂ.1600 થી 1750 વચ્ચે ભાવ બોલાઇ રહ્યા છે.
જીનર્સોમાં ખરીદીનો ઉત્સાહ જ નથી !
જીનર્સો કહે છે કે, અત્યારે આ ભાવે કપાસ ખરીદીને રૂ તૈયાર કરીએ તે ભાવે પ્રતિ ખાંડીએ સહેજે રૂ. 2000 પણ વધુની ડીસ્પેરિટી થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ ના ભાવમાં સતત ચડઉતર થઇ રહી હોઇ, ત્યારે જ જીનર્સોને ઊંચા ભાવે કપાસ ખરીદી રૂ તૈયાર કરવાનું પાલવે તેમ નથી. ઓછા ભાવે કપાસ ખરીદીને રૂ તૈયાર કરવામાં આવે તો પ્રમાણમાં ઓછી ખોટ જાય છે. એટલે જીનર્સો દ્વારા ખપપૂરતી જ ખરીદી કરવામાં આવી રહી છે.
પરપ્રાંતના કપાસની આવકો પણ ઓછી !
સામાન્ય રીતે કપાસની પીક સીઝન હોય ત્યારે સ્થાનિક પીઠાઓના કપાસની સાથે પરપ્રાંત એટલે કે, મહારાષ્ટ્ર, એમપી, આંધ્રપ્રદેશ સહિતના બહારના રાજ્યોના કપાસની પણ ધૂમ આવકો નોંધાતી હોય છે પરંતુ આ સાલ કપાસમાં નીચા ભાવને કારણે વળતા પાણી થયા હોય તેમ ઘરઆંગણાની જેમ પરપ્રાંતના કપાસની આવકો પણ ખૂબ જ ઓછી છે. ટોચના બ્રોકરો કહે છે કે, રાજ્યોમાંથી કપાસની દૈનિક અંદાજે માંડ 50-60 ગાડીઓ આવી રહી છે, જે ખૂબ જ ઓછી કહેવાઇ. બીજી તરફ ઓછી આવકોને કારણે કપાસમાં કામકાજ પણ મર્યાદીત થઇ રહ્યું છે.
સતત ઘટતા બજારમાં હવે કપાસના ભાવ આગળ જતા કઇ સપાટીએ સ્થિર થશે એ મહત્વનો પ્રશ્ન છે. હાલની સપાટીએ ભાવ સ્થિર થાય તો ખેડૂતોની ચિંતા ઓછી થાય. રશિયા-યુક્રેન યુધ્ધમાં વધતો તણાવ, ચીનમાં વકરતો કોરોના, અમેરીકા-યુરોપમાં આર્થિક મંદી સહિતના પરિબળોના કારણે કપાસ બજારમાં વૈશ્વિક સ્તરે પ્રોત્સાહક વાતાવરણ જોવા મળ્યું નથી. હવે પછી કોટન એસોસિયેશન દ્વારા કપાસ ઉત્પાદનનો અંદાજ રજુ થાય અને એમાં ઉત્પાદનમાં મોટા ગાબડાનું તારણ કાઢવામાં આવે તો કપાસના બજારમાં હકારાત્મક અસર જોવા મળી શકે છે તેવું અનુમાન છે.