કાઠિયાવાડની કાળાંતરે વર્ષોથી વરસાદની ખેંચ અને સિંચાઈની સમસ્યા ધરાવતી ધરતી. એ ધરતીમાં વીઘે વધુ ઉત્પાદન ઘઉં કેવી રીતે પાકે એવી ધૂન એક માણસ પર સવાર થઈ. દિવસરાત, ટાઢતાપ, મરણપ્રસંગ આ બધું જોયા વગર તેમણે ધૂણી ધખાવી. આના માટે ત્રીસ ત્રીસ વર્ષો સુધી ધૂણી ધખાવી ઘઉંની જાત મેળવવા તેઓ એટલા ઓતપ્રોત હતા કે તેઓ રાત્રે સૂતા હશે તો સપનાંય ઘઉં અને સંશોધનનાં જ આવતાં હશે એવું માની શકાય. એના નિષ્કર્ષ રૂપે ઘઉંની જે જાત સામે આવી તે લોક – 1 ઘઉં. એના સંશોધક એટલે ઝવેરભાઈ પટેલ.
લોક – 1 ઘઉં ની શોધ વિશે જાણો લોક-1 ઘઉ ના સંશોધક ઝવેર ભાઈ પટેલ વિશે…..
લોક-1 ઘઉં ના સ્થાપક ઝવેર ભાઈ પટેલ ઘઉં સંશોધન ક્ષેત્રે તેઓ રાષ્ટ્રીય સ્વીકૃતિ પામ્યા હતા. લોક -1 ઘઉંનું ઉત્પાદન પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના લોકો પણ લેતા થયા. આજ ના સમય માં પણ લોક -1 એ ઘઉં ની એક પ્રચલિત જાત છે. એ વખતે લોક-1 વીઘે 50 મણ ઊપજ આપતા હતા. પરંતુ એ સિદ્ધિ પણ નોંધપાત્ર હતી. એ પછી લોક – 1 માંથી 2-3-4-5-6-7-8-9 જેવી જાતો આવી. આશ્ચર્ય ની વાત એ છે કે કૃષિવૈજ્ઞાનિક ઝવેરભાઈએ લોક-1 ઘઉંનું સંશોધન કોઈ વિશેષજ્ઞો સાથે નહીં પણ વિદ્યાર્થીઓ સાથે મળીને કર્યું હતું.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરામાં આવેલી શિક્ષણસંસ્થા લોકભારતી સંસ્થામાં તેમણે લોક-1 ઘઉંની જાત વિકસાવી હતી. ઝવેરભાઈ પટેલનું સંશોધન તેના છેલ્લા શ્વાસ સુધી નિરંતર ચાલુ રહ્યું હતું.
ઝવેરભાઈ માટે ઘઉં એ એવા મોતી હતા જેમાં તેમણે આંખ નહીં જિંદગી આખી પરોવી દીધી હતી. લોકભારતીના શિક્ષણવિદ્ મનસુખભાઈ સલ્લા તેમના પુસ્તક ‘જીવતર નામે અજવાળું’ માં ઝવેરદાસ પટેલ વિશે જણાવે છે કે, “નિવૃત્તિ પછીનાં ત્રીસ વર્ષોમાં તેમણે અર્જુનની જેમ એક જ વસ્તુ ઉપર આંખ માંડી હતી. તેમના પુરુષાર્થ આડે કશું આવી શકતું નથી. જાણે ઉંમર અને સંકલ્પ વચ્ચે હરીફાઈ ચાલે છે.” લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ શિક્ષણ સંસ્થામાં ઘઉં સંશોધનના કામમાં તેઓને જાણીતા કેળવણીકાર અને લેખક મનુભાઈ પંચોળી લઈ આવ્યા હતા.
મનુભાઈ પંચોળી ‘દર્શક’ પુસ્તક સદભી સંગમાં લખે છે કે, “ઝવેરદાદા જેવા બધે ઘઉં જ જુએ. ધોમ તાપમાં આરામ લેવાલાયક વૃદ્ધ ઉંમરે તેઓ ઘઉંની ડૂંડીઓ મસળતા હોય, દાણા જાણે પૂજાદ્રવ્ય હોય તેવી સાવચેતીથી જોતાં તોળતાં કે ગણતાં હોય. આ ધુનમાં ખાવાનું ભૂલી જાય, સૂવાનું ભૂલી જાય, ઘઉં જ તેમની ગંધર્વસૃષ્ટિ! આવાના સહવાસમાં વિદ્યાર્થીઓ આવે. વિવિધ માર્ગે થનગનતા જુવાનોને આવા અધ્યાપકો, ગૃહપતિઓ જ પ્રેરણા આપી શકે.” આગળ તેઓ વધુ માં લખે છે કે , “ઝવેરદાદા વહેલા કામે ચડે, મોડા કામેથી ઊતરે. અમારી પાસે કોઈ મશીન નહોતાં, અને દાદા કે અમે ઇચ્છતા પણ ન હતા. દશ આંગળીથી જે કુશળતા પ્રાપ્ત થાય તે ખોવાની અમારી તૈયારી ન હતી. એટલે દાણા વાવવાની બધી પૂર્વતૈયારી કરવાની. હાથે પાળા બાંધવા, ક્યારીઓ કરવી, અંતર મુજબની લાઈનો દોરવી, દાણા ગણીગણીને વાવવા, આખા વાવેતરના નકશા કરવા, તેના નંબરો આપવા, ફણગાની સંખ્યા, ફૂલ આવવાની, પાકવાની બધી તારીખો ક્યારીએ ક્યારીએ જાતે જાતે જઇને નોંધવાની, પાણ પાણીની અસરો જોવાની, પાક્યા પછી દર છોડ નોખો ખેંચવાનો, હારેહારની સંખ્યા નોંધી પૂળીઓ બાંધવાની, દરેક પૂળીએ પટ્ટીઓ ચોડવાની, આ બધા છોડના દાણા હાથે ઠીંકરું લઈ, ઘસીને કાઢવાના.”
ઝવેર ભાઈ પટેલ નો જન્મ 9 ડિસેમ્બર 1903 ના રોજ ગારિયાધાર માં થયો હતો. નાની ઉંમરે પિતા ગુમાવ્યા હતા. અભ્યાસમાં તેમની તેજસ્વિતા જોઈને પાલીતાણાના મહારાજા બહાદુરસિંહ તેમને મદદરૂપ થયા હતા. ઝવેરભાઈએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ગારિયાધાર અને પાલીતાણામાં લીધું હતું. ઉચ્ચ શિક્ષણ ભાવનગર – પુણે – બેંગ્લુરુમાં લીધું હતું. 1930માં કૅમિસ્ટ્રી વિષયમાં પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ થયા હતા. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ જર્મની પણ ગયા હતા. બર્લીન યુનિવર્સિટીની ખેતીવાડી કૉલેજમાં અને સૉઈલ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એબરસ્વાલ્ડમાં અભ્યાસ કર્યો. ત્યાંથી પી.એચડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી)નો અભ્યાસ કરવા અમેરિકામાં યુનિવર્સિટી ઑફ ઈલિનોયમાં ગયા હતા.
સંકલન :- કકુભા બી રાઠોડ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા. તા સુત્રાપાડા. જી ગીર સોમનાથ.