ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે ઐતિહાસિક દિવસ ઈતિહાસમાં સૌ પ્રથમવાર ટ્રેન મારફતે ડુંગળીનો જથ્થો આસામ મોકલાયો
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો થયો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ડુંગળીની આંતરરાજ્ય નિકાસ શરૂ કરવામાં આવી છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી અન્ય રાજ્યમાં નિકાસ કરવામાં આવી છે. હાલમાં જ માલગાડીના 21 ડબ્બામાં 900 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે.
રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેને જણાવ્યા અનુસાર, માર્કેટ યાર્ડમાં ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે.
ડુંગળીની આવકની સામે તેની માગ પણ પુષ્કળ પ્રમાણમાં છે. બિહાર, બંગાળ, આસામ, ગુવાહાટી સહિતના રાજ્યમાં ડુંગળી વધુ માગ છે. પરંતુ ટ્રાન્સપોર્ટ દ્વારા માલસામાન પહોંચતા વધુ સમય લાગતો હતો જેના કારણે નિકાસ કરવામાં પહોંચી વળાતું ન હોતું. જેને પગલે વેપારીઓની માગને ધ્યાનમાં રાખીને સાંસદ રમેશ ધડુકે આ બાબતે રેલવે વિભાગને રેન્ક ફાળવવા રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાનમાં રાખીને ડુંગળીની નિકાસ માટે પ્રથમ મિનિ રેન્કની ફાળવણી કરવામા આવી છે. જેથી વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ ઉપરાંત વેપારીઓએ માગ કરી છે કે ડુંગળીની નિકાસ માટે અઠવાડિયમા બે વખત રેન્ક મળી રહે. જેથી નિકાસ કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉદ્ભવ ન થાય.