મગફળી જેનો મુખ્ય પાક છે તે સૌરાષ્ટ્રમાં હાલમાં દૈનિક 1.20 લાખ બોરીની અછત જોવા મળી રહી છે. પરિણામ લોકોને સિંગતેલ મોંઘા ભાવનું ખરીદ કરવું પડી રહ્યું છે. બજારમાં પૂરતો માલ મળતો નથી. સીંગદાણામાં ડિમાન્ડ નીકળી છે એટલે બધો માલ સીંગદાણાના વેપારમાં જાય છે. આવા સંજોગોમાં નાફેડ પોતાની પાસે જે માલ છે તે બધો રિલીઝ કરીને મગફળીની અછત દૂર કરવાને બદલે જૂની મગફળી જે ગત વર્ષે ખેડૂતો પાસેથી રૂ.1100ના ભાવે ખરીદ કરી હતી તે અત્યારે રૂ.1400ના ભાવે વેચીને મણે રૂ.300નો નફો કમાઈ છે.
જૂની મગફળી નવા ભાવે વેચીને નફો મેળવી રહ્યા
બજારમાં અત્યારે માલ મળતો નથી એટલે સિંગતેલના ભાવમાં લોકોને 12 મહિનામાં રૂ.620નો ભાવવધારો ચૂકવવો પડ્યો છે. ગોંડલ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી સહિત આખા સૌરાષ્ટ્રમાં આવેલી ઓઈલમિલમાં પિલાણ માટે દૈનિક 1.50 લાખ બોરીની જરૂરિયાત છે. જ્યારે સામે આવક માત્ર 30 હજાર બોરીની જ છે. આમ નાફેડની નફાખોરી સામે ઓઈલમિલરો, ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી 2022માં સિંગતેલના ભાવે રૂ.2300ની સપાટી કૂદાવી હતી. અને આ વર્ષે સિંગતેલનો ભાવ રૂ. 2940 હતો.
બીજી બાજુ નાફેડ ખેડૂતોને આ વખતે પુરતા ભાવ આપી ન શક્યું એટલે ખેડૂતોએ ખુલ્લા બજારમાં માલ વેચ્યો અને તેથી સંગ્રહખોરી થતી હોવાની ફરિયાદ ઊઠી છે. આમ, સંગ્રહખોરી અને નફાખોરીને કારણે 12 મહિનામાં સિંગતેલ રૂ.620 મોંઘું થયું છે. નાફેડના જણાવ્યાનુસાર તેને ગત વર્ષે 95 હજાર મેટ્રિક ટન મગફળી ખેડૂતો પાસે ખરીદી કરી હતી અને 35 હજાર મેટ્રિક ટન કેરી ફોરવર્ડ સ્ટોક છે. જરૂરિયાત મુજબ હોય તે પ્રમાણે તે માલ રિલીઝ કરે છે.
ખેડૂતોએ બિયારણ ખરીદી કરવા માટે બમણા ભાવ ચૂકવવા પડશે
હમણા બિયારણની ખરીદી શરૂ થશે. જે ખેડૂતોએ મગફળી વેચી હશે તેને બિયારણ ખરીદી કરવા માટે બમણા ભાવ ચૂકવવા પડશે. સિંગતેલના ભાવ વધી રહ્યા છે. ખેડૂતોને પૂરતા ભાવ નહિ મળવાને કારણે મગફળીનું વાવેતર ઘટી રહ્યું છે. બધી સમસ્યાના નિરાકરણ માટે નાફેડ પાસે જે માલ છે તે બજારમાં જરૂરિયાત મુજબ ઠાલવી દેવો જોઈએ. જેથી બજારમાં મગફળીની પૂરતી આવક પણ થઈ જાય અને ખેડૂતોને તેના બજેટમાં બિયારણ મળી રહે. ખેડૂતો પાસે જ્યારે મગફળીની ખરીદી કરવામાં આવે ત્યારે તેને પૂરતું વળતર મળી રહે તે ભાવ નક્કી કરવા જોઈએ. તેમજ ખેડૂતોને બિયારણની ખરીદી માટે સબસિડી જાહેર કરવી જોઈએ. જો આમની અમલવારી થશે તો આ વખતે મગફળીનું વાવેતર અને ઉત્પાદન વધવાની શક્યતા છે. – કિશોરભાઈ વિરડિયા, સોમા પ્રમુખ