ગોંડલ માવઠાનાં કારણે આ વખતની સિઝનનું મરચું મોંઘુ પડશે મરચીમાં મોટા પાયે નુકશાન થતાં ભાવમાં આવશે ઉછાળો

ઉનાળાનું આગમન થતાં જ મસાલા અને અથાણાં તૈયાર કરવાની સિઝનની તૈયારી શરૂ થઇ જાય છે જથ્થાબંધ કે છૂટક મસાલા માર્કેટમાં લાલ મરચાંના ભાવમાં આગઝરતી ‘લાલચોળ’ તેજી જોવા મળી રહી છે. હાલ મરચા નો રુ.૪૦૦૦ થી રૂ.૬૦૦૦ સુધી નો ભાવ બોલાઈ રહ્યો છે. સરેરાશ કિંમતમાં પણ રૂ।.૧૦૦થી ૩૦૦ નો વધારો થયો છે અને ભાવ હજી વધે એવી શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં ગોંડલ તીખાં મરચાંને લઈને જાણીતું છે. જોકે આ વખતે ગોંડલ મરચાંની તીખાશ લોકોનાં ખિસ્સાંને પણ લાગવાની છે, કેમ કે આ વખતે ગોંડલિયાં મરચાંના ભાવમાં પણ મોટો વધારો થયો છે.

ફેબ્રુઆરીના અરસામાં જ નવાં લાલ મરચાંની માર્કેટમાં આવક શરૂ થઇ જાય છે, પરંતુ આ વખતે મરચાંના પાકને કમોસમી વરસાદનો ભારે ફટકો પડ્યો છે એટલે ઉત્પાદન ઘટવાથી ભાવ પણ વધવા માંડયા છે. આ વર્ષે ઉનાળામાં ઉત્પાદિત થતાં લાલ મરચાંનું ઉત્પાદન ઘટ્યાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરંતુ એક કિલોના ભાવમાં રૂ.૧૦૦થી વધુનો ભાવ વધારો થયો છે.

માવઠાંઓને કારણે ઉત્પાદન ઉપર પણ અસર

જીરુ, વરિયાળી, ધાણા, હળદર જેવી મસાલા ચીજોનાં ઓછાં વાવેતરની સાથે સાથે માવઠાંઓને કારણે ઉત્પાદન ઉપર પણ અસર પડતાં સરેરાશ ૩૦થી ૩૫ ટકા ભાવ વધારો થયો છે. જીરુંમાં અંદાજે ૫૦ ટકા એટલે કે બમણો ભાવ વધારો નોંધાયો છે. નવાં જીરુંની ગુણવત્તા નબળી હોવા ઉપરાંત ઉત્પાદનમાં ૩૦થી ૩૫ ટકાનો ઘટાડો હોવાનાં અનુમાનને કારણે બજારમાં જીરુંના વિક્રમી ભાવો જોવા મળે તેવી લાલચોળ તેજી છે.

Krushikhoj WhatsApp Group