ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગ લાગતાં મરચાની 2500 ભારી બળીને ખાખ, કરોડોનું નુકસા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. બપોરના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં અનેક મરચાની ભારીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. એકાએક આગ ભભૂક્તા ત્યાં રહેલા ખેડૂતોમાં પણ નાશ ભાગ મચી હતી. આ મરચાના પટમાં આ આગ લાગી હતી. બીજી તરફ, સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી કરીને ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ગોંડલ માર્કેટિંગ યાર્ડ દોડી આવી હતી.
માર્કેટિંગ યાર્ડમાં મરચાના ગ્રાઉન્ડમાં આગ લાગી હતી. માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મરચાનો જથ્થો પડ્યો હતો. એકાએક આગ ભભૂકી ઉઠતા ખેડૂતોમાં અફરાતફરી મચી જવા પામી હતી. અંદાજે મરચાની 2500 જેટલી ભારીઓ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની 2 ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગમાં કરોડોનું રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જ્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે,ગોંડલ માર્કેટિંગ યાર્ડના ટ્રાન્સપોર્ટ નગર પાસે આવેલા પટમાં આ આગનો બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. બીજી તરફ, ખેડૂતોના મરચાની ભારીઓ સળગી ગઈ હતી, જેથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. ખેડૂતો પણ આ આગની ઘટનાથી ચિંતિત બન્યા હતા. આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.