મોરબી શહેર અને જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘુંટું, મીતાણા, ટંકારા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજુ ચાર દિવસ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાઈ ગયા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદથી લોકોને ગરમીમાં રાહત થવા પામી હતી.
અમરેલીનાં ખાંભા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સમઢિયાળા સહિતનાં આસપાસનાં ગામમાં વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં પણ વરસાદી ઝાપટા પડયા હતા. ત્યારે વરસાદ થતા ખેડૂતોનાં પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
મહેસાણાનાં બહુચરાજી તાલુકામાં કમોસમી વરસાદ પડયો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે તાલુકામાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
પાટણ જીલ્લાનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. હારીજ શહેરમાં વાતાવરણ બદલાતા ધીમી ધારે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવાનો શરૂ થયો હતો.
પાટણમાં કમોસમી માવઠાએ બે યુવક નો ભોગ લીધો છે. ત્યારે વર્લ્ડ હેરિટેજ સાઈડ રાણીની વાવ જોવા આવેલા બે યુવાનો પર વીજળી પડી હતી. વીજળી પડતા એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજો યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો.
પાટણ હારીજ માર્કેટ યાર્ડની બેદરકારીને કારણે યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં. જીરૂ. ચણા તેમજ એરંડાનો પાક પલળ્યો હતો. હવામાન વિભાગની આગાહી બાદ પણ યાર્ડની બેદરકારી સામે આવી છે. વરસાદને કારણે માર્કેટયાર્ડમાં પાક પલળતા નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. ખેડૂતો પાસેથી ખરીદેલી જણસનો જથ્થો વરસાદમાં પલળ્યો હતો. વેપારીઓએ ખરીદેલો અને ખેડૂતોએ રાખેલો જથ્થો પલળ્યો હતો.
રાજકોટ શહેરનાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે મવડી રોડ, યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદથી કેરીનાં પાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. ખેડૂતોનાં ઘાસચારાને પણ નુકશાન થવાની શક્યતા છે.
પાલનપુરમાં વીજળી પડતા 15 વર્ષીય તરૂણનું મોત નિપજ્યું છે. ખેતરના શેઢા પરથી પસાર થતા સમયે તરૂણ પર પડી વીજળી પડી હતી. વીજળી પડતા તરૂણ 15 ફૂટ જેટલો દૂર ફેંકાયો હતો. જમીન પર પટકાતા તરૂણનુ મોત નિપજ્યું. 15 દિવસ બાદ મૃતકના ભાઈના લગ્ન હતા. લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો.
રાજકોટમાં વરસાદ વરસતા વેપારીઓને નુકશાન થવા પામ્યું છે. ત્યારે બેડી માર્કેટયાર્ડમાં વેપારીઓની જણસી પલળી ગઈ હતી. ઘઉં, જીરૂ, ધાણાનાં મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે.