કૃષિ ઉત્પાદનથી માંડીને ઔદ્યોગીક મશીન ટુલ્સ ક્ષેત્રે નામના ધરાવતાં રાજકોટમાં હવે માર્કેટ યાર્ડે પણ નવુ સીમાચીન્હ સ્થાપ્યુ છે. રાજકોટનું માર્કેટ યાર્ડ સમગ્ર ગુજરાતમાં નંબરવન બન્યુ છે. સૌથી વધુ આવક મેળવવા સાથે ઉંઝા, ગોંડલ, જેવા યાર્ડને પાછળ રાખી દીધા છે. કૃષિક્ષેત્રમાં રાજકોટ યાર્ડ આગવુ સ્થાન ધરાવતુ જ હતું. રાજકોટ-લોધીકા-પડધરી તાલુકાઓનું કાર્યક્ષેત્ર ધરાવતાં યાર્ડમાં દિવસો દિવસ કારોબાર સતત વધી જ રહ્યો છે.
પાંચેક વર્ષ પુર્વે વિશાળ યાર્ડનું નિર્માણ કરાયા છતાં હજુ ભરસીઝન વખતે જગ્યા ટુંકી પડવા લાગી છે તેના પરથી જ વધતા કારોબાર-વિકાસની સાબીતી મળી જાય છે. માર્કેટ યાર્ડનાં ચેરમેન જયેશ બોઘરાએ પત્રકારો સાથે વાતચીતમાં એમ કહ્યું છે કે આવકની દ્રષ્ટ્રિએ રાજકોટ યાર્ડ સમગ્ર ગુજરાતનું નંબર-વન બની ગયુ છે. અત્યાર સુધી રાજકોટ, ઉંઝા, સુરત તથા ગોંડલ વચ્ચે સ્પર્ધા રહેતી હતી પરંતુ હવે તમામને પાછળ રાખીને આગળ નીકળી ગયુ છે. રાજકોટ યાર્ડની નાણાકીય વર્ષ 2022-23 ની આવક 32.50 કરોડ થઈ હતી.
તેની સામે ઉંઝાની 31 કરોડ તથા ગોંડલની 32 કરોડ છે. મહત્વની વાત એ છે કે 2021-22 ના નાણા વર્ષની રાજકોટ યાર્ડની આવક 26 કરોડ હતી. જયારે ગોંડલની 25-30 કરોડ હતી એક વર્ષ પૂર્વે 70 લાખનું આવક અંતર હતું તે હવે દોઢ કરોડ થયુ છે. અર્થાત ગોંડલ કરતાં રાજકોટ યાર્ડનાં વિકાસનો વ્યાપ વધી રહ્યો છે.ગોંડલ સાથે સરખામણી કરવામાં આવે તો ત્યાં મગફળી-મરચા તથા ધાણા જેવી ચીજોનો દબદબો છે. જયારે રાજકોટે ઘણો વ્યાપ વધાર્યો છે. રાજકોટ યાર્ડ મગફળી, ઘઉં, તલી, મરચા, કપાસ, જીરૂ, સોયાબીન જેવી ચીજોનું મથક બની ગયુ છે.