રાજયમાં માર્ચ-2023માં થયેલા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અંગે રાજય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જેના લાભ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ખેતી તથા બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તે જ કિસ્સામાં સહાય મળવાપાત્ર રહેશે અને ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
આ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે
ખેતી નિયામકે જાહેર કરેલ માર્ગદર્શિકામાં પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળી એનઓસી વગેરે વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારી સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે અરજી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પાક નુકસાન સર્વેમાં 33% થી વધુ નુકસાન જણાતા હોય તેવા સર્વે નંબરવાળા ખેડુત ખાતેદાર કે જેના સર્વે / ખાતા નંબર ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલો હોય તેવા ખેડુત ખાતેદારોને જ આ સહાય પેકેજનો લાભ મળશે. ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ આ પેકેજનો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે. તેમજ તાલુકા કક્ષાએ ગામ પ્રમાણે સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી કે જિલ્લા ખેતીવાડી અધિકારીનો ખેડૂતે સંપર્ક કરવાનો રહેશે.
ખેડૂતોને રાહત આપતુ વિશેષ પેકેજ જાહેર કરાયુ છે
મહત્વનું છે કે માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂપિયા 13,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વધુ એવી વધારાની રૂપિયા 9500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા 23,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂપિયા 18,000 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂપિયા 12,600 પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા 30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
કેટલા જિલ્લા અને કયા કયા જિલ્લામાંથી પાક નુકસાનીના અહેવાલ મળ્યા?
કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રી ઉમેર્યું હતું કે રાજ્યના રાજકોટ,જૂનાગઢ,બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાની અંગેનો અહેવાલ મળ્યો હતો.
ખેડુત ખાતેદારોએ આ પેકેજ નો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવાની રહેશે.
તેમજ તાલુકા કક્ષાએ ગામ વાઇજ સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઇ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી(ખેતી) / જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નો સંપર્ક કરવાનો રહેશે એમ વધુમાં જણાવાયું છે.