ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન રૂ ઠલવાશે ઓસ્ટ્રેલિયાથી 2.50 લાખ ગાંસડીની આયાત કપાસના ઉત્પાદનમાં વિશ્વભરમાં મોખરે રહેલા અને નોંધપાત્ર નિકાસ કરતા ભારતે આયાત કરી છે. અઢી લાખ ગાંસડી રૂ ની આયાત ઓસ્ટ્રેલિયામાંથી થશે. આવતા ત્રણ માસમાં આ સોદાનો માલ ભારતમાં આવી જશે. 

સ્પીનર્સો દ્વારા ઓસ્ટ્રેલિયાથી આયાત માટે અઢી લાખ ગાંસડીના સોદા કર્યા છે. આ આયાતડયુટી મુક્ત છે. આ જ રીતે અવિકસીત દેશોમાંથી આયાત પર ડયુટીમાં 50 ટકા કાપની સ્કીમનો લાભ લેવા આફ્રિકી દેશોમાંથી પણ આયાત કરવા કેટલાક સ્પીનર્સો વિચારણા કરી રહ્યા છે. ગુજરાત સ્પીનર્સ એસોસીએશનના ઉપપ્રમુખ જયેશ પટેલે કહ્યું કે ભારતનું ઉત્પાદન 340 લાખ ગાંસડીનું અંદાજાય છે. ઉંચા ભાવની લાલચમાં ખેડુતોએ માલ પકડી રાખ્યો હોવાથી આવક ધીમી પડી છે.

ભારતીય કપાસના ભાવ વિશ્વબજાર કરતા ઉંચા છે. ઓસ્ટ્રેલિયામાંથી છેલ્લા બે વર્ષથી આયાત વધી રહી છે. આવતા ત્રણ માસમાં અઢી લાખ ગાંસડીની આયાત થશે. આયાતકારોએ સોદા કર્યા છે અને તુર્તમાં આવક થશે. ઓસ્ટ્રેલિયન રૂમાં ભેજ ઓછો હોય છે અને સ્પીનર્સોને વધુ યાર્ન મળે છે. સાથોસાથ ઓસ્ટ્રેલિયન યાર્ડના ભાવ પણ ઉંચા છે. સૂત્રોએ કહ્યું કે મોટાભાગનો આયાતી માલ ગુજરાતની સ્પીનીંગ મીલો પાસે જ આવશે.

2022માં ઓસ્ટ્રેલિયામાંથી 283 મીલીયન ડોલરના રૂની આયાત થઈ હતી જે આગલા વર્ષ કરતા ચાર ગણી વધુ હતી.સૂત્રોએ કહ્યું કે આફ્રિકાથી પણ આયાત થઈ શકે છે. આયાત જકાતમાં 50 ટકાનો લાભ મળે તેમ છે. 5.50 ટકાની ડયુટીએ આયાત શકય બનશે. ભારતીય રૂના ભાવ ઉંચા હોવાથી આફ્રિકાથી આયાત સસ્તી પડે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રૂની ગાંસડીનો ભાવ રૂા.1.10 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો જે હાલ 61500 આસપાસ ચાલી રહ્યો છે.

Krushikhoj WhatsApp Group