ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા
ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર: ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં સરેરાશ ૯ થી ૧૦ ટકા જેટલો વધારો
ટેકાના ભાવ જાહેર કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરનો આભાર વ્યક્ત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
ખેડૂતોના હિત માટે સતત પ્રયત્નશીલ રહી માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ કૃષિ મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો
ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૯ થી ૧૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્ય રોકડીયા પાક મગફળીમાં રૂ.૫૨૭ પ્રતિ ક્વિ. અને કપાસમાં રૂ.૬૪૦ પ્રતિ ક્વિ. જેટલો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને લઈ વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે સતત પ્રયત્નશીલ રહી માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવી પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે.
આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ મગફળીના રૂ.૬૩૭૭ પ્રતિ ક્વિ., કપાસ રૂ. ૭૦૨૦ પ્રતિ ક્વિ, ડાંગર રૂ.૨૧૮૩ પ્રતિ ક્વિ, જુવાર રૂ. ૩૧૮૦ પ્રતિ ક્વિ, બાજરી રૂ.૨૫૦૦ પ્રતિ ક્વિ, રાગી રૂ.૩૮૪૬ પ્રતિ ક્વિ, મકાઈ રૂ.૨૦૯૦ પ્રતિ ક્વિ, તુવેર રૂ.૭૦૦૦ પ્રતિ ક્વિ, મગ રૂ. ૮૫૫૮ પ્રતિ ક્વિ, અડદ રૂ.૬૯૫૦ પ્રતિ ક્વિ, સોયાબીન રૂ.૪૬૦૦ પ્રતિ ક્વિ અને તલના રૂ. ૮૬૩૫ પ્રતિ ક્વિ. ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪ માં જુદા-જુદા ખરીફ પાકો હેઠળ રૂ.૧૪૩ થી રૂ.૮૦૫ પ્રતિ ક્વિનો વધારો કરવામાં આવ્યો છે.
ભારતીય કિશાન સંઘ મોરબી જીલેષભાઈ કાલરીયા