ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે તેમ છે. સરકાર તેને રોકવા પ્રયાસ કરી રહી છે
સરકાર બફર સ્ટોકમાંથી ત્રણ લાખ ટન ડુંગળી ખુલ્લા બજારમાં મૂકશે
મહારાષ્ટ્ર ના ખેડૂતો સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં
કેન્દ્ર સરકારે રિટેલ માર્કેટમાં વધતી જતી મોંઘવારી પર લગામ મૂકવા મોટું પગલું ભર્યું છે. શનિવારે ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સ્પોર્ટ ડયૂટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સરકારના જાહેરનામા અનુસાર આ એક્સ્પોર્ટ ડયૂટી આગામી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. વાસ્તવમાં પાછલા સપ્તાહે એવા સમાચાર બહાર આવ્યા હતાં કે સપ્ટેમ્બરમાં દેશમાં ડુંગળી મોંઘી થઈ જશે અને દેશમાં ટામેટાં જેવી સ્થિતિ ફરી પેદા થશે. અહેવાલો અનુસાર ડુંગળી હાલમાં રૂ. 25-30મા કિલો મળી રહી છે તે આગામી મહિને 60-70ના ભાવે મળતી થઈ શકે છે અને તેને કારણે મોંઘવારી ફરીથી સાતમા આસમાને પહોંચી શકે છે. ડુંગળીને મોંઘી થતી રોકવા માટે તેને દેશની બહાર જતાં અટકાવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પાછલા સપ્તાહે જાહેરાત કરી હતી કે તે પોતાના બફર સ્ટોકમાંથી ત્રણ લાખ ટન ડુંગળી ખુલ્લા બજારમાં મૂકશે. સરકારને લાગે છે કે બજારમાં એકસાથે ત્રણ લાખ ટન ડુંગળી આવવાના કારણે ડુંગળીની કૃત્રિમ અછત દૂર થઈ જશે.