નોંધણી પ્રક્રિયા શરૂ
ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા ખરીફ પાકોની ખરીદી માટે ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરવાની જાહેરાત કરવામાં આવી. પરંતુ આ પ્રક્રિયાના પહેલા જ દિવસે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓનલાઈન નોંધણીમાં સર્વર ઠપ થતા સતત બીજા દિવસે રાજ્યના ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.
પોર્ટલમાં ખામી, ખેડૂતો નિરાશ
ઇ-સમૃદ્ધિ પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક ખેડૂતો નોંધણી કરી શક્યા નહોતા. સવારથી ખેડૂતો પ્રયત્ન કરતા રહ્યા છતાં સર્વર ડાઉન હોવાના કારણે ભાગ્યે જ થોડા ખેડૂતોની નોંધણી થઇ શકી. જેના કારણે ગામેગામ ખેડૂતો નિરાશા અનુભવી રહ્યા છે.
ડિજીટલ ઇન્ડિયાની ચર્ચા વચ્ચે ખોટો અનુભવ
સરકાર ડિજીટલ ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ ખેડૂતોને જરૂરી સમયે પરેશાન થવું પડે છે, એવી ચર્ચા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહી છે. પ્રથમ જ દિવસે નોંધણી પ્રક્રિયા ખોરવાતા ખેડૂતોનો એક દિવસ વેડફાઇ ગયો છે.
ખેડૂતોની માંગ : મુદત લંબાવો
નોંધણીમાં વિલંબને કારણે ખેડૂતો હવે નોંધણીની મુદત લંબાવવાની માગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે 15 દિવસ પૂરતા નથી, ઓછામાં ઓછું એક મહિના સુધી નોંધણીની તક આપવી જોઈએ જેથી દરેક ખેડૂત ટેકાના ભાવનો લાભ લઇ શકે.
સરકારનું આશ્વાસન
ઓનલાઈન નોંધણીમાં સર્વર ઠપ થવા અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પહેલા દિવસે જ એકસાથે હજારો ખેડૂતોનું રજિસ્ટ્રેશન થતાં સર્વર ઠપ થયું હતું. જા કે તેમણે ખાતરી આપી છે કે જો જરૂરી પડશે તો સરકાર નોંધણી માટેનો સમયગાળો લંબાવશે જેથી તમામ ખેડૂતો પોતાની નોંધણી કરી શકે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, “ગઈકાલથી એટલે કે પહેલી તારીખથી ટેકાના ભાવે જે ખેડૂતો પોતાની જણસીઓને વેચવાની હોય, તેના ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવા માટેનો પહેલો દિવસ હતો. એમાં એક જ સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે. આજે અમે એના માટે વ્યવસ્થા કરી અને આ નોંધણી પ્રક્રિયા ચાલુ રાખીશું. આ નોંધણીની પ્રક્રિયા ૧૫ દિવસ ચાલુ રહેવાની છે, અને જરૂર પડ્યે સમય મર્યાદા પણ વધારી આપવામાં આવશે.
