જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે અને ખેતી નફાકારક બની રહે તે માટે જમીનના ગૌણ અને સૂક્ષ્મ તત્ત્વો પરનું સંશોધન ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે
ખેડૂતોએ જમીનની ચકાસણી કરી તેની ફળદ્રુપતા જાળવી રાખવી જરુરી છે, પરંતુ ઘણાં ખેડૂતો તેની ઉપેક્ષા સેવે છે. તેઓ ફક્ત વધુ ઉત્પાદન મળે તે માટે બીટી બિયારણો અને વધુ ઉત્પાદન આપતી જાતો વધુ પ્રમાણમાં વાવે છે. આવી જાતો જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પોષક તત્ત્વોનું શોષણ કરી લે છે. આથી જમીનમાંથી પોષકતત્ત્વોનો ઉપાડ વધી જવાથી તત્ત્વોની ઉણપ વર્તાય છે. આથી ખેડૂતોએ જમીનમાં રહેલાં પોષકતત્ત્વો વિશે પણ જાણવું જરૃરી છે.
વનસ્પતિને તેના બંધારણ અને વૃદ્ધિ માટે કુલ 17 તત્ત્વો જરુરી છે.આ ઉપરાંત બીજાં ઘણાં તત્ત્વો જમીનમાં આવેલ છે. પણ તે બધાં વનસ્પતિને ઉપયોગી તત્ત્વો નથી. છોડને જરૃરી એવાં પોષક તત્ત્વો સપ્રમાણ તે જમીનમાં સહેલાઈથી મૂળ વાટે મેળવી લે છે. આમ છોડ દ્વારા ચુસાઈ ગયેલાં પોષકતત્ત્વો જમીનમાંથી ઓછાં થાય છે. આથી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે જેટલાં પોષકતત્ત્વો જમીનમાંથી ઓછાં થાય છે તેટલાં પાછાં તેમાં ઉમેરવાં જોઈએ. એટલે વનસ્પતિને કયાં કયાં પોષકતત્ત્વો કેટલા પ્રમાણમાં જરુરી છે અને તે કેવી રીતે મળે છે તે જાણવું ખેડૂતો માટે ખૂબ જરુરી છે.
પૃથ્વી ઉપર અત્યાર સુધી લગભગ 103 જેટલાં તત્ત્વોનું સંશોધન થયું છે તે બધાંની છોડને જરુરિયાત હોતી નથી. છોડનું વૈજ્ઞાાનિક પૃથક્કરણ કરતાં તેમાં ઘણાં તત્ત્વો જણાયાં છે, પરંતુ તેમાંથી ફક્ત 17 તત્ત્વોને જ છોડ માટે આવશ્યક પોષકતત્ત્વોમાં ગણવામાં આવ્યાં છે.
કોઈ પણ તત્ત્વને આવશ્યક પોષકતત્ત્વ કહી શકાય નહીં. જે તત્ત્વ બધા જ સિદ્ધાંતોને અનુરૃપ હોય તેને પોષકતત્ત્વ કહી શકાય. જેમાં છોડની વૃદ્ધિ, પ્રજનન, જીવનચક્ર પૂરું કરવા માટે તે આવશ્યક સાબિત થવુ જોઈએ. એટલે કે જે તે તત્ત્વની ગેરહાજરીમાં કોઈ પણ છોડ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતો ન હોય. છોડમાં તે તત્ત્વનાં ચોક્કસ કાર્યો હોવાં જોઈએ અને આ કાર્યો બીજાં તત્ત્વોથી ન થઈ શકતાં હોય તેમજ આ તત્ત્વની ખામીથી છોડમાં તેની ઉણપ સ્પષ્ટ વર્તાતી હોય અને આ ઊણપ તે તત્ત્વ આપવાથી અટકાવી શકાય અથવા દૂર કરી શકાય છે એવું સાબિત થવું જોઈએ. તેમજ તે તત્ત્વ છોડની ચયાપચયની ક્રિયાઓમાં સીધો ભાગ ભજવતું હોવું જોઈએ. આવાં લક્ષણો ધરાવતાં તત્ત્વોને પોષકતત્ત્વો કહેવાય છે. જેને મુખ્ય, ગૌણ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. છોડનો મુખ્ય પોષકતત્ત્વો જે છોડને વધુ જથ્થામાં જરુરિયાત હોય અને જે પોષકતત્ત્વો છોડને ઘણા જ ઓછા જથ્થામાં જોઈતાં હોય તેને ગૌણ પોષક તત્ત્વો અને જે અલ્પ માત્રામાં જોઈતાં હોય તેને સૂક્ષ્મ પોષકતત્ત્વો કહે છે.
સંપૂર્ણ વિકાસ નીચેનાં તત્વોથી થાય છે.
(1) બંધારણીય તત્વો: કાર્બન, હાઈડ્રોજન, ઓકિસજન
(2) મુખ્ય પોષક તત્વો: નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ
(3) ગૌણ તત્વો: કેલશ્યમ, મેગ્નેશ્યમ, સ્લ્ફર
(4) સુક્ષ્મ પોષક તત્વો: લોહ, જસત, તાંબુ, મેંગેનીઝ, બોરોન, મોલીબ્લેડમ, કલોરીન,
કોબાલ્ટ)
દરેક આવશ્યક પોષકતત્ત્વોના છોડમાં અલગ અલગ અને વિશિષ્ટ કાર્યો હોય છે. કોઈ પણ આવશ્યક પોષકતત્ત્વની ઊણપથી છોડની દેહર્ધાિમક ક્રિયાઓમાં વિક્ષેપ પડે છે. પરિણામે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને છોડ ઉપર ઊણપનાં ચિહ્નો જોવા મળે છે અને પાક ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આથી દરેક તત્ત્વોના છોડમાં કાર્યો, તેની ઉણપથી છોડ ઉપર થતી વિપરીત અસરો અને આ ઊણપ દૂર કરવાની રીતોની જાણકારી ખેડૂતોને હોવી જરુરી છે. આ ઉપરાંત કોઈ પણ પોષકતત્ત્વ પાકની જરુરિયાત કરતાં વધારે જથ્થામાં આપવામાં આવે તો તે પણ પાકને નુકસાનકર્તા છે. તેથી જે તે પાકને જે તે તત્ત્વની જેટલી જરૃરિયાત હોય તે ખાતર દ્વારા પૂરી પાડવી જોઈએ. આમ ખેડૂત પોતાના ખેતરમાં પાકને કેટલા પ્રમાણમાં કયાં પોષકતત્ત્વોની જરુરિયાત રહેશે તેનાથી માહિતગાર હોય તો તે સચોટ પગલાં લઈ પોતાની જમીનની ફળદ્રુપતા ટકાવી શકશે. ઘણાં ખેડૂતો ખૂટતાં પોષકતત્ત્વોની ર્પૂિત માટે આડેધડ ખાતરનો ઉપયોગ કરે છે, પરંતુ ખાતરના બેફામ ઉપયોગથી ઉત્પાદન પર વિપરીત અસર પડે છે અને જમીનની ફળદ્રુપતા પર પણ માઠી અસર પડે છે.