સોશિયલ મીડિયામાં છવાયા જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં મોટા ભાડુકિયા ગામના ખેડૂત પંકજભાઇ કથીરિયાએ પ્રથમ વર્ષે જ કૂવા રીચાર્જની પદ્ધતિનો પ્રયોગ કર્યા બાદ જબરી સફળતા મળી છે. અને પ્રથમ વરસાદમાં જ 125 ફૂટ ઊંડા કૂવામાં 85 ફૂટ સુધી પાણીનો સંગ્રહ થયો છે. હવે આ વર્ષે ચોમાસુ સારું ના થાય તો પણ ખેતરમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થઇ ગયું છે. પ્રગતિશીલ પંકજભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બની રહ્યા છે.

https://youtu.be/kPH-oXLjbNY આ વિડીઓ જોવા લિંક પર ક્લિક કરશો

જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં મોટા ભાડુકિયા ગામના ખેડૂતે આ વર્ષે નવતર પ્રયોગ કરીને પોતાની વાડીમાં કૂવામાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાઇપ મુકીને કૂવો રીચાર્જ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરતાની સાથે જ તાજેતરમાં ભારે વરસાદ પડવાના કારણે આ ખેડૂતની વાડીમાં કૂવામાં અને ખેતરમાં પાણી ભરાવાના કારણે ભૂર્ગભજળ ઉંચા આવ્યા છે.

કેવી રીતે પંકજભાઇએ કર્યો કૂવો રિચાર્જ ?

પંકજભાઇ કથીરીયાએ પાણીની સમસ્યાનો ઉકેલ શોધી કાઢીને આ વર્ષે કૂવો રીચાર્જ કરવાનો વિચાર આવ્યા બાદ જાત મહેનતે કૂવાની આજુબાજુમાં ફેન્સીંગ કરીને કૂવાની બાજુમાં 8 ફૂટની ઉંડાઇએ ખાડો કરી, તેમાં પથ્થરો ભરીને બંધ કરી દીધા બાદ તેની બાજુમાં જ 30 બાય 30 ફૂટનો ખાડો કરીને તેમાં પ્લાસ્ટિકના પાઇપ મુકી તેનું જોડાણ સીધુ કૂવામાં ગોઠવી આપવામાં આવ્યું હતું.

આયોજનબદ્ધ રીતે કૂવો રીચાર્જ કરવા માટે આ પદ્ધતીનો ઉપયોગ કર્યા બાદ પ્રથમ વરસાદે ખેતરમાં પાણી ભરાયા હતા, તેમાંથી છ-સાત પાઇપ મારફતે કૂવામાં પાણીનો ધોધ વછૂટ્યો અને જળસંગ્રહ કરવામાં ધારી એવી સફળતા મળી છે.

ખેડૂતનો કૂવા રીચાર્જનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થતાં જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રેરણા મળતા કૂવા રીચાર્જની પદ્ધતિનો ઉપયોગ કરવા તરફ આગળ વધ્યા છે. અને દરેક ખેડૂત આ પધ્ધતિનો ઉપયોગ કરવા માટે સલાહ આપી રહ્યા છે. જેથી પાણીની સમસ્યાથી કાયમ છુટકારો મળી રહે.

કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામના ખેડૂત પંકજભાઇ પરસોતમભાઇ કથીરીયાએ આ વર્ષે ખેતરમાં કૂવો રીચાર્જ કરવા માટે આઠ પાઇપ મારફત આયોજનબદ્ધ વરસાદનું પાણી કૂવામાં સંગ્રહ થાય તેવું ગોઠવ્યું હતું. અને બે દિવસ પહેલા ભારે વરસાદ પડતા પંકજભાઇની 50 વિઘા ખેતીની જમીનમાં પાણી ભરાયા બાદ ચારેય બાજુ આઠ પાઇપની ગોઠવણ કરીને 125 ફૂટના કૂવામાં જોડાણ આપવામાં આવ્યું હતું.

પ્રથમ વરસાદ દ્વારા 125 ફૂટ ઉંડા કૂવામાં વરસાદી પાણીનો 85 ફૂટ સુધી સંગ્રહ થયો હતો. ત્યારે આ વખતે પંકજભાઇએ કપાસના પાકનો વાવેતર કર્યુ છે. અને હવે ચોમાસા દરમિયાન એકપણ વરસાદ ન પડે તો પણ પંકજભાઇને ચિંતા નથી. કેમ કે, કૂવો રીચાર્જ થવાના કારણે હવે કપાસના પાક માટે સિંચાઇનું પાણી પ્રર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ બની ગયું છે.

મોટા ભાડુકિયા ગામના ખેડૂત આગેવાન પંકજભાઇના કૂવા રીચાર્જના નવતર પ્રયોગના પગલે સમગ્ર કાલાવડ તાલુકામાં ખેડૂતોને નવી પ્રેરણા મળી છે. અને સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાયરલ થતાં હવે ખેડૂતો પણ પોતાની વાડીમાં કૂવો રીચાર્જ કરવા માટે પદ્ધતિનો ઉપયોગ કરવા તરફ આગળ વધી રહ્યા છે.

Krushikhoj WhatsApp Group