ગુજરાત સહિત દેશમાં ચોમાસું હવે સક્રીય બની રહ્યું છે અને ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયાં છે, જોકે હજી પણ સૌરાષ્ટ્રનાં અમુક ગામડા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદનો અભાવ છે. સરકારી આંકડાઓ કહે છેકે દેશમાં મગફળીનાં વાવેતરમાં જબ્બર વધારો થયો છે, જ્યારે કપાસનાં વાવેતરમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં વાવેતર વધ્યાં જ છે.
કૃષિ મંત્રાલયનાં કહેવા પ્રમાણે ૨૮મી જૂન સુધીમાં દેશમાં ૨૭.૦૮ લાખ હેકટરમાં વાવેતર થયું હતું, જે ગત વર્ષે ૩૨ લાખ હેકટરમાં થયું હતું.

આમ ૧૬ ટકા વાવેતર ઘટ્યું છે. મગફળીનું વાવેતર ૯.૮૧ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૪.૪ લાખ હેકટરમાં થયું હતું. આમ તેમાં ૧૨૩ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં મગફળીનાં ૬ લાખ હેકટરનું વાવતર સરકારી આંકડાઓ બતાવે છે, પરંતુ તેની સામે શંકાની સોઈ છે.
બજારની વાત કરીએ તો કપાસની બજારમાં હાલ હાજર બજારમાં કોઈ દાવ-પેંચ નથી, પરંતુ વાયદામાં મોટો દાવ-પેંચ રમાઈ રહ્યો છે. વાયદાની ક્વોલિટીનું રૂ મળતું ન હોવાથી વાયદા ઉછળ્યાં છે અને સટ્ટોડિયા-ગણીતપંડીતો ભરપૂર કમાઈ રહ્યાં છે. મગફળીની બજારમાં સરકાર કમાઈ રહી છે અને હજારમાં ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીનાં હાલ રૂ.૧૦૫૦થી ૧૧૦૦ મળી રહ્યાં છે. જોકે આ દિવસો હવે પૂરા થવાની તૈયારીમાં છે. ઉનાળુ મગફળીમાં મણનાં રૂ.૧૪૦૦ ખેડૂતોને મળ્યાં છે, પરંતુ ખાટલે મોટી ખોટ છે એ છે કે આ વર્ષે બહુ માલ જ પાક્યો નથી, પરિણામે ખેડૂતોને ઓછી કમાણી છે. સિંગતેલનો ડબ્બે રૂ.૨૦૦૦ ઉપર પહોંચ્યો છે.
એરંડા, મસાલા બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને બજારો અથડાય રહ્યાં છે. ગમ વાયદો તુટી રહ્યો છે. અનાજની બજારમાં બાજરી, જુવાર અને મકાઈમાં ભાવ ઊંચા છે અને તેને પગલે ખરીફ વાવેતર વધે તેવા અણસાર છે.

Krushikhoj WhatsApp Group