સૌરાષ્ટ્રમાં સપ્તાહ પહેલા જ નૈઋત્યનું ચોમાસાનું વિધિવત્ આગમન થયું પણ દિલને ઠંડક મળે તેવા વરસાદનું હજુ આગમન નથી, આકાશમાં વરસાદ લાવે તેવા વાદળો બંધાતા નથી ત્યારે લોકો અને ખેડૂતો પર ચિંતાના વાદળો છવાવા લાગ્યા છે. આજે હવામાનખાતાના સૂત્રો અનુસાર સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની કોઈ આગાહી પણ નથી.
તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો વગેરે માટે ખાસ રાહતો તો મળી નહીં, ઉલ્ટુ આમથી માંડીને ખાસ દરેક નાગરિક પર બોજ વધારતો પેટ્રોલ-ડીઝલમાં રૂ।.અઢીનો ભાવ વધારો ઝીંકાયો છે તો સોનામાં કસ્ટમડયુટી અઢી ટકા વધારી દેવાતા દિકરા-દિકરીના લગ્નની તૈયારી કરતા હજારો પરિવારો નિરાશ થયા છે. સરકાર તરફથી રાહત તો ન મળી ત્યારે હવે મેઘરાજા પર લોકોનો મદાર છે. સારો વરસાદ થાય અને હરિયાળીની સાથે ધંધા-રોજગાર ખિલી ઉઠે તો ઈંધણ-સોના સહિતમાં વધતી મોંઘવારી સામે લડત આપવા થોડી આર્થિક શક્તિ મળે તેની આશા સેવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ સિવાયના તમામ જિલ્લાઓ અને કચ્છમાં તા.૧ જૂનથી આજ સુધીમાં સામાન્ય કરતા ૨૦ ટકાથી ૭૬ ટકા સુધી ઓછો વરસાદ પડયો છે. વરસાદની ખાધને કારણે કૃષિ પાક માટે ચિંતાનું મોજુ છવાયું છે. મોરબી અને દ્વારકા જિલ્લામાં વરસાદની ૬૦ ટકાથી વધુ ખાધ છે.
હવામાનખાતા અનુસાર દક્ષિણ ગુજરાત પર સમુદ્ર સપાટીથી ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.સુધી હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અન્વયે સૌરાષ્ટ્રમાં એકલ-દોકલ સ્થળે જ હળવા-મધ્યમ વરસાદની આગાહી છે.