ગુજરાત વિધાનસભા ગૃહમાં હર્ષદ રિબડીયાએ ખેડૂત દેવા માફીનું બિલ રજુ કર્યું હતું. આ સમયે જય જવાન, જય કિશાનના નારા સાથે ગૃહ ગુંજી ઉઠ્યું હતું. ત્યારે દેવા માફીનું બિલ નામંજૂર થયું છે.

હર્ષદ રિબડીયાએ જણાવ્યુ હતું કે સરકાર તરીકે ખેડૂતોના દેવા અંગે આપણે જવાબદાર છીએ. આપણો કૃષિ વિકાસ દર 4.2 ટકા જ છે. આપણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી જ આપી શક્યા નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શક્યા નથી. ટેકાના ભાવે ખરીદીમાં 75 ટકા ખેત પેદાશો લેવામાં આવતી નથી. મોટા ભાગના ખેડૂતો ખુલ્લા બજારોમાં પોતાની ખેત પેદાશો વેચી રહ્યાં છે. ખેત ઓજારો પર પણ જીએસટી લગાવી દેવામાં આવ્યું છે.

પરંતુ ખેડૂત દેવા માફી અંગેનું ખાનગી બિલ ગૃહમાં નામંજૂર થયું છે. ખેડૂત દેવા માફી અંગેના ખાનગી બીલ પર મતદાન કરવામાં આવ્યુ હતું. પરંતુ ભાજપના ધારાસભ્યોએ ખેડૂત દેવા માફી બીલના સમર્થનમાં મત આપ્યા ન હતાં. બહુમતીના જોરે ગૃહમાં ખેડૂત દેવા માફી બીલ નામંજૂર થયું છે.

ત્યારે કોંગ્રેસના સભ્યોએ ખેડૂત દેવા માફી અંગે નારા લગાવ્યા હતાં. વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યો બેનરો દર્શાવ્યા હતાં. આ પહેલા વિધાનસભામાં ખેડૂત દેવા માફી ખાનગી બીલ પર ચર્ચા કરવામાં આવી છે.

નરેશ પટેલનું વિધાનસભામાં નિવેદન

જેમાં ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે વિધાનસભામાં નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે સરકાર ખેડૂતને ત્રિકમથી લઇ ટ્રેક્ટર ખરીદીમાં મદદ કરે છે. કોંગ્રેસ સરકારે ખેડૂતોની દેવા માફી કરી છે. તો પણ ખેડૂતો ફરી દેવાદાર બની ગયા છે. કોંગ્રેસ દેવામાફીની વાત કરે છે. ખેડૂતોએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે. રાજ્યના 28 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી ખેડૂત નિધી યોજનો લાભ મળ્યો છે. ભાજપ સરકારે ઝીરો ટકાએ ખેડૂતોને લોન આપવાની શરૂઆત કરી છે.

દેવા માફી મુદ્દે DyCMનું નિવેદન

ખેડૂત દેવા માફી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નિવેદન કર્યુ હતું. તેમાં તેમણે જણાવ્યુ હતું કે UPA સરકારે દેવું માફ કર્યું હતું. કોંગ્રેસે આનુસંગિક કામગીરી ન કરતા ફરી ખેડૂતો દેવાદાર બન્યા છે. દેવા માફી અંગે કેટલાક લોકોની પીન ચોટી ગઇ છે.

વધુમાં નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસના મિત્રો ગુજરાતના ખેડૂતોને બદનામ ન કરે છે. 2014-15માં ખેડૂતોએ જે લોન લીધી તેમાંથી 89 ટકા પરત કરી હતી. 2016-17માં લોનની 95 ટકા રકમ પરત થઇ. 2017-18માં પણ લોનની 95 ટકા રકમ પરત થઇ. જ્યારે ચાલુ વર્ષે પણ ખેડૂતો મહદઅંશે લોન પરત કરી છે.

ખેડૂતોના બીલ અંગે હર્ષદ રિબડીયાનું નિવેદન

ખેડૂત દેવા માફી બીલ અંગે હર્ષદ રિબડીયાએ કહ્યું હતું કે, ભાજપના સભ્યો શરૂઆતથી બીલના વિરોધમાં હતા. ગુજરાતના ખેડૂતો પર 83 હજાર કરોડ કરતા પણ વધારે દેવુ. તમામ ખેડૂત સંગઠનો અમારી સાથે છે. ભાજપ ખેડૂતોનું હિત નથી ઇચ્છતુ. હવે ખેડૂતો ભાજપના ધારાસભ્યોને ઓળખી ગયા છે. ખેડૂતો ભાજપનો વિરોધ કરશે. ભાજપની સરકાર હત્યારી, પાપી અને ખેડૂત વિરોધી સરકાર છે. ખેડૂતો ઊંચું વ્યાજ આપીને મંડળીઓની લોન પરત ભરતા હોય છે. ખેડૂતોના હિત માટે પણ ભાજપના સભ્યો સાથે ન આવ્યા.

કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમનું નિવેદન

જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ખેડૂત દેવા માફી અંગે નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં એકપણ સારો ડેમ બન્યો નથી. અમે દેવા માફી કરી તો ફરી ખેડૂતો દેવાદાર કેવી રીતે બન્યા? જવાબદારી ભાજપ સરકારની છે. ડુપ્લીકેટ બિયારણ આપતા લોકો સામે સરકાર પગલાં ભરે. આજે ખેડૂતોનો ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે. ખેડૂતો પહેલીવાર ધારાસભ્યો પાસે માંગણી કરી રહ્યાં છે.

Source : “VTV News”

Krushikhoj WhatsApp Group