સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘ મહારાજની અવિરત કૃપા વરસતી રહી છે. અષાઢી મહિનામાં વરસાદની રાહ જોયા બાદ વરસાદ નહીં વરસતા નિરાશાનો માહોલ છવાયો હતો. પરંતુ ત્યારબાદ શ્રાવણ, ભાદરવો અને આસો મહિના સુધી માગ્યા મેહ વરસ્યા હોવાને લીધે આ વર્ષે રાજ્યમાં મગફળીનું જંગી ઉત્પાદન થશે. તેવી સંભાવના દર્શાવી સૌરાષ્ટ્ર ઓઈલ મિલર એસોશીએશન દ્વારા આ વર્ષે ૩૦.૧૯ લાખ મગફળીનાં ઉત્પાદનનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો. ગત વષે કરતા આ વર્ષ સારા વરસાદને લીધે મગફળીના ઉત્પાદનમાં બમણો વધારો થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી.
રાજ્યમાં મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અગ્રેસર રહ્યું હોવાને લીધે દર વર્ષે અહીંના ખેડૂતો સાથે રહીને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસો. દ્વારા મગફળીના પાક અને પાણીની સ્થિતિની વિગતો દિવાળી પહેલાં જાહેર કરવામાં આવે છે. આજ રોજ રાજ્યમાં મગફળીના વાવેતર સાથે સંભવીત ઉત્પાદનનાં આંકડા દર્શાવી ‘સોમા’ના પ્રમુખ સમીરભાઇ શાહે જણાવ્યું હતું કે, આ વર્ષે સૌરાષ્ટ્રમાં છેલ્લા ૩૦ વર્ષ કરતા વધુ વરસાદને લીધે મગફળીનું જંગી ઉત્પાદન થશે.
આ વર્ષે મગફળીનાં વાવેતરમાં જૂનાગઢ જિલ્લો રાજ્યભરમાં અગ્રેસર છે. અહીં ૨ લાખ ૩૫ હજાર હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. ત્યારબાદ બીજો ક્રમ રાજકોટ જિલ્લાનો આવે છે. જ્યાં ૨ લાખ ૩૪ હજાર હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. સારા વરસાદને લીધે મગફળીનો ઉતાર પણ સારો આવશે. જૂનાગઢ જિલ્લામાં વીઘે ૧૮ મણ મગફળી પાકે તેવી સંભાવના હોવાથી રાજ્યમાં સૌથી વધુ ૫.૨૮ લાખ ટન મગફળીનો માત્ર જૂનાગઢ જિલ્લામાંથી જ પાકશે.
જ્યારે રાજકોટ જિલ્લામાં વીઘે ૧૬ મગ મગફળી ઉત્પાદનનો અંદાજ દર્શાવી ૪ લાખ ૬૮ હજાર ટન મગફળીનું ઉત્પાદન થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. રાજ્યમાં કુલ ૧૫ લાખ ૫૨હજાર હેકટરમાં મગફળીનું જે વાવેતર કરવામાં આવ્યું છે. જેનો સરેરાશ ઉતાર વીઘે ૧૫.૩૩ મણ હોવાથી આ વર્ષે ૩૦ લાખ ૧૯ હજાર મેટ્રીક ટનનું ઉત્પાદન થશે. જેના કારણે મગફળીના વેચાણ થકી આ વર્ષે રૂા. ૧૦૦ અબજની રેવન્યુ જનરેટ થશે.