ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં ખેડૂતો માટે ફરી નિરાશાભર્યા સમાચાર વહેતા થયા છે.

પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન ખાતાએ જણાવ્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારીમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

સુરત શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. સુરતના અઠવાલાઈન્સ, પાર્લે પોઈન્ટ, રિંગ રોડમાં વરસાદ પડ્યો હતો. સુરતમાં ધીમીધારે વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. સુરતમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ શહેરના અઠવાલાઇન્સ પાર્લે પોઇન્ટ રિંગ રોડ વિસ્તારમાં ધીમી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના ધારીના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલીના દલખાણિયા અને સરસિયા પંથકમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, દીવમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારાના વિસ્તાર પોરબંદરના ઘેડ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ભાવનગરના મેથળા, કેરાળા, દાઠા સહિતના ગામડામાં વરસાદ પડતા જગતના તાત ચિંતામાં પેઠો છે.

અમરેલીના સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકામાં વરસાદ પડતા મગફળી સહિતના અનેક પાકને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદથી મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. હજી પણ હવામાન વિભાગે પણ 2 દિવસ વરસાદની આગાહી કરી છે. દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ 24 ઓક્ટોબરે અને ધનતેરસ 25 ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

અરબી સમુદ્ગમાં પ્રેસર સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિવાય દિવાળીમાં દરિયામાં ઉદ્દભવેલું વાવઝોડું દિવાળીમાં વિધ્ન બની શકે છે. દરિયાઇ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અસર થવાની સંભાવના દેખાઇ રહી છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા બતાવવામાં આવી રહી છે.

ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. જો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો તો ખેડૂતોના પાકને ખુબ જ મોટું નુકસાન થશે. ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં ગુજરાતમાં વરસાદની આગાહીથી જગતનો તાત ચિંતામાં પેઠો છે. પોરબંદરના દરિયામાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Krushikhoj WhatsApp Group