રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, મોરબીના કુલ તાલુકાઓ પૈકી 142 તાલુકાઓ એવા છે કે જ્યાં ચાલુ વર્ષે વરસાદી મોસમમાં 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તે પૈકીના 58 તાલુકા એવા છે કે જ્યાં 140 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. આટલું ઓછું હોય એમ મધ્યગુજરાતનાં કેટલાંક તાલુકાઓમાં તો 200 ટકા કરતાં વધારે વરસાદ થયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી લીલા દુષ્કાળની જાહેરાત કરી નથી. ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ, કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત અધિકારીની ઓફિસે સડી ગયેલી, પલળી ગયેલી મગફળી સાથે રાખી નવતર વિરોધ સાથે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
સરકારનો દાવો
રાજ્યમાં ચાલુ વર્ષે થયેલી અતિવૃષ્ટિને કારણે ખેતીવાડી વિભાગ દ્વારા 19મી ઓક્ટોબરે જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્યના 5 લાખ હેક્ટર જમીન અતિવૃષ્ટીને કારણે અસરગ્રસ્ત થઈ છે. જેમાંથી 2.37 લાખ હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકશાન થયું હોવાનું પણ સરકારે જાહેર કર્યું છે. કુલ અસરગ્રસ્ત જમીન પૈકી 4.57 લાખ હેક્ટર વિસ્તારનો સરવે કરી દેવામાં આવ્યો હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. સરકારના ખેતીવિભાગે જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીના આંકડા જાહેર કર્યા હતા. રાજ્યના 158 તાલુકાઓના 4374 ગામોના 2.33 લાખ ખેડૂતોને નુકશાનીનો માર સહન કરવો પડ્યો છે અને તેમને રૂ. 13875.07 લાખની અંદાજિત સહાયની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
જૂનાગઢના ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી
હાલમાં પડેલા વરસાદ અને જેના કારણે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે તેના કારણે નુકશાનીનો ભાર સહન કરી રહેલા ખેડૂતોએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે અને તેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆતો કરી હતી અને તાત્કાલિક આંખો મીંચીને બેઠેલી સરકાર વળતર ચૂકવે એવી ઉગ્ર માગણી પણ કરી હતી. ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે, સરકારે જે જાહેરાત કરી છે તે પૈકીનું ખેડૂતોને કશું જ હજુ સુધી મળ્યું નથી.

શું છે નિયમો અને માગણીઓ?

1) જિલ્લામાં 152 ટકા કરતા વધારે વરસાદ નોંધાયો છે ત્યારે વર્ષ 2016માં કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત-અતિવૃષ્ટિ મેન્યૂઅલને ધ્યાને લઈ તાલુકા કક્ષાએથી રાજ્ય-કેન્દ્ર સરકારને લીલા દુષ્કાળ બાબતે દરખાસ્ત મોકલવામાં આવે અને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે

2) કેન્દ્ર સરકારના 2016ના મેન્યૂઅલ મુજબ જ્યાં 140 ટકા કરતા વધારે વરસાદ પડ્યો હોય ત્યારે તેની અતિ ગંભીર પરિસ્થિતિ ગણી તેવા વિસ્તારને લીલો દુષ્કાળ જાહેર કરવાની ખાસ જોગવાઈ છે. જે મુજબ આખા જૂનાગઢ જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ

3) 28-29 સપ્ટેમ્બરે પડેલા વરસાદ બાદ સરકાર દ્વારા કોઈ સર્વે શા માટે કરવામાં ન આવ્યો? નુકશાન થયેલા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા કેમ કોઈ વળતર અત્યાર સુધી ચૂકવવામાં ન આવ્યું? નુકશાન થયેલા ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવમાં આવે

4) એનડીઆરએફ અને એસડીઆરએફની જોગવાઈઓ મુજબ નુકશાન પામેલા તમામ ખેડૂતોનું અત્યાર સુધી સર્વે શા માટે કરવામાં ન આવ્યું? એનડીઆરએફ અને એસડીઆરએફની જોગવાઈઓનો નિયમાનુસાર અમલ કરી તાત્કાલિક પાલન કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે

5) વરસાદ બંધ થયા બાદ 20થી 25 દિવસ સુધી કોઈપણ સર્વે કરવામાં ન આવે 20 કે 25 દિવસ બાદ ખેતરમાં નુકશાન પામેલો પાક ન હોય, ત્યારે સર્વે કરવું કેટલું યોગ્ય છે? ખેડૂતોએ પાક ઉપાડી લીધો હોય એના આધાર પુરાવાઓ માંગવા કેટલા યોગ્ય છે? જ્યારે સરકારની વેબસાઈટમાં જ 152 ટકા વરસાદ નોંધાયો છે ત્યારે ખેડૂતોને થયેલા નુકશાનીનું તાત્કાલિક વળતર આપવું જોઈએ

6) જેમ ખેડૂતો માટે નિયમો છે તેમ પાકવીમા કંપનીઓને પણ આકારણી ઓફિસરની નિમણૂંક કરવી, 7 દિવસમાં સર્વે કામગીરી પુરી કરવી, 30 દિવસમાં નુકશાનીનું વળતર ચૂકવવું જેવા નિયમોનું પાલન કરવામાં આવે

7) જે ખેડૂતોએ વીમા કવચ નથી લીધું તેવા ખેડૂતોને થયેલા પાક નુકશાની બાબતે રાજ્ય-કેન્દ્ર સરકારની જોગવાઈઓ મુજબ સર્વે કરાવી તાત્કાલિક વળતર આપવામાં આવે

જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્રએ કોઈ દરખાસ્ત કરી નથી
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ કહ્યું કે, પ્રાંત અધિકારી હાજર ન હોવાના કારણે તેમના પ્રતિનિધિને આવેદન પત્ર આપતાં તેમણે જણાવ્યું કે

આ અંગે સરકારના ખેતીવાડી અધિકારીને મોકલી આપવામાં આવશે. જોકે, પ્રાંત અધિકારીના પ્રતિનિધિએ સ્વીકાર્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદ બાદ લીલો દુષ્કાળ જાહેર કરવા આ બાબતે પણ હજુ સુધી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઇ દરખાસ્ત કરવામાં આવી નથી અને ખેડૂતોને થયેલ નુકસાન આ બાબતે રાજ્ય સરકાર દ્વારા હાલ સઘન વિચારના ચાલી રહી છે

Krushikhoj WhatsApp Group