રાજ્ય સરકાર સુધી એના પડઘા પડતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘને આ સમગ્ર પ્રકરણમાં ખાસ નજર રાખવાની તાકિદ કરવી પડી હતી. જેના પગલે રાજ્ય સરકારે, નુકસાની અંગે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબરો પરથી ૭૨ કલાકમાં ફરિયાદ નોંધાવવાની સમય મર્યાદામાં ૨૪ કલાકનો વધારો કર્યો છે.

રાજ્યના ૧૮ જિલ્લાના ૪૪ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન એક ઈંચથી વધુ કમોસમી વરસાદ થતાં ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. જેનું વળતર ચૂકવવા માટે, ૭૨ કલાકમાં વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર ઉપર નુકસાની અંગે ફરિયાદ કરવા બાબતે રાજ્ય સરકારે સૂચના આપી હતી, પરંતુ પહેલા દિવસે જ સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો ટોલ ફ્રી નંબર પર ફોન કરીને થાક્યા, પરંતુ ફોન ન લાગ્યા નહોતા. અંતે ભારે હોબાળા બાદ સરકારે ફરિયાદ કરવાની મુદત ૨૪ કલાક માટે વધારી છે.

હવે, ૩જી નવેમ્બરના સાંજે ૬ વાગ્યા સુધી ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકાશે. જો એ પણ શક્ય ન બને તો, જિલ્લા કક્ષાના સર્વિસ સેન્ટર ઉપર પણ લેખિત ફરિયાદ નોંધાવી શકાશે. ખેડૂતોને થયેલા નુકસાનીની ફરિયાદો નોંધાઈ ગયા બાદ વીમા કંપનીઓ અને કૃષિ વિભાગ ૧૩મી નવેમ્બર સુધીમાં સરવેનું કામ પૂરું કરશે. સરવે રિપોર્ટથી નુકસાનીનો અંદાજ મેળવ્યા બાદ ૩૦મી નવેમ્બર સુધીમાં ખેડૂતોને નુકસાનીનું વળતર-સહાય ચૂકવાશે.

રાજ્યમાં ત્રણ દિવસ અગાઉ કમોસમી વરસાદથી ખેતીને થયેલાં નુકસાન બાબતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય ચર્ચા બાદ બે નિર્ણય લેવાયા હતા. જેમાં (૧) જે ખેડૂતોએ પાક વીમો લીધો હોય તેમના માટે પાક-નુકસાની અંગેની ફરિયાદ કરવા વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબરો જાહેર કર્યા હતા. એના ઉપર ખેડૂતોએ પોતાની નુકસાની બાબતે ફરિયાદ નોંધાવાની હતી. (૨) જે ખેડૂતોએ પાક વીમો લીધો ન હોય તો, તેવા ખેડૂતોની નુકસાનીનો સરવે કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાશે.

રાજ્ય સરકારે, ગુરુવારે સવારે આ જાહેરાત કર્યા બાદ, શુક્રવારે, ખેડૂતોએ વીમા કંપનીઓના જાહેર કરેલાં ટોલ ફ્રી નંબરો ઉપર ફોન કર્યા હતા, પરંતુ આ નંબર લાગતાં જ ન હતા કે નુકસાનીગ્રસ્ત ખેડૂતનો ફોન જ વીમા કંપનીઓ દ્વારા રિસીવ કરાતો ન હતો. પરિણામ સ્વરૂપ, ભારે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ હતી. છેવટે રાજ્ય સરકાર સુધી એના પડઘા પડતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘને આ સમગ્ર પ્રકરણમાં ખાસ નજર રાખવાની તાકિદ કરવી પડી હતી. જેના પગલે રાજ્ય સરકારે, નુકસાની અંગે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબરો પરથી ૭૨ કલાકમાં ફરિયાદ નોંધાવવાની સમય મર્યાદામાં ૨૪ કલાકનો વધારો કર્યો છે.

જોકે, કૃષિ વિભાગના અગ્ર સચિવ પૂનમચંદ પરમારે કહ્યું હતું કે, ૪ વીમા કંપની પૈકીની બે વીમા કંપનીના ટોલ ફ્રી નંબર ઓફિસ કલાક દરમિયાન ચાલુ હતા જ્યારે બાકીની બે કંપનીઓના ટોલ ફ્રી નંબર ૨૪ કલાક ચાલુ હોય છે. આમ છતાં સર્વર ડાઉન થવા સહિતના કારણોથી કોઈ ફોન રિસીવ થઈ શક્યા નહીં હોય એટલે સરકારે, કંપનીઓ સાથે વાતચીત કરી છે. અત્યાર સુધીમાં વીમા કંપનીઓએ કુલ ૨૬૭૨ ફોન રિસીવ કરીને ખેડૂતોની નુકસાની અંગેની ફરિયાદો નોંધી છે.

Krushikhoj WhatsApp Group