ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં બજેટનો મોટો ભાગ મોટા શહેરો અને મોટા ઉદ્યોગો પાછળ વાપર્યો પરંતુ એમાંથી રોજગારી ના ઉગી, બે-રોજગારી વધી, નાના વેપાર-ધંધા-ઉદ્યોગ બરબાદ થયા છે એવો આક્ષેપ ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ કર્યો છે.
તેઓ જણાવે છે કે ગામડે ખેડૂત હોય કે પશુપાલક કે ખેત-મજુર, શહેરમાં રિક્ષાવાળાથી લઈને દુકાનદાર, જથ્થાબંધ વેપારી, શિક્ષણ અને દવા માટે ઊંચી ફી ભરતા નાગરિક હોય, રોજગારી શોધતો યુવાન હોય કે હાઇવે પર દોડતા ટ્રકનો ડ્રાઇવર હોય કે માલિકો, સહુ આર્થિક સંકડામણથી પરેશાન છે.
આપણે સરકારને કાઢવાની વાત નથી કરવી, એ રાજકીય પક્ષોનું કામ છે. આપણે તો સરકારને સાચે રસ્તે/સાચી નીતિઓ તરફ પાછી વાળવી છે. જેને લઇને ગુજરાત ખેડૂત મંચ દ્વારા એક થી 11 ડિસેમ્બર દરમિયાન ખેડૂત જાગૃતિ બાઈક યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સોમનાથથી શરૂ થઇને દ્વારાકમાં પૂર્ણ થશે. અગિયાર દિવસ દરમિયાન આ યાત્રા કુલ 1122 કિલોમીટરનું અંતર કાપશે.
ગુજરાતના સામાન્યમાં સામાન્ય વર્ગને ફરી સરકારી નીતિઓમાં સ્થાન મળે, બજેટમાં વાજબી ભાગ મળે અને એમનો સુવર્ણ-યુગ પાછો આવે એવું કામ કરવું છે.
ગુજરાતને ખેતી, નાના વેપાર-ધંધા-ઉદ્યોગની બર્બાદીમાંથી બહાર કાઢવા માટે લોક-શિક્ષણ અને લોક-જાગૃતિ માટે આ યાત્રા મહત્ત્વની બનશે
યાત્રા દરમ્યાન સરકાર સામે નીચેની માંગણીઓ બાબતે ખેડૂતોમાં જાગૃતિ ઉભી કરવામાં આવશે.
1. ગુજરાત સરકાર ખેતી નીતિ બનાવે.
2. ગુજરાત સરકાર ખેતી પંચ બનાવે.
3. ગુજરાત સરકાર ખેતી આધારિત ઉદ્યોગોમાં સરકારી અને સહકારી મૂડી-રોકાણ કરે.
4. ખેડુતોનુ તમામ દેવું માફ કરે.
5. પાક-વિમાન પાછળ તમામ બાકી નાણાં તાત્કાલિક ચૂકવી આપે.
6. પાકવીમો મરજિયાત કરે અને સહકારી સંસ્થાઓને વીમો લેવાની પરવાનગી આપે.
7. સરકારી સહાય વિલંબ ટાળે, બધો જ રેકોર્ડ સરકાર પાસે છે, તાત્કાલિક ચુકવણી કરે.
8 સિંચાઈ-વીજળી-બજાર, શિક્ષણ અને દવાખાનાની સગવડ માટે, ગામડાને બજેટમાં ચોખ્ખા 50% રકમ ફાળવે.
9. ખેતી અને નાના ઉદ્યોગ, નાના રોજગાર માટે ગામડાઓમાં વિશેષ પ્રોત્સાહનો આપે.