રાજકોટ, તા.૨૬ : હાલમાં સવારે અને રાત્રીના સમયે વધુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા બે-એક દિવસથી ઠંડીની વધુ અસર જોવા મળી રહી છે. દરમિયાન ૨ જાન્યુઆરી સુધી ઠંડીનો સારો રાઉન્ડ આવશે. અમુક સેન્ટરોમાં તો પારો ૧૦ ડિગ્રી નીચે પહોંચી જશે. હાલમાં જે ઠંડીના આંકડા જોવા મળે છે તેના કરતાં પણ એક થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. મુખ્યત્વે થર્ટીફર્સ્ટ અને નવા વર્ષના પ્રથમ દિવસે ઠંડીનો વધુ અહેસાસ થશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ છે.
અશોકભાઈ પટેલે તા.૨૬ ડિસે.થી ૨ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ કે હાલમાં જે લઘુતમ તાપમાન છે તે આગાહીના દિવસોમાં ૧ થી ૩ ડિગ્રી જેટલુ નીચું જશે. અમુક સેન્ટરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની નીચે જોવા મળશે.
રાજકોટમાં હાલમાં લઘુતમ, નોર્મલ તાપમાન ૧૪ ડિગ્રી ગણાય. આગાહીના સમયગાળા દરમિયાન બે દિવસ ઠંડીનો સારો ચમકારો જોવા મળશે. પવન મુખ્યત્વે ઉત્તર ઉત્તર પૂર્વના એટલે કે શિયાળુ પવન ફૂંકાશે. વાતાવરણ ચોખ્ખુ અને સૂ કુ રહેશે. રાજકોટમાં હાલમાં દિવસનું તાપમાન ૨૮.૩ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ), અમદાવાદ ૨૬.૬ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ) તાપમાન નોંધાયેલ. હાલમાં દિવસનું તાપમાન નોર્મલથી નીચુ જોવા મળે છે. દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થશે.