જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાંથી મગફળી કૌભાંડની તપાસના અંતે આજે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સોની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. આજે બપોરે એસ.પી.એ આ કૌભાંડની સીલસીલાબંધ વિગતો જાહેર કરી છે.

આ પ્રકરણમાં કોન્ટ્રાકટર, વેપારી અને અન્ય એક પોલીસ હિરાસતમાં છે. ગોડાઉન મેનેજર યોગેશ વાળાની ગઇરાત્રીથી પુછપરછ ચાલુ હોય મોટા નામોના પર્દાફાશ થવાની પણ શકયતા છે. એકંદરે મજુરો અને ગ્રેડરોએ આ કૌભાંડનો અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવ્યાનું માનવામાં આવે છે.

જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી. બાદમાં આ મગફળીમાં ગોલમાલ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતા કિસાન ક્રાંતિના કિશોર પટોળીયા અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ મનિષભાઇ નંદાણીયાએ યાર્ડમાં જનતા રેડ કરી તપાસ હાથ ધરતા સિલબંધ બારદાનોની સ્થિતી શંકાસ્પદ લાગી હતી. આથી બારદાન ખોલીને જોતા તેમાંથી સારી મગફળીના બદલે હલકી ગુણવત્તા વાળી મગફળી મળી આવી હતી. બાદમાં આવી 156 ગુણી મગફળીના જથ્થાને સિઝ કરવામાં આવ્યો હતો. એક તબક્કે અધિકારીએ માલમાં ગોલમાલ થયાનું સ્વિકારી લીધું હતું. જ્યારે ગાંધીગ્રામના ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી પણ બારદાનમાં ભેળસેળ વાળી મગફળીનો જથ્થો મળી આવ્યો હતો. જવાબદાર અધિકારીઓ દ્વારા આ જથ્થાને સગેવગે કરવામાં આવી રહ્યો છે. મનિષભાઇ નંદાણીયાએ જણાવ્યું હતું કે, આવા જથ્થાને સગેવગે કરવા માટે 7 ટ્રકમાં અંદાજે 2,100 ગુણી મગફળી ભરીને જેતપુર તાલુકાના રબારીકાના વેરહાઉસમાં મોકલી દેવામાં આવ્યો છે. ભેસાણમાં પણ મગફળી કૌભાંડનું ભૂત ધુણ્યું છે.

ખેડૂત નેતા પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા ઠીકરું બીજા પર ફોડે છે, ભેસાણમાં કોંગ્રેસ શાસિત માર્કેટિંગ યાર્ડ છે પણ ખરીદી તો સરકાર કરે છે. માર્કેટીંગ યાર્ડનો રોલ માત્ર અને માત્ર જગ્યા આપવા પૂરતો છે, બાકીની તમામ કામગીરી જિલ્લા ખરીદ સમિતિ કરે છે. ખરીદી સમિતિમાં કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી, પુરવઠા અધિકારી, પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીડીઓ વગેરે સામેલ છે, તેની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં. જ્યારે ઉચ્ચ અધિકારીઓની ખરીદ સમિતિ બનાવી છે તો તેમની કોઈ જવાબદારી કેમ નહીં? તેમની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ નહી? જિલ્લા પુરવઠા અધિકારીની સીધી જવાબદારી બને છે. આશ્ચર્યની વાત તો એ છે વેરહાઉસમાં આ જથ્થો પાસ પણ થઇ ગયો, હજુ પણ 5 ટ્રકમાં અંદાજે 1,500 ગુણી મગફળી ભરીને તૈયાર રાખી છે તેને પણ સગેવગે કરવાની પેરવી થઇ રહી છે. ત્યારે આ કૌભાંડ પર પડદો પાડી દેવાના અને ભીનું સંકેલી લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગોડાઉનમાં મોકલવા માટેની મગફળીની ગુણીમાંથી ખેડૂતની સારી ગુણવત્તા વાળી મગફળી કાઢી લઇ ઓઇલ મિલરોને વેંચી દઇ વેપારીની હલકી ગુણવત્તા વાળી મગફળી ભરી દેવાઇ હતી. જનતા રેડમાં આ કૌભાંડનો પર્દાફાશ થતા તમામ જથ્થાને સિઝ કરવાની પુરવઠા અધિકારીએ ખાત્રી આપી હતી.

મોટા માથા મગફળી કૌભાંડમાં એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારીએ તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જથ્થો સીઝ કરવાની ખાત્રી આપ્યા બાદ પણ મગફળીનો જથ્થો ટ્રકમાં ભરીને રવાના કરી દેવાયો છે. આમ, મોટા માથાને બચાવવા માટે દબાણ આવતા જથ્થાને અન્ય જગ્યાએ સગેવગે કરવામાં આવ્યો છે. જૂનાગઢ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી અને બાદમાં બદલી કરાયેલી મગફળીના કૌભાંડ પર પડદો પાડવા કવાયત હાથ ધરાઇ છે.

સાંજ સમાચાર 06/02/202

Krushikhoj WhatsApp Group