જીવલેણ ચેપીરોગ કોરોના વાયરસ ફેલાવાના ચીનના બજારો બંધ રહેતા ગુજરાતમાંથી ત્યાં નિકાસ કરાતી કેટલીક કૃષિપેદાશો ખાસ કરીને જીરું, તલ, સિંગતેલની નિકાસ આગામી બે કે તેથી વધુ સમયગાળા દરમિયાન 10 થી 15 ટકા જેટલી ઘટી શકે છે. વેપારીઓ અને નિકાસકારોના જણાવ્યા મુજબ ભારતમાંથી નિકાસ કરાતી કેટલીક મુખ્ય કોમોડિટીનો 20 થી 30 ટકા જથ્થો ચીનમાં મોકલાય છે. હાલની પરિસ્થિતિ જોતા આ તમામ કોમોડિટીની ચીનમાં નિકાસ 10 થી 15 ટકા જેટલી ઘટવાની ભીતિ છે.
સામાન્ય રીતે ચીનમાં નવા વર્ષ લુનર યર નિમિત્તે જાન્યુઆરીમાં રજાઓ રહેતી હોય છે. જો કે આ વર્ષે વુહાનમાંથી જીવલેણ કોરોનાવાયરસ ફેલાઇ જતા સાવચેતીના ભાગરૂપે બજારો હજી સુધી બંધ રાખવામાં આવ્યા છે. જેના લીધે ભારતમાંથી નિકાસ કામકાજને ગંભીર પહોંચી છે.
ઉંઝા કોમોડિટી એસોસિએશનના પ્રમુખ વિજય જોશી જણાવે છે કે, સામાન્ય રીચે ચીનમાં નવા વર્ષે 5 દિવસની રજાઓ રહેતી હોય છે પરંતુ આ વખતે પખવાડિયાથી ત્યાં બજારો બંધ છે. લોકો માસ્ક પહેરીને ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. અમે વિડિયો મારફતે ચીનના વેપારીઓ સાથે સંપર્કમાં છીએ, જો કે પરિસ્થિતિ અત્યંત નાજૂક છે.
દેશમાંથી દર વર્ષે લગભગ દોઢ લાખ ટન જીરાની નિકાસ કરાય છે જેમાંથી 50,000 ટન માલ ચીનમાં મોકલાય છે. સામાન્ય રીતે દરરોજ 10 કન્ટેઇનરમાં 2600 ટન જેટલા જીરાની નિકાસ થતી રહે છે. જો કે હાલ કોરોના વાયરસ ફેલાઇ જતા કામકાજ અટકી ગયા છે.
જીરા જેવી સ્થિતિ તલમાં સર્જાઇ છે. દેશમાંથી નિકાસ થતા તલનો 30 ટકા જથ્થો ચીનમાં જાય છે અને તેને પણ આ જીવલેણ વાયરસની માઠી અસર થઇ છે એવું જણાવતા ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ (FISS)ના ચેરમેન અશ્વિન નાયકે કહ્યું કે, ચીનમાં તલની નિકાસ ચાલુ વર્ષે 10 થી 15 ટકા જેટલી ઘટવાની આશંકા છે.
નાયકે ઉમેર્યું કે, ભારતમાંથી તલની વાર્ષિક નિકાસ 2,50,000 ટન જેટલી છે. જેમાં ચીનનો હિસ્સો 20 ટકા છે. જો આવી પરિસ્થિતિ એક-બે મહિના યથાવત રહી તો ચીનમાં તલની નિકાસ 10થી 15 ટકા ઘટી શકે છે.
જો કે સિંગતેલની નિકાસના સંદર્ભમાં દ્રશ્ય એટલું ગંભીર નથી તેવું કહેતા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિએશન (SOMA) પ્રમુખ સમિર શાહે જણાવે છે કે, તુલનાત્મક રીતે વર્ષ 2019ની દિવાળી બાદ ગુજરાતમાંથી સિંગતેલની નિકાસ પ્રથમ ત્રણ મહિનામાં ગત વર્ષની કુલ નિકાસને વટાવી ગઇ છે, જેમાં ચીનનો હિસ્સો લગભગ 90 ટકા જેટલો છે. આથી, હાલ ભલે નિકાસ કામકાજ મંદ પડી જાય, પણ વર્ષના અંતે ફરી એક્સપોર્ટ્સ વધી શકે છે.
અલબત તેમણે સ્વીકાર્યું કે, હાલ ચીનમાંથી ખરીદી ધીમી પડી ગઇ છે, જો કે પુછપરછ ચાલુ છે.
ચીનમાંથી નિકાસ માંગ ઘટવાને લીધે કપાસના ભાવ ઉપર પ્રતિકુળ અસર પડી છે અને ભાવ લગભગ પાંચેક ટકા જેટલા ઘટી ગયા છે.