જમીનના હકદાર કે કબજેદાર તરીકે હંમેશા એક પ્રકારની સતર્કતા અને ચોકસાઇ રાખવાની જરૂર હોય છે. વખતો વખત તેની અધિકૃત એન્ટ્રીઓને ચકાસતા રહેવું પડે છે. તમારા હક્ક-હિતને જોખમમાં મૂકતી હોય એવી કોઈ બાબત તેમાં અકસ્માતે કે ઈરાદાપુર્વક દાખલ તો નથી થઈ ગઈને તેની તકેદારી રાખવાની હોય છે. ઘણીવાર તમારી જમીનના રેકર્ડમાં સરકારનું નામ આવી જતું હોય છે.
રાજ્યમાં ઘણા ગામો નગરોની જમીનમાં ગામ નમુના નંબર ૭/૧૨ ના સર્વે/બ્લોક નંબરોમાં એટલે કે રેવન્યુ રેકર્ડમાં સરકારનું નામ કબજેદાર તરીકે દાખલ કરેલ હોય છે. કયા કારણોસર સરકાર દાખલ થયેલ હોય તે ઉત્તરોત્તર જુના રેવન્યુ રેકર્ડ ઉપરથી તપાસ કરવાની બાબત બને છે. ઘણી વખત જમીનના મૂળ માલિકની જાણ કે અજાણતા અથવા તો કોઈ હુકમના શરત ભંગ બદલ પણ જમીનમાં સરકાર દાખલ થાય છે.
જો કોઈ પણ પ્રકારના કાયદેસરના હુકમ કે ફેરફાર નોંધ વગર ખાનગી માલિકીની/કબજેદારની જમીનમાં સરકાર દાખલ થયેલ હોય તેવું પણ બને છે. તેવા સંજોગોમાં તેના મૂળ માલિક અથવા વારસદારો જમીન મહેસુલ ધારાની કલમ-37 ની જોગવાઈ અનુસાર જમીન પરત માગવા અને ખાનગી માલિકીની ઠરાવવા માટેની કાર્યવાહી સરકાર વિરૂદ્ધ કરી શકે છે.
પરંતુ જ્યાં સુધી તેવી વ્યક્તિ સરકાર દાખલ કરેલી જમીનમાં પોતાનો હક્ક સાબિત કરતી નથી. ત્યાં સુધી તેવી જમીન સરકારની ગણવામાં આવે છે. લેન્ડ રેવન્યુ કોડ કલમ 37(૧)માં સરકારી જમીનનો નિકાલ કરવાનો અધિકાર કલેકટરને અપાયેલો છે. અગર તો સરકારી જમીન નિકાલ કરવાના અધિકાર માટે તાબાના અધિકારીને ડેલીગેટ કરવામાં આવે છે. જે તે જમીન પર સરકારનો હક્ક કે માલિકી કયા સંજોગોમાં આવે છે. તેની સમજ મેળવવી પણ જરૂરી છે.
ખાસ કરીને ભાડા પટ્ટે અપાયેલી જમીન પર વિવિધ સંજોગોમાં સરકારનો હક્ક દાખલ થતો હોય છે, તેમજ કલમ 60-62 માં પણ જમીનના નિકાલની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ 68માં સરકાર તરફથી જમીન એક સાલ કે લાંબા ગાળાના પટ્ટે (૯૯ વર્ષના ભાડાપટ્ટે) આપવાનો પણ અધિકાર છે. તે પરત્વે જમીન જેને અપાય તેને માલિકી હક્ક મળતો નથી, પરંતુ તેનો કબજો ઠરાવવાનો અને નક્કી કરેલો ઉપયોગ કરવાનો હક્ક મળે છે.
માલિકી હક્ક તો સરકારનો જ રહે છે. કોઈ પણ જમીનના નીચેના ખાણ-ખનીજ વિગેરેના હક્કો સરકારના જ રહે છે. ઘણી વખત કબજેદાર વ્યક્તિ મહેસુલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે. આથી કોઈ પણ ખાતા હસ્તકની જમીન હંગામી કે કાયમી નિકાલ કરવાનો હોય તો કલેક્ટરે મહેસુલ વિભાગ, રાજ્ય સરકારની મંજૂરીથી જ આપી શકાય છે. તેવી જમીનમાં ત્રાહિત વ્યક્તિનો કાયદેસરનો હક્ક હોય તો કલેકટરે નક્કી કરેલા હુકમથી તે ચાલ્યો જતો નથી.
સરકાર જમીનના નિકાલ માટે ત્રણ પદ્ધતિઓ છે (૧) હરાજીથી, (૨) ઉચ્ચક કિંમત ઠરાવી અને (૩) વગર કિંમતે (મહેસૂલ માફીથી) જયારે કોઇ પણ જમીન પરત્વેના હક્કો સંબંધમાં સરકાર, મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન વચ્ચે તકરાર હોય ત્યારે કલેકટર તેવી તકરારોનો નિર્ણય કરવા પ્રયત્ન કરશે. પરંતુ તેવી કોઈ પણ મુદ્દા હક્ક વગેરે પરત્વે શંકા હોય ત્યારે તેવા કેસને નિર્ણય અર્થે રાજ્ય સરકારને મોકલવામાં આવે છે.
જમીન મહેસુલ કાયદાની કલમ 37(2) મહત્વની જોગવાઈ છે, કોઈ પણ વ્યક્તિ કે જે જૂના રેકર્ડ ઉપર અગાઉના માલિક હોય અથવા તેમના પૂર્વજ જમીન ખેડતા હોય તેવા કોઈ પણ પ્રકારના પુરાવા રેવન્યુ રેકર્ડ ઉપર ઉપલબ્ધ હોય તો તેને આધારે તેવી જમીન સરકાર પાસેથી પરત મેળવવા માટે જરૂરી અરજી કરી શકાય છે.
રેવન્યુ રેકર્ડ ઉપર સરકાર ચાલતી જમીનના હક્ક ખાનગી માલિકને પ્રાપ્ત થાય તે મુજબની કાર્યવાહી કરવા માટેના અધિકારો મામલતદારે/પપ્રાન્ત અધિકારીને ડેલીગેટ કરવામાં આવે છે. કોઈ પણ જમીન મિલકત અગાઉથી પોતાની ખાનગી માલિકીની ઠરાવવા માટે સાબિતીરૂપે અરજદારે જરૂરી પુરાવા રજૂ કરવાના હોય છે. તેમાં મુખ્યત્વે (૧) જમીન કેવી રીતે પોતે કે તેમના વડીલોએ મેળવેલ છે.
(૨) જમીન પરત્વેના સતત વર્ષો જૂનો કબજો ભોગવટો છે.
(૩) જ્યારે પ્રતિકૂળ કબજો તેવો હોય
(૪) કબજાના આધારે માલિકીનો દાવો કરતો હોય પરંતુ પોતાનો કબજો સાબિત કરવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરેલ હોય અથવા તો તેને વંડી કરેલ હોય તેવા પ્રકારના સ્વતંત્ર કબજા ભોગવટાના પુરાવા જોઈએ. ખાનગી વ્યક્તિના તેવા કબજા સામે સરકારે પણ પોતાના બેટર ટાઇટલ પુરાવા રજૂ કરવા જોઈએ.
તેવી જમીન ખાનગી માલિકીની જાહેર કરવા માટે હક્ક દાવો કરનાર તરફથી પુરાવા સાબિત કરવા માટેનો બોજો અરજદાર ઉપર રહે છે. અરજદારે જમીન મહેસુલ કાયદા નીચે દાદ લેવાની થતી બધી જોગવાઈનો ઉપયોગ કરેલ ન હોય, ત્યાં સુધી દીવાની કોર્ટમાં સરકાર વિરુદ્ધ જઈ શકાય નહીં. કોઈ પણ દફ્તરમાં કોઈ પણ ફેરફાર નોંધથી કોઈ પણ પ્રકારનો હુકમ વગર જમીનના રેકર્ડમાં સરકાર લખાઈ જવાથી જમીન સરકારી બનતી નથી. પરંતુ તેવી જમીનને ખાનગી માલિકીની જમીન છે. તેવું પુરવાર કરવા માટે જે તે કબજેદારો એ સરકારની વિરુદ્ધ હક્ક દાવો કરવો જરૂરી છે.
અધિકારીએ કલમ 37(2)ની તપાસમાં કરેલ ઠરાવ ઉપર કલેકટર રિવિઝનના અધિકાર ના ચલાવી શકે. અધિકારીએ કરેલ હુકમની રાજ્ય સરકાર તરફથી પુનઃઅવલોકન, રીવ્યુ કે રીવીઝનમાં લેવામાં આવે છે અને જો ચુકાદા સરકારની વિરુદ્ધમાં હોય તો ગુજરાત મહેસુલ પંચમા સમય મર્યાદામાં પડકારી શકાય છે.
૩૭(૨)ની જ્યાં સુધી કાર્યવાહી ચાલતી હોય અને આખરી નિકાલ ના થાય ત્યાં સુધી કલેકટર કલમ-૬૧ હેઠળના અધિકાર એટલે કે સરકારી જમીન ઉપર દબાણ દુર કરવાના અધિકારનો અમલ કરી શકાતો નથી. સરકાર તરફથી કોઇ પણ પ્રકારથી સિવિલ દાવો એક વર્ષમાં ન થાય તો તેવા સંજોગોમાં સમય મર્યાદા લક્ષમાં રાખી કે તે ખાનગી માલિકી તરીકે જાહેર થયેલી વ્યક્તિના નામ મહેસુલ દફતરે દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ છે.
લોકોની જાગરૂકતા માટે ખાસ લાઇક અને શેયર કરશો.