બનાસકાંઠામાં ચાલુ સાલે રવી સિઝનમાં વાવેલા બટાકાનો પાક તૈયાર થતાં જ ખેડૂતોએ પાકને કાઢવાની શરૂઆત કરી છે. અને તેના સારા ભાવ મળવાના કારણે ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. બટાકનું વાવેતર ઘટતા કોલ્ડ સ્ટોરેજ ખાલી રહેવાની શક્યતાઓ છે.

બનાસકાંઠા જિલ્લામાં 62 હજાર ઉપરાંત હેકટરમાં બટાકાનું વાવેતર થયું હતું. જે પાક તૈયાર થઈ જતા ખેડૂતોએ પાક લેવાનું શરૂ કર્યું છે. બટાટામાં સતત ચાર વર્ષની મંદી બાદ પ્રથમ વખત બટાકાના ખોદકામ સમયે જ રૂપિયા 180 થી 250ના પ્રતિ મણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આ ભાવ એ ખેડૂતો માટે પોષાત્મક ભાવ છે. સતત ચાર વર્ષ સુધી મોંઘા બિયારણ અને ખાતર નાખ્યા બાદ મૂડી પણ મળી નથી.

તો વેપારીઓ પણ સારા ભાવની આશાએ કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કર્યા હતા. જેમાં પણ મૂડી ઉભી ન થતા દેવાદાર બન્યા હતા. ત્યારે ચાલુ સાલે સતત નુકશાનીના કારણે બટાકાનું વાવેતર ખેડૂતોએ થોડું ઓછું કર્યું છે. તો બીજી તરફ અન્ય રાજ્યોમાં પડેલા ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જતા બટાકાની માંગ વધી છે.
જેથી વેપારીઓ ખેડૂતોને સારા ભાવ આપી સીધા અન્ય રાજ્યો સહિત ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર જેવા શહેરોની માર્કેટમાં વેચી રહ્યા છે. રોજે 50 જેટલી ગાડી બટાટા ભરીને સીધી માર્કેટમાં વેચાઈ રહી છે.

ચાલુ સાલે બટાટાના ભાવ શરૂઆતથી જ સારા છે. તેના કારણે ખેડૂત ખેતરમાં જ બટાટાનો વેપાર કરી રહ્યો છે. પણ વાવેતર ઘટવાના કારણે અને બહાર સપ્લાય વધુ થવાના કારણે કોલ્ડ સ્ટોરેજ પુરા ભરાય તેમ નથી.: ગણપતલાલ કચ્છવા ( ચેરમેન, કોલ્ડ સ્ટોરેજ એસો. બનાસકાંઠા

Krushikhoj WhatsApp Group