પ્રો.એન.કે. જાદવ, ડો. એમ.વી. તિવારી ડો. ડી. બી. ભિંસરા અને ડો. પી.ડી. વર્મા
વૈજ્ઞાનિક(બાગાયત), વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન), વૈજ્ઞાનિક (પશુપાલન), વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડીયાપાડા.
પ્રસ્તાવના :
ભારતમાં તાજેતરમાં રજૂ થયેલ સુપર ફળ, “ડ્રેગન ફળ” એક આશાસ્પદ, મહેનતાણું ફળ પાક
માનવામાં આવે છે. ડ્રેગન ફ્રુટનુ ઉદભવસ્થાન મધ્ય અને દક્ષિણ અમેરિકા છે. થોર પ્રજાતિમા સમાવેશ
થતો હોવાથી વધુ રોગપ્રતિકારકતા ધરાવે છે તેમજ તેમા ઓછા ભેજ સામે ટકી રહેવાની ક્ષમતા રહેલ છે.
આ ફળ થાઇલેંડ અને ઇઝરાયેલમા વધુ પ્રચલિત છે. ભારતમા આ ફળ પાકનુ વાવેતર હજી પ્રાથમિક
તબ્બકામાં જ છે. આ ફળની કિંમત ભારતમા ૨૦૦ રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ છે. ડ્રેગન ફ્રુટ નુ વાવેતર
ઓછા વરસાદવાળા વિસ્તામા વધુ થાય છે. ગુજરાતમા આ ફળના વાવેતર માટે ખુબ અવકાશ રહેલ છે.
કચ્છ, વડોદરા, નર્મદા, સુરત વગેરે જેવા જીલ્લાઓમા છૂટુ છવાયુ વાવેતર થયેલ છે. તેના ફુલ રાતરાણીની
જેમ રાત્રી દરમિયાન ખીલે છે જે સફેદ રંગના, શંકુ આકારના અને સુગધિત છે. ફળનો માવો સફેદ તેમજ
લાલ રંગનો છે. તેના બીજ ખાઇ શકાય તેવા નાના, કાળા રંગના હોય છે. ફળની ચામડી પરના ભીંગડાને
કારણે ફળને પિતાયા નામ આપવામાં આવ્યું છે જેનો અર્થ છે ‘‘ ભીંગડાંવાળો ફળ. ’’ પિતાયા ફળ સૌથી
પૌષ્ટિક અને અદભુત વિદેશી ફળમાં સામેલ છે. તે ખાસ કરીને એશિયન મૂળના લોકો માટે પ્રિય છે. તેમના
રંગના આધારે ત્રણ પ્રકારનાં ડ્રેગન ફળ છે. ફળ નો આકાર ગોળ, લંબગોળ તથા લાલ અને પીળા રંગના
હોય છે.
ઉપયોગો:
ડ્રેગન ફ્રુટ પોષકતત્વો થી ભરપુર તેમજ ઔષધિય ઉપયોગોની દ્રષ્ટિએ ખુબ મહત્વ ધરાવે છે. ૧૦૦
ગ્રામ ફળના માવામા નીચે મુજબની માત્રામા પોષકતત્વો રહેલા છે.
ભેજ : ૮૫.૩ % – વિટામિન ‘સી’ : ૩.૦ મિલિગ્રામ
પ્રોટીન : ૧.૧૦ મિલિગ્રામ – વિટામિન એ : ૦.૦૧ મિલિગ્રામ
ચરબી : ૯.૫૭ મિલિગ્રામ – નિયાસીન : ૨.૮૦ મિલિગ્રામ
ક્રૂડ ફાઇબર : ૧.૩૪ મિલિગ્રામ – કેલ્શિયમ : ૧૦.૨૦ મિલિગ્રામ
ઉર્જા : ૬૭.૭૦ કિ.કેલ. – આયર્ન : ૩.૩૭ મિલિગ્રામ
કાર્બોહાઇડ્રેટ : ૧૧.૨ મિલિગ્રામ – મેગ્નેશિયમ : ૩૮.૯૦ મિલિગ્રામ
ગ્લુકોઝ: ૫.૭૦ મિલિગ્રામ – ફોસ્ફરસ : ૨૭.૭૫ મિલિગ્રામ
ફ્રુક્ટોઝ: ૩.૨૦ મિલિગ્રામ – પોટેશિયમ : ૨૭૨ મિલિગ્રામ
સોર્બિટોલ: ૦.૩૩ મિલિગ્રામ – સોડિયમ : ૮.૯૦ મિલિગ્રામ
જસત : ૦.૩૫ મિલિગ્રા
આમ, પોષકતત્વોની અગત્યતા ધ્યાને લઇએ તો ડ્રેગન ફ્રુટ નીચે જણાવેલ ઔષધિય ગૂણો ધરાવે
છે.
૧) ડાયાબિટીશ ના દર્દી માટે : આ ફળ શરીરમાં પેનક્રીએટીક કોષોના વિકાસને પ્રેરે છે જે ઇનસ્યુલીનનુ ઉત્પાદન કરે છે.
૨) કોલેસ્ટેરોલ ને ઘટાડે : ઓમેગા-૩ અને ઓમેગા-૬ નામના ફેટીએસિડ બીજમા આવેલ છે જે કોલેસ્ટેરોલ ને ઘટાડે છે.
૩) ઘરડાપણુ અટકાવે : બીટાસાયનીન અને બીટાઝેંથીન જેવા એન્ટીઓક્સિડન્ટ તત્વોની હાજરી ને લીધે
કોષનુ વિઘટન કરતા ફ્રી રેડીકલ નો નાશ કરી શરીરના કોષને જીવંત રાખે છે.
૪) હદય સંબધિત રોગો દૂર થાય: તેના બીજમાં કૂદરતી તેલ, ઓમેગા-૩ અને ઓમેગા-૯ નામના ફેટીએસિડ આવેલ છે જે હદયની તંદુરસ્તી જાળવે છે.
૫) રક્તકણોનુ પ્રમાણ વધે: તેમા આયર્ન અને કેરોટીન હોવાથી હિમોગ્લોબીનનુ પ્રમાણ વધે છે.
૬) હાડ્કા અને દાંતની મજબુતાઇ વધે: તેમા કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા સારા પ્રમાણમા છે. જેનાથી હાડકા અને દાંતની તંદુરસ્તી વધે છે.
૭) રોગ પ્રતિકારકતા : ડ્રેગન ફ્રૂટમા રહેલ વિટામિન ‘સી’ અને કેરોટીનોઈડ્સ લોહીના શ્વેત કણો (જે રોગ પ્રતિકારકતા ધરાવે છે) નું રક્ષણ કરે છે.
૮) ચયાપચયમા મહત્વની ભુમિકા ભજવે છે: ડ્રેગન ફળમા ઓલીગોસેક્કેરીન નામનુ કાર્બોદિત તથા પાચ્ય
રેસા હોય છે જે પેટ અને આંતરડામા પાચન માટે જરૂરી
બેક્ટેરીયાની વૃધ્ધિ કરે છે.
૯) ડેંગ્યુના દર્દી માટે ફાયદાકારક: ડ્રેગન ફળમા ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટસ છે જે લોહીમા પ્લેટ્લેટ કાઉન્ટમા વધારો કરે છે.
૧૦) કેંસરના કોષો નાશ થાય: ડ્રેગન ફળ મા બીટાલેઇન નામનું એન્ટીઓક્સિડન્ટ છે જે કેંસરના કોષોનો વિકાસ અટકાવે છે.
હવામાન
આ ફળ પાકને ગરમ અને સુંકુ હવામાન માફક આવે છે. ૨૫ થી ૩૫˚ સે તાપમાનમા સારી રીતે
ઉગાડી શકાય છે. શ્રેષ્ઠ વૃદ્ધિ અને ફળ ઉત્પાદન માટે પીતાયા છોડ ખુલ્લા, તીવ્ર પ્રકાશવાળા વિસ્તારમાં
સારી રીતે વાવેતર કરી શકાય. પવનવાળા વિસ્તારમા વાવેતર કરવાથી ભારે પવનને લીધે બાજુની
ડાળીઓને નુકસાન થઇ શકે છે.
જમીન
પિતાયા જુદા જુદા પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે.પરરોહી લક્ષણો ધરાવતી હોવાથી
રેતાળ, મધ્યમ ચીકણી, સારા નિતારવાળી તેમજ કાર્બનિક દ્રવ્યોથી ભરપુર હોય એવી જમીનમા ખુબ સારી
રીતે ખેતી કરી શકાય છે. પોચી માટીમાં ૪૦ થી ૫૦ સે.મી. ઉચાઇ અને ૩ મી પહોળા ક્યારાની ભલામણ
કરવામાં આવે છે.
પ્રસરણની રીત
બીજ દ્વારા ઉગાડેલ રોપાઓ ધીમે વિકાસ પામે છે અને પ્રસરણ માટે અવિશ્વસનીય છે.
હાયલોસીરીસ અનડેટ્સ અને હાયલોસીરીસ કોસ્ટારીકેંસિસ નામની પ્રાજાતિઓ કુદરતી અને ખૂબ જ
સરળતાથી દાંડીને કાપીને જમીન પર સ્પર્શ કરતા જ પ્રસરણ કરી શકાય છે. બીજથી સરળતાથી પ્રસરણ
કરી શકાય છે પરંતુ તેને ફળાઉ સ્થિતિમા આવવા માટે ત્રણ વર્ષનો સમય લાગે છે. કટકા કલમ સૌથી શ્રેષ્ઠ
ગણાય છે. ૨ થી ૩ વર્ષ જૂની મજબૂત અને ઘાટા લીલા રંગની શાખાઓ પસંદ કરવી જોઈએ પછી કાપી ને
૪૦ થી ૫૦ સે.મી.ના લાંબા કટકાઓ કરવા. કટકા સારી આંખો વાળા, તંદુરસ્ત, મજબૂત કાંટા, વગેરે જેવા
ગુણોવાળા પસંદ કરવામા આવે તો લગભગ 90% કટકા મૂળ સુનિશ્ચિત કરે છે. કટકાના નીચેની છેડે ત્રાસો
કાપ મુકવામાં આવે છે અને ખેતરમા રોપવા પહેલા ૧૫ દિવસ સુધી નેટ હાઉસ અથવા છાયડામા રાખવામા
આવે છે.
વાવેતરનો સમય
ડ્રેગન ફળના કટકા ને સીધા જમીનમાં ઓછામાં ઓછી ૧.૫ થી ૨ ઇંચ ઉંડા રોપી શકાય છે. નવા
રોપણી કરેલ છોડ ને આધાર આપવો જરૂરી છે. સિમેન્ટ અથવા લાકડાના થાંભલા, દિવાલ અથવા વાડને
આધાર તરીકે ઉપયોગ કરી શાકાય છે. પોચી માટી અને ખાતર (૨૦ કિલો કાર્બનિક ખાતર + ૦.૫ કિલો સુપર ફોસ્ફેટ + એન.પી.કે. ૧૬-૧૬-૮ પ્રતિ ૫૦ પોલ) નો રોપણી પહેલા ઢગલો બનાવવો. ૩ થી ૪ કટકા
પોલની ફરતે રોપણી કરી સુતળી વડે બાંધવા. રોપણી અંતર થાભલા ઉપયોગ કરવા ઉપર આધાર રાખે છે.
ઉભા આધાર સાથે ૨ થી ૩ મીટર અંતર બે હાર વચ્ચે રાખવુ જેથી ૨૦૦૦ થી ૩૭૫૦ કટકા પ્રતિ હેકટરે
સમાવેશ કરી શકાય છે. જો દરેક થાભલા વચ્ચે ૨ x ૨ મીટર અંતર રાખી વાવેતર કરવામા આવે તો આશરે
૧૭૦૦ રોપા પ્રતિ એક એકરમા જરૂરીયાત હોય છે.
આધાર આપવો
કોંક્રીટ તથા લાકડાના પોલ વડે આધાર આપવામા આવે છે. બાજુની ડાળીઓ ને ખુબ વધવા દેવી
નહી તેમજ વચ્ચેની ૨ થી ૩ ડાળીઓને વધવા દેવામા આવે છે. ડ્રેગન ફ્રુટને ચારે બાજુ સરખા ગોળ અંતરે
વધે એ રીતે આકાર આપવામા આવે છે.
ડ્રેગન ફળ એક અર્ધ એપિફાયટિક (Semi-epiphytic) વેલો છે જે હવાઈ મૂળની હાજરીને લીધે કુદરતી
રીતે અથવા કૃત્રિમ રીતે મળતા ટેકા (ઝાડ, લાકડા અથવા સિમેન્ટ પોસ્ટ્સ, પથ્થરની દિવાલો, વગેરે) થી
આધાર લઇ શકે છે. વિવિધ પ્રકારના ટેકાઓનો ઉપયોગ થાય છે, પરંતુ મુખ્યત્વે લાકડા અથવા સિમેન્ટ
અને લોખંડના બનેલા પોલ ઉપર સારી રીતે ટેકો આપી શકાય છે. ડ્રેગન ફળની વૃદ્ધિ ઝડપી અને સતત
છે પરંતુ આબોહવાની સ્થિતિ પ્રતિકૂળ (દુષ્કાળ અને ખૂબ નીચું તાપમાન) હોય ત્યારે વિકાસ અટકે છે. તેમને
જમીન પર સપાટ ઉગાડવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે માવજત વધુ મુશ્કેલ બને છે
(પરાગનયન, લણણી, વગેરે), બીજું કારણ કે જમીન સાથે સંપર્ક કરવાથી વેલાને નુકસાન થાય છે. સજીવ
અથવા મૃત ટેકા ઉપર ડ્રેગન ફળ શ્રેષ્ઠ રીતે ઉગાડવામાં આવે છે. જ્યારે ઉભા અને આડા ટેકાનો ઉપયોગ
કરવામાં આવે છે ત્યારે છાટણી મહત્વપૂર્ણ છે અને દાંડીને એવી રીતે પસંદ કરવી જોઈએ કે જેથી છોડને
આખા ટેકા ઉપર ચઢી જવા દબાણ કરવામાં આવે. ચારે બાજુની વધારાની ડાળી અને જમીનને સ્પર્શતી
ડાળીઓ દૂર કરવા જોઈએ, જ્યારે મુખ્ય ડાળી અને બાજુની ડાળી રાખવામાં આવે છે. મુખ્ય છાટણી વાવેતર
પછી પ્રથમ વર્ષે કરવામાં આવે છે. ગમે તે ટેકો વપરવામા આવે પણ તે ક્લિપ સાથે જોડાયેલ હોવું જોઇએ.
છાટણીનો હેતુ ગુચ્છની વૃદ્ધિને મર્યાદિત કરવાનો છે જે વાવેતર પછી બીજા વર્ષની શરૂઆતમાં કરવામાં
આવે છે. કાપણીની માત્રા ટેકાના પ્રકાર અને તેની શક્તિ પર આધારિત છે. ફળ ઉતાર્યા પછી છાટણી
કરવામાં આવે તો નવી યુવાન ડાળીઓ ફૂટે છે જે પછીના વર્ષે ફૂલમા પરીણમે છે.
પરાગનયન
આનુવંશિક વિવિધતાનો અભાવ અથવા અમુક ઉત્પાદનના ક્ષેત્રોમાં પરાગનયન માટેના પરીબળોની
ગેરહાજરીનો અર્થ એ છે કે ફળોના સમૂહ અને વિકાસને સુનિશ્ચિત કરવા માટે પરપરાગનયન જરૂરી છે.
કૃત્રિમ પરાગનયન સરળ છે કારણકે ફૂલોના ભાગો વિશાળ છે. કૃત્રિમ પરાગનયન ફૂલના ખુલવા પહેલાં
(૪:૩૦ સાંજે) થી સવારે ૧૧:૦૦ સુધી કરી શકાય છે. કૃત્રિમ પરાગનયન થી તૈયાર થયેલ ફળ ઉત્તમ
ગુણવત્તા ધરાવે છે. પરાગરજ વિવિધ અન્ય જાતિઓના ફૂલમાંથી કાઢી શકાય છે અને જરૂર પડે ત્યાં સુધી
બોક્સમાં સાચવણી કરી શકાય છે. લગભગ ૧૦૦ ફૂલના પરાગનયન માટે બે ફૂલોમાંથી કાઢેલ પરાગરજ પુરતી હોય છે. આ પરાગરજને જોખમ વિના (૩થી ૯) મહિના માટે -૧૮ ° સે થી -૧૯૬ ° સે સુધી સંગ્રહિત
કરી શકાય છે. કુદરતી પરાગનયનથી થતા ફળોની ગુણવત્તા સામાન્ય રીતે કૃત્રિમ પરપરાગનયન દ્વારા
મેળવેલ ફળોની સરખામણીમાં ઓછી હોય છે.
ખાતર અને પાણી
કાર્બનિક દ્રવ્યો આ ફળની વૃધ્ધિ અને વિકાસ માટે મુખ્ય ભુમિકા ભજવે છે. ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં
સારા ઉત્પાદન માટે યોગ્ય પોષક તત્વોની પણ જરૂરીયાત છે. પ્રથમ વર્ષે ૫૦ ગ્રામ યુરિયા + ૫૦ ગ્રામ
સુપર ફોસ્ફેટ ત્રણ વખત પ્રતિ એક પોલ અને ફળ બેસવાના સમયે ૦.૫ કિલો યુરિયા + ૦.૫ કિલો સુપર
ફોસ્ફેટ + ૦.૫ કિલો પોટેશિયમ + ૨૦ કિલો કાર્બનિક ખાતર પ્રતિ પોલ. ફળો વિકસી રહ્યા હોય ત્યારે
પૌષ્ટિક ખાતર જેવા સુક્ષ્મ તત્વો અઠવાડિયામાં એક વખત આપી શકાય છે. ફળોની કાપણી થાય તે પહેલાં
ઓછામાં ઓછા દસ દિવસ પહેલા ખાતર બંધ કરવું જોઇએ.
આ ફળ પાક ને ઓછા પાણીની જરૂરીયાત હોય છે. પરંતુ અમુક મહત્વની પાક અવસ્થાઓ જેવી કે,
રોપણી, ફુલ બેસવા, ફળના વિકાસ ની અવસ્થા અને સુકુ વાતાવરણ વખતે પાણીની જરૂરીયાત હોય છે.
ટપક પધ્ધ્તિ આ ફળ ને ખુબ માફક આવે છે.
રોગ અને જીવાત
ડ્રેગન ફળમા થોડા જંતુઓ નોંધાયા છે. મોલોમસી અને મીલીબગ ની વિવિધ જાતો પણ ફળો અને
ફૂલો પર જોવા મળે છે. આ ચુસીયા પ્રકારની જીવાતો છોડમાથી રસ ચુસી નુકશાન કરે છે. થડ અને પાન
ઉપર કાળા રંગના ટપકા જોવા મળે છે, ત્યાર બાદ ટપકા વિકાસ પામવાથી થડ અને પાન સુકાઇ જાય છે.
બેક્ટેરીયાને લીધે થડ કોહવાઇ જાય છે અને તે નવી ડાળીમા પ્રસરે છે અને પછી બીજા છોડ મા પણ
પ્રસરીને નુકસાન કરે છે. ઉંદરો અને પક્ષીઓ મુખ્યત્વે ફૂલો અને ફળો તેમજ પાકા ફળોને નુકસાન પહોંચાડે
છે. આ ફળ પાકમા ફૂગ (ગ્લોઓસ્પોરીયમ એગેવ્સ, મેક્સોનીના એગેવ્સ, ડોથીઓરેલાસ્સપ અને
બોટ્રિઓફેફેરિયા ડોથીડીઆ), વાયરલ (કેક્ટસ વાયરસ X), અને બેક્ટેરિયા (ઝેન્થોમોનાસ અને
એરવિનિયમ) જેવા વિવિધ રોગો પણ નોંધાયા છે ..
કાપણી
આ ફળ પાકમા મે અને જૂન મહિનામાં ફુલ બેસે છે જ્યારે ઓગસ્ટ થી ડીસેમ્બર સુધી ફળ બેસવાની
પ્રક્રીયા થાય છે. ફળની કાપણી ફુલ બેસવાના એક મહિના પછી થાય છે. જ્યારે ફળ લીલા રંગમાથી લાલ
રંગ મા ફેરવાય છે ત્યારે તે ફળ પાકી જવાના સંકેત છે.
. હાયલોસીરીસ કોસ્ટારીકેંસિસ જાતના ફળ ૩૦ દિવસ મા પાકી જાય છે. ચાર કે પાંચ દિવસ પછી
ફળો તેમના મહત્તમ રંગમાં પહોંચે છે અને પછી ફાટવા લાગે છે જે આર્થિક નુકસાનનું કારણ બને છે.
વાવેતર પછી ૧૪ મહિને (હાયલોસીરીસ કોસ્ટારીકેંસિસ જાતમા) પ્રથમ ઉતારો શરૂ થાય છે. પેડુનકલની
ગેરહાજરી, ચૂંટવું મુશ્કેલ બનાવે છે. ફળને ઘડિયાળ મુજબની દિશામાં ફેરવી અને ફળને વળાંકવાની હાલની
કાપણીની રીત ફળોને ઓછી ઈજા પહોંચે છે. ફળો ખૂબ નાજુક નથી, પરંતુ સારી ગુણવત્તાવાળા ઉત્પાદનની ખાતરી કરવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી બને છે ઉદાહરણ તરીકે, પ્રોસેસિંગ અને સ્ટોરેજ
દરમિયાન સાવચેતીપૂર્વક સંચાલન, ખાસ કરીને એવી જાતો જેના ભીંગડા બરડ છે.
ઉત્પાદન
ઉત્પાદન વાવેતરની ઘનતા પર આધારિત છે જે લગભગ ૧૦ થી ૩૦ ટન પ્રતિ હેક્ટર છે.