નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની કંપની એમએમટીસીએ ઈજિપ્તથી 6,090 ટન ડુંગળીની આયાતના કરારો કર્યા છે. આનાથી રાજ્યોને 52થી 60 રૂપિયે કિલોના ભાવે ડુંગળી આપવામાં આવશે. ડુંગળીના વધતા ભાવોને કાબૂમાં લેવા પુરવઠો વધારવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે ગયા અઠવાડિયે જ 1.2 લાખ ટન ડુંગળીની આયાતને મંજૂરી આપી છે. સરકારે ડુંગળીના છૂટક ભાવને કાબૂમાં રાખવાનો નિર્ણય લીધો, જે પ્રતિ કિલો 100 રૂપિયા સુધી પહોંચ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ડુંગળીના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો આસપાસ રહેતા હોય છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, એમએમટીસીએ ઇજિપ્તમાંથી 6,090 ટન ડુંગળીની આયાતનો ઓર્ડર આપ્યો છે.

તે મુંબઈના ન્હાવા શેવા (જેએનપીટી) બંદર પર પહોંચશે. આ ડુંગળી રાજ્ય સરકારોને મુંબઈથી પ્રતિ કિલો 522- 525 રૂપિયામાં મળશે, જ્યારે દિલ્હીથી તેની કિંમત 60 રૂપિયા પડશે. રાજ્યો આયાત ડુંગળીને સીધી જ ખરીદી કરી શકે છે. તેઓ પાસે નાફેડ દ્વારા તે મેળવવાનો વિકલ્પ પણ છે.

નિવેદનમાં જણાવ્યું છે કે, આયાતી ડુંગળીનો સપ્લાય ડિસેમ્બરથી શરૂ થશે. ગ્રાહક બાબતોના સચિવ એ.કે. શ્રીવાસ્તવે સોમવારે ડુંગળીના ભાવ, સપ્લાય અને ભાવ અંગે વિવિધ રાજ્ય સરકારો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમાં ડુંગળીની માંગની સમીક્ષા કરવામાં આવી. તેમણે આ સંદર્ભમાં તમામ રાજ્યોના સચિવોને પત્રો પણ લખ્યા હતા. દિલ્હી સરકાર તરફથી હજી સુધી ડુંગળીની કોઈ માંગ આવી નથી. બીજી તરફ, નાફેડ (રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા)એ કહ્યું છે કે તે તેની દુકાનો, મધર ડેરી, સેન્ટ્રલ સ્ટોર્સ અને એનસીસીએફ દ્વારા ડુંગળીનું છૂટક વેચાણ કરશે.

નિવેદન મુજબ, અત્યાર સુધી વિવિધ રાજ્યોની પ્રથમ સપ્તાહની કુલ માંગ 2,265 ટન છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કેરળ, સિક્કિમનો સમાવેશ થાય છે. આમાં નાફેડને દિલ્હીમાં સપ્લાય કરવાની માંગ શામેલ છે. અન્ય રાજ્યોને પણ વહેલી તકે તેમની માંગણીઓ કરવા જણાવ્યું છે.

Krushikhoj WhatsApp Group