જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માણામોરા ગામના પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઇ ગાંગાણીને સેન્દ્રિય ખેતીમાં સારી કામગીરી માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એનાયત થયો છે. હાલમાં જ યોજાયે કૃષિ મહોત્સવ દરમિયાન પંચમહાલના મોરવાહડફ ખાતે યોજાયેલ એક સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સુરેશભાઇને આ એવોર્ડ આપવામાં આવ્યો. આ સાથે રૂ.51000 પ્રોત્સાહક ઇનામ તરીકે આપવામાં આવ્યા. સુરેશભાઇ ગાંગાણી ચણા તેમજ એપલબોરની સજીવ ખેતી કરે છે. આ માટે તેઓએ ગોપકાનું પ્રમાણપત્ર પણ મેળવેલ છે. આ બન્ને કૃષિ પેદાસોને માર્કેટયાર્ડમાં વેચવાને બદલે સુરેશભાઇ સીધુ ગ્રાહકોને વેચાણ કરે છે.
સૌથી મહત્વની બાબત એ છે કે, સુરેશભાઇએ ખારાશયુક્ત જમીનમાં એપલબોરની સફળ ખેતી કરી છે. દરિયાકિનારાથી નજીક બિનફળદ્ર્પ જમીનમાં ખારાશયુક્ત પાણીના ઉપયોગ સાથે એપલબોરનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવામાં તેઓને સફળતા મળી છે. ચાર વર્ષ પહેલા એપલબોરના 300 જેટલા છોડની રોપણી કરવામાં આવી હતી. રોપણીના છ મહિના બાદ જ ઉત્પાદન મળવાની શરૂઆત થઇ ગઇ હતી. ક્ષારયુક્ત જમીન અને પાણી હોવા છતાં સુરેશભાઇએ વિવિધ કુદરતી પધ્ધતિઓનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાનું ઉત્પાદન મેળવ્યુ છે. આ કારણે એક બોરનું સરેરાશ વજન 80થી 100 ગ્રામ જેટલુ રહે છે. દર વર્ષે ડિસેમ્બરના અંતમાં એપલબોરનું ઉત્પાદન શરૂ થાય છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનાના મધ્ય સુધી નિયમિત એપલબોરનું ઉત્પાદન મળે છે.
સ્વાદમાં મીઠા હોવાથી સુરેશભાઇના એપલબોર સીધી ગ્રાહકોમાં જ વેચાઇ જાય છે. સુરેશભાઇ દ્વારા હાલ ટ્રાવેલ્સ મારફતે સુરતમાં સીધા ગ્રાહકોને એપલબોર વેચાણ માટે મોકલવામાં આવે છે. જેમાં તેઓને પ્રતિ કિલો રૂ.50 જેટલો ભાવ મળે છે. જ્યારે જથ્થાબંધ બજારમાં એપલબોરનો ભાવ સરેરાશ રૂ.15થી રૂ.30 પ્રતિ કિલો જેટલો જ છે. આથી બોરની ગુણવત્તા સારી હોવાથી અને સીધુ ગ્રાહકોને વેચાણ થતુ હોવાથી બજારભાવ કરતા લગભગ બમણા ભાવ મેળવવામાં સુરેશભાઇને સફળતા મળી છે. આવી જ રીતે તેઓ શિયાળુ સિઝનમાં ચણાની સજીવ ખેતી કરે છે એને સીધુ ગ્રાહકોને વેચાણ કરે છે. સુરેશભાઇને બિનફળદ્રુપ જમીનમાં પોતાની મહેનત અને કોઠાસુઝથી સારૂ ઉત્પાદન મેળવ્યુ તેમજ સીધુ ગ્રાહકોને વેચાણ કરવાની વ્યવસ્થાના કારણે ઉંચા ભાવ પણ મેળવ્યા છે. આપ આ અંગેની વધુ માહિતી માટે સુરેશભાઇ ગાંગાણીનો મો. 7698894119 ઉપર સંપર્ક કરી શકો છો.