હાલના એપીએમસી એક્ટમાં કેટલીક જોગવાઈઓ ખેડૂતોને અન્યાયકર્તા છે એ સુધારવી જરૂરી છે, એ સિવાય ખેડૂતોની આવકમાં વધારો કરવો મુશ્કેલ છે. હાલનો કાયદો લાયસન્સ ધરાવતા વેપારીઓને એકાધિકાર આપે છે. હાલના કાયદાને કારણે ખેડૂતો પોતાનો માલ ખુલ્લા બજારમાં વેચી શકતા નથી, જે લોકો ખરીદવા માંગતા હોય તે સીધા ખેડૂતો પાસેથી ખરીદી શકતા નથી તેને કારણે ખેડૂતોને અન્યાય થાય છે.
ખેડૂત એકતા મંચે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી સૂચન મોકલ્યા છે કે:
1: આખા કાયદામાંથી એરિયા (area) શબ્દ ડીલીટ કરવામાં આવે, બજાર માત્ર એપીએમસીના કમ્પાઉન્ડ પૂરતું મર્યાદિત રાખવામાં આવે, જે જણસી (ખેત-ઉત્પાદન) એપીએમસીના ગેટમાં દાખલ થાય, જેનો સોદો એપીએમસીના કમ્પાઉન્ડમાં થાય તેના પર જ એપીએમસીની સેસ લાગવી જોઈએ. બજાર બહારના સોદાઓ ઉપર સેસ ઉઘરાવવાનો એપીએમસીનો અધિકાર રદ થશે, જેથી સીધી ખરીદીને પ્રોત્સાહન મળશે અને આખા વિસ્તાર પરનું માર્યાદિત વેપારીઓનું આધિપત્ય ખતમ થશે, હરીફાઈમાં ખેડૂતોને ઊંચા ભાવો મળી શકશે.
2: જે મોટા વેપારીઓ, નિકાસકારો, એગ્રોઇન્ડસ્ટ્રીઝ, ગ્રેડરો, પેકરો સીધી ખરીદી કરવા માંગતા હોય તેમની પાસેથી, એમના ખરીદ બિલોને આધારે લેવી રાજ્યમાં સીધી ચલણરૂપે જમા કરાવવાની વ્યવસ્થા કરાય, એનાથી રાજ્યની આવક વધશે.
3: એપીએમસીના ચેરમેન, સેક્રેટરી, સભ્યોને કોઈ પણ સ્થળે ચેકીંગ કરવાનો અધીકાર આપવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે.
4: ખેડૂત-ગ્રાહક બજારમાં ખેડૂત વધુમાં વધુ 20 કિલો જ વેચી શકે એ મર્યાદા રદ કરવામાં આવે, જેટલું ઉત્પાદન હોય તે બધું જ ખેડૂત વેચી શકે અને ગ્રાહક ગમે તેટલું ખરીદી શકે એવી જોગવાઈ કરવી જોઈએ. ખેડૂત સીધો વેપાર કરતો થાય, વચ્ચેથી વચેટિયાઓ નાબૂદ થાય તો જ ખેડૂતોની આવક વધે અને ગ્રાહકોને વ્યાજબી ભાવે મળે.
આ બાબતે સરકાર સકારાત્મક રીતે, ખેડૂતોના હિતમાં જરુરી સુધારા દાખલ કરે એવી અમારી માંગણી છે. માત્ર વાતો કે પ્રચારથી ખેડૂતોની આવકમાં કોઈ વધારો નહીં થાય. જો સરકાર વેપારીઓનો એકાધિકાર સરકાર સાચવી રાખે તો વધુ એકવાર સરકાર ખેડૂત વિરોધી અને વેપારીઓ તરફી છે તે સાબિત થશે.
સાગર રબારી
પ્રમુખ, ખેડૂત એકતા મંચ – ગુજરાત.