બિપરજોયને લઈને વહીવટી તંત્ર એલર્ટ
વાવાઝોડાએ દિશા બદલતાં ચિંતા વધી ચાર દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.
ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિલોમીટર દૂર છે. તો આગામી તારીખ 11 અને 12 જૂન એમ બે દિવસ રોરોફેરી સેવા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર સંકટ વધ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી ગઈ છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં બદલાયું છે. હાલ વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 640 કિલોમીટર દૂર છે. ત્યારે આજથી વાવાઝોડું વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત થઈ શકે છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે આગળ વધી રહ્યું છે .
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલતા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 11 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ આગળ વધ્યું છે. ધીમી ગતિએ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. સવારે 6 વાગ્યા ની સ્થિતિએ ચક્રવાત હાલ પોરબંદર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ કિનારેથી દરિયામાં 640 કિમિ દૂર છે. ધીમી ગતિએ ગુજરાતના દરિયા કાંઠાની નજીક બિપોરજોય આવી રહ્યું છે. ત્યારે હવે તેની અસર દેખાવાની શરૂઆત થશે.
આગામી 10 થી 14 જૂન દરમ્યાન ગુજરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. 10 જૂને 30 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો 11 જૂને 60 કિમિ પ્રતિ કલાક, 12 જૂને 65 કિમિ અને 13-14 જૂને 70 કિમિ પ્રતિ કલાકની અને તેથી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 10 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છ નો દરિયાકાંઠો તોફાની બની શકે છે. 11 થી 14 જૂને ગુજરાતના કિનારે દરિયો અતિ તોફાની બની શકે છે. 10 થી 15 જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. 15 જૂન સુધી ગુજરાતના માછીમારીએ દરિયામાં ન જવા સૂચના અપાઈ છે.