ઘઉંમાં ટનાટન તેજી વિદેશમાં માંગ વધતા ભાવમાં તેજી આવી

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે ઠેર-ઠેર વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વ પણ આ યુદ્ધના કારણે ચિંતિત બન્યું છે ત્યારે હવે ઘઉંએ વિશ્વના દેશોની ચિંતા વધારી દીધી છે. જો કે આ સ્થિતિ ભારતમાં ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે ફળદાયી નીવડી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘઉં પકવતા ખેડૂતોને હાલમાં સારા ભાવ મળી રહ્યાં છે.

હકીકતમાં યૂક્રેન અને રશિયા બન્ને દેશો વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરે છે. જો કે ત્યાં યુદ્ધના કારણે ના તો ઘઉંની વાવણી શક્ય બની છે, ન તો ઘઉંનું ઉત્પાદન થયું છે.. આવા સમયે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે. ભારતમાં એમાં પણ ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્ર ના જિલ્લામાં ઉત્પન્ન થતા ઘઉંની વિદેશમાં માંગ વધી છે. જેના પરિણામે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંના ભાવમાં તેજી પણ જોવા મળી રહી છે. જેનો સીધો ફાયદો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને થઈ રહ્યો છે.

ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને આ વર્ષે 20 કિલોનો ભાવમાં 100 થી 200 રૂપિયા વધુ મળી રહ્યા છે. ગત વર્ષે જે ઘઉંના 20 કિલોના ભાવ 400 થી 450 રૂપિયા મળતા હતા, તે ઘઉંના ભાવ આ વર્ષે પ્રતિ 20 કિલોએ 500 થી લઈને 630 રૂપિયા થી પણ વધુ મળી રહ્યા છે. ખૂબ સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે એ હવે આગામી સમય મા જોવાનું રહ્યું.

જોકે વિદેશની વધતી માંગ વચ્ચે દેશમાં ઘઉંના ભાવ આસમાને ન પહોંચે અને દેશમાં ઘઉંની ઘટના સર્જાય એટલા માટે સરકાર દ્વારા ગત વર્ષે ૧૩ મે ૨૦૨૨ ના દિવસે ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

જો કે થોડા સમય પહેલા સરકાર દ્વારા ઘઉંની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે વિદેશ ઉપરાંત દેશમાં પણ ગરીબ લોકોને અનાજ આપવા સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી છે. ભારતમાં 80 કરોડ જેટલા ગરીબોને સરકાર અલગ અલગ યોજના થકી મફત તેમજ સસ્તા ભાવે અનાજ પૂરૂં પાડે છે. વર્ષ 2022 માં ભારતે  70 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ભારતમાં ઉત્પન્ન થતા ઘઉં બાંગ્લાદેશ, નેપાળ, UAE, શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવા દેશોમાં ઘઉંની નિકાસ થાય છે.

Krushikhoj WhatsApp Group