મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતો/ધરતીપુત્રોના વ્યાપક હિતમાં ખેડૂતોના ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત વધારી આપવા ભારત સરકારમાં કરેલી રજૂઆતનો સંવેદના સ્પર્શી પ્રતિસાદ મળ્યો છે.ભારત સરકારે આ મુદ્દત વધુ ત્રણ મહિના માટે એટલે કે તારીખ 31 મી ઓગષ્ટ 2020 સુધી વધારી આપી છે.

મુખ્યમંત્રીએ કોરોના વાયરસને કારણે પ્રવર્તમાન લૉકડાઉનની સ્થિતિમાં ખેડૂતોના પાક વેચાણને પડેલી અસરથી બેન્કોમાંથી લીધેલી ટૂંકી મુદ્દતનું ધિરાણ તારીખ 31મી માર્ચ-2020 સુધીમાં ભરપાઈ કરી શકે તેમ ન હોઈ,અગાઉ આ મુદ્દત તારીખ 31મી મે – 2020 સુધી લંબાવવા રજૂઆત કરી હતી તેને પગલે ભારત સરકારે આ મુદ્દત તારીખ 31 મી માર્ચથી તારીખ 31 મી મે કરી આપી હતી.ખેડૂતોને 7 ટકાના દરે પાક ધિરાણને બદલે શૂન્ય ટકા વ્યાજે આવું ધિરાણ આપીને 3 ટકા ભારત સરકાર અને 4 ટકા રાજ્ય સરકાર ભોગવે છે.

મુખ્યમંત્રીએ અગાઉ કરેલી રજૂઆત મુજબ ભારત સરકારે 31મી મે સુધી એટલે કે બે મહિના માટે ખેડૂતોને ધિરાણ ભરપાઈ કરવાની મુદ્દત વધારી આપી હતી અને રાજ્યના 24 લાખથી વધુ ખેડૂતોને તેનો લાભ મળે તે સુનિશ્ચિત કર્યું હતુ.આવા વધારાના સમયના વ્યાજનું અંદાજે 160 કરોડનું ભારણ પણ રાજ્ય સરકારે વહન કરેલું છે અને મોટા ભાગના ખેડૂતોએ આ સમયગાળામાં પોતાની પાક ધિરાણ રકમ ભરપાઈ પણ કરી દીધી છે.

મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના કિસાન અગ્રણીઓ તથા ખેડૂતોએ રજૂઆત કરી હતી કે આવા પાક ધિરાણ લોન ભરપાઈ કરવાની મુદ્દત જો વધુ ત્રણ માસ લંબાવી આપવામાં આવે તો બાકી રહી ગયેલા ખેડૂતો પણ ધિરાણ ભરપાઈ કરી શકે અને આગામી ખરીફ ઋતુ માટે પાક ધિરાણનો લાભ મેળવી શકે.

વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં આ રજૂઆત ભારત સરકાર સમક્ષ કરતાં ભારત સરકારે ખેડૂતોના ધિરાણની ભરપાઈ માટેનો મોરેટોરિયમ પીરીયડ વધુ ત્રણ માસ એટલે કે 31મી ઓગષ્ટ-2020 કરી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન હિતકારી આ અભિગમ માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે કોરોના વાયરસના પરિણામે લૉકડાઉનમાં આર્થિક રીતે વિપરીત સ્થિતિમાં મૂકાઈ ગયેલા ધરતી પુત્રોને કેન્દ્ર સરકારે અગાઉ બે મહિના માટે મુદ્દત વધારો આપીને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ ભરપાઈ કરવાની સુવિધા કરી આપી હતી. હવે 31મી ઓગષ્ટ સુધી ધિરાણ ભરપાઈ મુદ્દત વધારીને મોટી રાહત આપી છે.

Krushikhoj WhatsApp Group