અરબી સાગર ઉપર સક્રીય થયેલા લોપ્રેશર તેમજ દક્ષિણ ભારતમાં સક્રીય થયેલી સીસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા, અરવલ્લીમાં છેલ્લા 4 દિવસથી વાદળો ગોરંભાતાં ખેતરમાં તૈયાર પાક ઉપજ પડી હતી તેવા ખેડૂતો ચિંતિત હતા. પરંતુ બુધવાર સવારે આકાશ સ્વચ્છ થતાં અને વાદળો હટી જતાં ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો. 2 દિવસ સારો તાપ નિકળશે એટલે થ્રેશર મારફતે પાક ઉપજ કાઢી ખેડૂતો ઘરના આંગણામાં કે પછી વેપારીના આંગણે માલ ઠાલવશે. યાર્ડોમાં મગફળી, કપાસ, તલ, અડદ સહિતની આવક ઠલવાઈ રહી છે. ખેડૂતો પાસે પૈસો આવતાં 2 દિવસથી બજારોમાં દિવાળી પર્વ જેવું લાગી રહ્યું છે તેમ છતાં મોટાભાગનો વેપારી સમુદાય આ વખતે દિવાળી પહેલાં કોઈ ધંધા જ નથી તેવા નિશાસા નાખી રહ્યા છે.
બજારોમાં દિવાળી કે પછી અન્ય ઉત્સવ દરમ્યાન ઘરાકી ત્યારે જોવા મળે છે કે ત્યારે સરકારી કર્મચારીઓના પગાર થયા હોય અને ખેડૂતો પાસે પાક ઉપજના પૈસા આવ્યા હોય. સરકાર દ્વારા કર્મચારીઓને ર૩ ઓક્ટોબર પહેલાં પગાર કરી દેવાની જાહેરાત કર્યા પછી પણ કર્મચારીઓના ખાતામાં પગાર જમા થયો નથી જેથી સરકારી કર્મચારીઓ ખરીદી માટે હજી પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
આજકાલમાં સરકારી કર્મચારીઓના પગાર થઈ જવાની વકી છે. જ્યારે ખેડૂતોએ પાક ઉપજ યાર્ડમાં વેપારીના ત્યાં ઠાલવ્યા પછી ધીમે ધીમે રોકડ પેમેન્ટ મળવા લાગતાં ખેડૂતો બજારમાં દિવાળીની ખરીદી માટે ઉત્સાહ જતાવી રહ્યા છે. છેલ્લા ૪ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ હોવાના કારણે મોટાભાગના ખેડૂતોએ તૈયાર પાક ઉપજને સુરક્ષિત ઢાંકી રાખી હતી પરંતુ હવે કમોસમી વરસાદ વરસશે નહીં તેવા કુદરતે સ્વચ્છ આકાશ કરીને સંકેત આપતાં બુધવાર સવારથી ચિંતિત રહેલા ખેડૂતોમાં સામાન્ય ખુશાલી જોવા મળી છે.