રાજકોટ : ભારત અને ચીનના સંબધોમાં ભલે ઉતાર-ચઢાવ આવતો હોય, પણ તાજેતરમાં ચીનના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. સિંગતેલના ભાવ સતત વઘારા પાછળનું કારણ ચીન છે. ચીનમાં પણ મગફળીનું મોટા પ્રમાણમા વાવેતર થાય છે. ભારે વરસાદને કારણે ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ચીને ભારતના સિંગતેલ પર આઘાર રાખવો પડ્યો છે.
રાજકોટ એડિબલ ઓઇલ એસોશિએશનના પ્રમુખનું કહેવું છે કે ચીને ગયા વર્ષે ભારતમાંથી 15 હજાર ટનની આયાત કરી હતી. આ વર્ષે ચીન તરફથી ભારતને 30 હજાર ટનનો ઓર્ડર મળ્યો છે. આ વર્ષે રાજયમાં મગફળીનુ અંદાજે 31 લાખ ટન ઉત્પાદન થવાનું છે. આથી ખેડૂતોને સારા ભાવ મળે તે માટે સરકાર પણ પ્રયાસો કરી રહી છે.
સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ કરી રહી છે.
જોકે, હાલમાં ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીનાં પુરતા ભાવ ન મળતા વારંવાર ખેડૂતો નારાજ થઇ જાય છે અને વિરોધ પ્રદર્શનો થતા રહે છે. ચીન 30 હજાર ટન સિંગતેલની આયાત કરે તો મગફળીની માંગમાં સીધો વઘારો થાય. અર્થતંત્રના નિયમ મુજબ માંગમાં વઘારો થાય એટલે કોઇપણ વસ્તુનાં ભાવમાં વઘારો થાય છે. જોકે, વેપારીઓ એવું પણ કહે છે કે સિંગતેલના ભાવ વઘારા માટે માત્ર ચીન જ નહીં પણ મલેશિયા પણ જવાબદાર છે. ચાલુ વર્ષે રાજકીય અને વૈશ્વિક કારણોને લીધે મલેશિયામાંથી પામતેલની આયાત થઇ શકી નથી. આથી સ્થાનિક તેલોની માંગમાં વઘારો થતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વઘારો થઇ રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં મોટા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થાય છે, ત્યારે દર વર્ષે ખેડૂતોને મગફળીના સારા ભાવ નથી મળતાં. ખેડૂતોએ પણ અનેકવાર માંગ કરી છે કે સરકાર સિંગતેલ અને સિંગદાણાની નિકાસ કરે તો જ સારા ભાવ મળે. હાલમાં ચીનની માંગને પગલે ખેડૂતોને આગામી દિવસોમાં મગફળીના સારા ભાવ મળી શકે છે.