નિકાસને રોક લાગતા સ્થાનિક બજારમાં કપાસ અને એરંડાના ભાવમાં કડાકો
કોરોના વાયરસના કારણે ભારતમાં એરંડા અને કપાસના ભાવ ઉપર ગંભીર અસર જોવા મળી છે. ખાસ કરીને રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના સેન્ટરોમાં કપાસ અને એરંડાના ભાવમાં કડાકો બોલી જતા મુશ્કેલી સર્જાઈ છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં અઠવાડીયા પહેલા કપાસની ભાવ 1110 જેટલા હતા જે ઘટીને 1000 નજીક પહોચી ગયો છે. બીજી તરફ એરંડામાં 800 થી ઘટીને 725 થવા પામ્યા છે. આ વાઈરસની અસર વધુ ઘેરી બનશે તો કપાસ અને એરંડાના ભાવમાં હજુ ગાબડુ પડે તેવી દહેશત છે.
અહી નોંધનીય છે કે ચીનમાં દર વર્ષે ભારતનું બે લાખ ટન એરંડાનું તેલ નિકાસ થાય છે. જે કુલ નિકાસનુંં ૪૦ ટકા જેટલું છે. આ ઉપરાંત કપાસમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે.
ચાઈનામાં ફેલાયેલા કોરોના વાઈરસે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. આ વાઈરસે અનેક માનવ જિંદગી લેવાની સાથે આર્થિક, સામાજિક દરેક ક્ષેત્રે અસર કરી છે. ચીનમાં ફેલાયેલા વાઈરસથી સૌરાષ્ટ્રના માર્કેટને પણ મોટો ફટકો પડયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં એરંડા કપાસનાં ભાવમાં માત્ર એક અઠવાડિયામાં જ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ભાવ ઘટાડાનું એક માત્ર કારણ ચાઈનામાં અહીથી નિકાસ થતા એરંડા કપાસના એક્ષ્પોર્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી અહીથી આ પાકો એક્ષ્પોર્ટ નહિ થતા માલનો ભરાવો થયો છે. અને આ કારણથી છેલ્લા એક અઠવાડિયાથી એરંડા-કપાસના ભાવોમાં મોટો તફાવત પડયો છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ માર્કેટીંગ યાર્ડની વાત કરીએ તો અહી દિવાળી પછી તૈયાર થતા એરંડા કપાસનો મોટો જથ્થો ઠલવાઈ છે. આ માલનું ચાઈનામાં સૌથી વધુ નિકાસ અહીથી થાય છે. ત્યારે હાલ થોડા દિવસોથી ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસે દેશમાં પણ હાહાકાર મચાવ્યો છે. કોરોના વાઈરસે અનેક લોકોનાં ભોગ તો લીધો જ છે. સાથે આર્થિક ક્ષેત્રમાં પણ મોટો ફટકો આપ્યો છે. આ વાઈરસના ભયથી દુનિયાભરનાં દેશોએ ચીનમાં જવાનું કે અન્ય વ્યવહાર કરવાનું બંધ કર્યું છે. ચીનમાં અલગ અલગ કાર્યો અર્થે ગયેલા લોકો પણ પોતાના દેશ, વતનમાં પરત ફરી રહ્યા છે. ત્યારે માલની આયાત નિકાસ પણ બંધ થવા પામી છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાંથી એરંડા કપાસનો દર વર્ષે મોટો જથ્થો ચીનમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ હાલ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસથી આ માલનો નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આથી અહી લોકલ માર્કેટમાં આ પાકોના ભાવોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આ ધરખમ ઘટાડો માત્ર એક અઠવાડીયામાં જ થયો છે. ગત અઠવાડિયા કપાસના એક મણના ભાવ રૂા. 1110 જેટલા હતા જે હાલ ગગડીને રૂા. 1000 જેવા થયા છે. તેવી જ રીતે એરંડાના પણ ગત અઠવાડિયે ભાવ રૂા.800 હતા જેના હાલ માત્ર રૂા.725 જેવા ઉપજી રહ્યા છે. કોરોના વાઈરસના કારણે બજાર ઘટી છે. જેથી યાર્ડમાં માલનો ભરાવો પણ થયો છે. ચીન દર વર્ષે ૨ લાખ ટન એટલે કે ૨૫૦૦ કરોડના એરંડા મંગાવે છે. એવી જ રીતે કપાસવનો પણ મોટો જથ્થો ખરીદે છે. દેશમાંથી સૌથી વધુ ગુજરાતમાંથી કોટનની નિકાસ કરવામાં આવે છે. જે નિકાસ પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવતા લોકલ માર્કેટને પણ મોટો ફટકો પડયો છે. ચીને આ વાઈરસના કારણે હાલ પ્રોડકશન પણ સાવ મંદ કર્યું છે. અને સ્ટોકના ભરાવાથી માલ મગાવવાનું બંધ કર્યૂ છે.
હાલ ચીનમાં ન્યુ યર સેલીબ્રેશન પણ ચાલી રહ્યું હોય બેંકો પણ બંધ હોય જેથી નાણાકીય વ્યવહારો પણ ઠપ્પ થયા છે. તેની પણ બજારમાં થોડી ઘણી અસર વર્તાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૦ ફેબ્રુઆરી સુધી ચીનના વાયરસ અને ન્યુયર રજાઓની અસર ભારતના વેપારને જોવા મળશે. ૨૦ ફેબ્રુઆરી સુધી નિકાસ ઉપર નિયંત્રણ રહેશે ત્યાં સુધીમા ભાવ તળીયે પહોચી જાય તેવી દહેશત છે