જીરા બજારમાં ભારે મંદી : ભાવ ₹4000 ની નીચે, માંગના અભાવે ખેડૂત – વેપારીઓમાં ચિંતાનો માહોલ

Monsoon Onion Ad

છેલ્લા ઘણા મહિનાઓથી જીરાના બજારમાં સતત મંદી જોવા મળી રહી છે. સિઝનની શરૂઆતમાં ભાવ ₹5000 સુધી પહોંચ્યા હતા, પરંતુ હાલ તે ઘટીને ₹4000ની નીચે પહોંચી ગયા છે. બજારમાં હાલના સમયે જીરાના ભાવ ₹3500થી ₹3900 ની સપાટીમાં અટવાયેલા છે, જેનાથી વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.

બજારમાં આવક ઘટી રહી છે તેમ છતાં લેવાલીઓ ગાયબ છે. ઉંઝામાં હાલમાં રોજિંદી આવક માત્ર 11,000 બોરીની આસપાસ રહી છે, પરંતુ લેવાની માંગ બહુ જ ઓછી હોવાથી ભાવમાં કોઈ મોટા સુધારાની શક્યતા હાલ પૂરતી દેખાઈ રહી નથી. વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલમાં તો એક બાજુથી ખરીદદારો નથી, જેના કારણે ભાવ વધુ ધસી રહ્યો છે.

જીરૂના ફ્યુચર ડિલમાં પણ મંદીનો સંકેત મળી રહ્યો છે. વેપારીઓ માને છે કે જીરાનો વાયદો ભાવ ઘટીને ₹19,000 સુધી પહોંચી શકે છે. જોકે તે સ્તરેથી ભાવમાં થોડો સુધારો પણ જોવા મળી શકે છે, જો લેવાલી ઊભી થાય તો બજાર માં સુધારો આવશે.

અંતરરાષ્ટ્રીય સ્તરે પણ માંગ નબળી છે. ચીનનો નવો જીરાનો પાક એકાદ મહીનામાં બજારમાં આવશે અને હાલ તે પાકની સ્થિતિ સારી જણાઈ રહી છે. જેના કારણે આયાતકર્તા ભારતને બદલે ચીન તરફ ઝુકી રહ્યા છે. આ પરિસ્થિતિ ભારતના જીરા બજાર માટે નિરાશાજનક બની છે.

હવે તમામની નજર છે કે આવનારા દિવસોમાં લેવાલી ઊભી થાય છે કે નહીં અને ભાવમાં સ્થિરતા કે સુધારો જોવા મળે છે કે નહીં. હાલ માટે તો બજારમાં માહોલ નરમ જ છે અને વેપારીઓ અનિશ્ચિતતાની સ્થિતિમાં છે.

Krushikhoj WhatsApp Group