છેલ્લા એકાદ મહિનાથી કપાસ બજારમાં સતત મંદી સાથે વેપાર થઇ રહ્યો છે. નવા કપાસની આવકો શરૂ થતાની સાથે જ ભાવમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલ રૂ ગાંસડીનો ભાવ ઘટીને ખાંડીએ રૂ.57 હજારની સપાટીએ પહોંચ્યો છે. નવા કપાસની આવકો શરૂ થઇ નહોતી એ સમયે રૂ.62 હજારની સપાટીએ રૂ ગાંસડીનો ભાવ જોવા મળ્યો હતો. હાલ ગુજરાતના યાર્ડોમાં હાલ કપાસના ભાવમાં રૂ.1300થી રૂ.1450 ની સપાટી જોવા મળી રહી છે.
ન્યુયોર્ક રૂ વાયદો ઇઝરાયલ- હમાસ યુધ્ધની અસરે ગત્ત સપ્તાહે 3.66 સેન્ટ ઘટયો હતો. અમેરિકન રૂની નિકાસમાં ચીનમાં ઘટી રહી હોઇ તેની પણ અસર જોવા મળી હતી.
અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતાં ટેક્સાસમાં ખેત૨માંથી કપાસ ઉપાડવાનું ચાલુ થતાં ઉતારા ધારણા કરતાં ઘણા ઓછા જોવા મળ્યા છે અનેક ખેતરમાં કપાસના ઉતારા 25 થી 30 ટકા ઓછા જોવા મળ્યા છે ઉપરાંત કપાસની કવોલીટી અનેક ખેતરમાં બગડેલી જોવા મળી છે. અમેરિકામાં રૂનું ઉત્પાદન ચાલુ વર્ષે 164.40 લાખ ગાંસડી (170 કિલોની ગાંસડી) થવાનો અંદાજ યુ.એસ.ડી.એ.ના ઓકટોબર મહિનાના રિપોર્ટમાં મૂકાયો હતો. ગત્ત વર્ષે અમેરિકામાં રૂનું ઉત્પાદન 185.60 લાખ ગાંસડી થયું હતું. અમેરિકાના કુલ રૂના ઉત્પાદનમાંથી 30 ટકા ઉત્પાદન ટેક્સાસમાં થાય છે ટેક્સાસમાં કપાસના ઉતારા ઘટતાં અમેરિકાના રૂના ઉત્પાદનના અંદાજમાં હજુ વધુ ઘટાડો થવાની ધારણા છે
ગુજરાતના ખેડૂતોની કપાસ વેચવાલી ધારણા કરતાં ધીમી છે. ગુજરાતના ખેડૂતો પાસે હજુ જુના કપાસનો સ્ટોક પણ પડેલો છે. કપાસના ભાવ હવે સરકારે નક્કી કરેલી એમ.એસ.પી.(મિનિમમ સપોર્ટ પ્રાઇસ) નજીક પહોંચી ગયા છે. ગુજરાતમાં કપાસના ભાવ હાલ પ્રતિ મણ રૂા.1350 થી 1450 બોલાય છે.
ગુજરાતમાં કપાસનું વાવેતર સાત ટકા વધ્યું છે જ્યારે કપાસના ક્રોપમાં વરસાદની અનિયમિતતાંથી મોટો બગાડ થયો છે નોર્થ ઇન્ડિયામાં કપાસના ક્રોપમાં ગુલાબી ઇયળનો પ્રોબ્લેમ સતત વધી રહ્યો છે તેમજ દક્ષિણ ભારતમાં પાસનું વાવેતર ઘટયું છે આથી ઓલ ઇન્ડિયા રૂનું ઉત્પાદન ગત્ત વર્ષથી ઘટશે તેવી અંદાજ છે.
વિશ્વમાં દરેક દેશ હાલ રૂ, કોટનયાર્ન, ટેક્સટાઇલ પ્રોડક્ટ વિગેરેની ધીમી ડીમાન્ડથી પરેશાન છે. ચીનની રૂ ખરીદી બ્રાઝિલ-ઓસ્ટ્રેલિયા તરફ ડાઇવર્ટ થતાં અમેરિકન રૂની ડીમાન્ડ ઓછી છે. ચીનમાં છેલ્લા ત્રણ સપ્તાહથી રૂના ઓકશનમાં ડીમાન્ડ સતત ઘટી રહી છે. ભારતીય કોટનયાર્નની ડીમાન્ડ એકદમ ધીમી હોઇ સ્પીનીંગ મિલો પરેશાન છે. પાકિસ્તાનમાં પણ રૂની ડીમાન્ડ ઓછી છે.
હાલ કપાસ અને રૂ સાથે સંકળાયેલો તમામ વર્ગ પરેશાન હોઇ દરેક એકબીજાના ખિસ્સા કાપીને પૈસા કમાવવા માગે છે. કપાસનો ખેડૂત ગુલાબી ઇયળ અને કપાસની કવોલીટીથી પરેશાન છે આથી ખેડૂત જ્યારે જીનીંગ મિલ પાસે કપાસ વેચવા જાય ત્યારે જીનર્સ કવોલીટીના બહાને ખેડૂતોના ખિસ્સા કાપે છે. સ્પીનીંગ મિલ પાસે અગાઉનું ઊંચા ભાવનું રૂ પડેલું હોઇ તેનો નિકાલ થતો નથી આથી સ્પીનીંગ મિલનો માલિક રૂની કવોલીટીનો ઇસ્યુ ઊભો કરીને જીનર્સનું ખિસ્સુ કાપી રહ્યો છે. રૂની નિકાસમાં પેરિટિ નથી ફોરેન બાયર્સ પણ કવોલીટીનું ઇસ્યુ ઊભો કરીને નિકાસકારનું ખિસ્સું કાપી રહ્યો છે. આમ, કોટન ઇન્ડસ્ટ્રીઝમાં હાલ તમામ વર્ગ પરેશાન હોઇ દરેક અન્યનું ખિસ્સું કાપીને મુશ્કેલીઓને દૂર કરવા પ્રયાસ કરી રહ્યો છે.