પૂર્ણ થતા રહી ગયા ગાઝીપૂરના ધરણા, ટિકૈતનુ રડવુ બન્યુ ટર્નિગ પોઈન્ટ, ખેડૂતો એકઠા થયા તો પોલીસ પાછળ હટી
પ્રજાસત્તાક દિવસે (Republic Day) ખેડૂતોની ટ્રેકટર રેલી (Tractor Rally) દરમિયાન થયેલી હિંસા, અને લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાની ઘટના બાદ, દેશભરમાં ખેડૂત આંદોલન સામે નારાજગી પ્રવર્તી રહી હતી. ખેડૂત આંદોલનને ટેકો આપતા ખેડૂત સંગઠનોએ ટેકો પાછો ખેચતા, કૃષિ બિલ નાબુદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોનું આંદોલન નબળુ પડ્યુ હતું. ઉપદ્રવીઓએ કરેલા તોફાન બાદ અત્યાર સુધીમાં ચાર ખેડૂત સંગઠનોએ આંદોલન સમેટવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ અન્ય ખેડૂત સંગઠનોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી ગાઝીપૂર સરહદે કરાઈ છે. ગુરૂવારની રાત્રે ગાઝીપૂર સરહદે હાઈવોલ્ટેજ ડ્રામા યોજાયો. ગાઝીપુર સરહદે પોલીસનો મોટો કાફલો એ વાતની સાબિતી આપતી હતી કે આજની રાત આંદોલન માટે નિર્ણાયક બની રહેશે. પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કરેલી પ્રેસ કોન્ફરન્સથી આંદોલનનો માહોલ બદલાઈ ગયો. પ્રજાસત્તાક દિવસે ટ્રેકટર રેલીના નામે કરાયેલા તોફાન બાદ જે ખેડૂતોએ ઉચાળા ભર્યા હતા તેમાંથી કેટલાક મોડી રાત્રે ઘરણાના સ્થળે પરત ફર્યા.
ગાઝીયાબાદના વહીવટીતંત્રે ડેરા તંબુ નાખીને બેઠેલા ખેડૂતોને યુપી ગેટ ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યુ હતુ. એ સમયે રાકેશ ટિકૈત પોતાની માંગ પર અડગ રહ્યાં અને ભુખ હડતાળનું એલાન કર્યુ. જેના કારણે સ્થિતિ એકદમ પલટી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે 26મી જાન્યુઆરીએ ઉપદ્રવીઓ કરેલા તોફાન અને લાલ કિલ્લાની ઘટના બાદ, દેશભરમાં ખેડૂત આંદોલન સામે આક્રોશ ફેલાયો છે, તે આક્રોશ ખેડૂત આંદોલન માટે સહાનુભૂતિમાં ફેરવાય તેવા કોઈ જ પગલા વહીવટીતંત્ર લેવા માંગતુ નથી. તેથી જ ગુરુવારની મોડી રાત્રે પોલીસ અને વહીવટીતંત્રે ખુબ જ સંયમ દાખવ્યો હતો.
પૂર્ણ થતા રહી ગયા ગાઝીપૂરના ધરણા, ટિકૈતનુ રડવુ બન્યુ ટર્નિગ પોઈન્ટ, ખેડૂતો એકઠા થયા તો પોલીસ પાછળ હટી