આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે એક એવી મહિલાની વાત કરીશું જે જાતે ટ્રેકટર ચલાવી 50 વિઘા ખેતર ખેડી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહી છે, આ મહિલા આજે અનેક મહિલાઓ માટે બની પ્રેરણા સ્ત્રોત તો આવો જાણીએ કોણ છે આ મહિલા

તમામ સુખ સગવડો હોવા છતાં નાની નાની મુશ્કેલી સામે ઘૂંટણીએ પડી જતા અનેક લોકો માટે પ્રેરણા પુરી પાડતી ઓલપાડ તાલુકાના ઉમરાચી ગામની મહિલાની આજે વિશ્વ મહિલા દિવસ પર વાત કરવી છે, ઉમરાચી ગામમાં રહેતા લલિતા બહેન તેમના પતિ સતીશભાઈ પટેલ જેઓ ભરૂચ રહેતા ખેતરમાલિક દીપેશ ગોહિલની 50 વીંઘા જમીનમાં ટ્રેકટર ચલાવી ખેડતા અને મજૂરી કરતા, લગ્નજીવનમાં બે દીકરી અને એક દીકરો થયા. ત્યારબાદ પતિ સતીષભાઈને દાઢનું કેન્સર થતા તેઓનું મૃત્યુ થયું.

જાણે લલિતાબેન પર આભ તૂટી પડ્યું હોય તેમ નાના નાના ત્રણ બાળકો સાથે લલિતાબેન વિધવા બની નિસહાય બન્યા. કઈ રીતે પરિવારનું ભરણ પોષણ થશે ? તેમ વિચારતા હતાને ત્યાં મક્કમ મને વિચાર કર્યો કે પતિ હયાત હતા ત્યારે રમત રમતમાં ટ્રેકટર ચલાવતા શીખવતાને થોડું ઘણું ટ્રેકટર આવડી પણ ગયું. તો પોતે પણ પતિનુંજ કામ સંભાળશે તેમ નક્કી કર્યું ને ભરૂચ રહેતા ખેતરમાલિકને કહી દીધું તમે ચિંતા ન કરતા તમારી બધીજ જમીન હું જાતે ખેડીશ અને સંભાળીશ. સંજોગોવશાત પતિ મૃત્યુ પામ્યા ત્યાં હિંમત હાર્યા વિના જે ખેતર માલિકના ખેતરમાં પતિ ટ્રેકટર ચલાવતા એજ ટ્રેકટર જાતે શીખી જમીન માલિકની 50 વીંઘા જમીન જાતે સંભાળી લીધી. સાથે સાથે ત્રણ બાળકોની જવાબદારી પણ ખરી. કોઈ શુ કહેશે એવો વિચારને બાજુએ મૂકી એક મહિલા પોતાની હિંમતથી શુ કરી શકે છે એ લલિતાબેને સિદ્ધ કરી દસ વર્ષથી જાતે ટ્રેકટર ચલાવી 50 વીંઘા જમીનમાં કામ કરે છે.

સાથે સાથે પશુપાલન પણ કરે. અથાગ મહેનત કરી પગભર થયા ને લલિતાબેને બે દીકરીઓને આનંદથી પરણાવી અને એક દીકરો અશોક જે મોટો થઈ માતા લલિતાબેન પાસેથીજ ટ્રેકટર શીખ્યો અને આજે માતાને મદદરૂપ થઇ રહ્યો છે. ત્યારે સ્ત્રી શક્તિ ધારે તો શું કરી શકે એનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે લલિતાબેન પટેલ. તળપદા કોળી સમાજમાંથી આવતા લલિતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે ત્યારે એમના સંઘર્ષ અને હિંમતપૂર્વકના જીવનને કનેક્ટ ગુજરાત આજના વિશ્વ મહિલા દિવસે સત-સત નમન કરે છે

ગામલોકો જણાવે છે કે ગામની મહિલા ત્રણ સંતાનો સાથે વિધવા થઈ અને વર્ષોથી ટ્રેકટર ચલાવી જે હિંમતપૂર્વકનું કાર્ય કરી બતાવ્યું છે તે અન્યો માટે પ્રેરણાદાયી છે. લલિતાબેન પશુપાલન પણ કરે છે. એકલે હાથે પતિના મૃત્યુ બાદ 50 વીંઘા જમીન સંભાળવી અને ત્રણ બાળકોનું ભરણપોષણ કરવું એ મક્કમ મન અને હિંમત વિના શક્ય નથી. બેન અમારા ઉમરાછી ગામનું ગૌરવ છે. વિશ્વ મહિલા દિવસે એમના માંથી અન્યોએ પ્રેરણા લેવી જોઈએ

Krushikhoj WhatsApp Group