Gujarat Weather : ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લુનું એલર્ટ છે. જણાવી દઈએ કે, રાજસ્થાન અને પંજાબમાં પણ 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, લીંબુ સરબત, ઠંડાપીણા અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે. ખેતમજૂરો, ખેડૂતો અસહ્ય ગરમી વચ્ચે કામ કરી રહયા છે બીજી તરફ બસસ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
આજે સૌથી વધુ તાપમાન કયા જિલ્લામાં નોંધાયું ? જાણો
IMDના અનુસાર, આજે (19 મે) બપોરના સમયે રાજ્યમાં સૌથી વધુ ભુજમાં 44 ડિગ્રી, ડીસામાં 44 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી, અમદાવાદમાં 43 ડિગ્રી, ભાવનગરમાં 43 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, પોરબંદરમાં 37 ડિગ્રી, ઓખામાં 35 ડિગ્રી, વેરાવળમાં 33 ડિગ્રી, દીવમાં 33 ડિગ્રી, અને દ્વારકામાં 31.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી પાંચ દિવસ ઉષ્ણ લહેરની ચેતવણી
હવામાન વિભાગની આગાહી અનુસાર, અગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજુ ફરી વળશે. તારીખ 20 થી 23 મે સુધી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી કરાઈ છે.