તલ એક અગત્યનો તેલીબિયા પાક છે. ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તલનું વાવેતર થાય છે. આપણા દેશમાં તલ ઉગાડનાર રાજયોમાં ગુજરાત મોખરે છે. તલ એ ટૂંકાગાળાના પાક હોઈ મુખ્ય પાક તરીકે, મિશ્રપાક તરીકે અને આંતરપાક તરીકે પણ સફળતાથી લઈ શકાય છે. તલમાં સામાન્ય રીતે ૪૬ થી પર ટકા જેટલું તેલનું પ્રમાણ હોય છે. તમામ ખાદ્યતેલો પૈકી તલનું તેલ ઉત્તમ ગણાય છે. તલનો પાક મુખ્યત્વે ચોમાસુ ઋતુમાં લેવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જયાં પિયતની સગવડ છે ત્યાં છેલ્લા થોડા વર્ષોથી ઉનાળુ તલનું વાવેતર (summer sesame crop) ઉત્તરોત્તર વધતું જાય છે.
સામાન્ય સંજોગોમાં ઉનાળુ તલનું ઉત્પાદન ચોમાસુ તલ કરતાં ઘણું સારું મળે છે, કારણ કે ઉનાળુ ઋતુમાં તમામ ખેતીકાર્યો યોગ્ય સમયે કરી શકાય છે. આ ઉપરાંત ઉનાળામાં અનુકૂળ તાપમાન, સૂર્યપ્રકાશના વધુ કલાકો, પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર વગેરે જેવા સાનુકૂળ પરિબળોને કારણે તેમજ રોગ-જીવાતના ઓછા/ નહિવત્ત ઉપદ્રવને કારણે ઉનાળુ ઋતુમાં તેલનું વધુ ઉત્પાદન મળે છે.
આજે ઉનાળુ તલની ખેતી પધ્ધતિ વિશે જાણો વધું માહિતી
જમીન કેવા પ્રકાર ની હોવી જોઈએ
- હલકી, મધ્યમ કાળી, સારા નિતારવાળી સમતલ જમીનમાં તલનું વાવેતર કરવું.
- અગાઉના પાકનાં જડિયા દૂર કરી, ઓરવાણ કર્યો બાદ વરાપ થયે હળવી ખેડ કરી, સમાર મારી જમીન તૈયાર કરવી. ઢેફાં ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
- કયારા નાના અને સમતલ કરવા. ક્યારામાં પાણી ભરાઈ રહેવાથી તલના ઊગાવા ઉપર અસર થાય છે અથવા તો ઉગેલા તલ બળી જાય છે.
વાવેતર નો સમય ગાળો
- તલ પાકનાં ઉગાવા ઉપર ઠંડા વાતાવરણની માઠી અસર થાય છે. જેથી ઉનાળુ તલનું યોગ્ય વાવેતર કરવું ખૂબ જ અગત્યનું છે.
- તલનું વાવેતર ફેબ્રુઆરીનાં બીજા અને ત્રીજા અઠવાડિયામાં કરી શકો છો.
- આમ છતાં સવારનાં સમયે ઠંડી જણાય તો વાવેતર મોડું કરવું.
- વહેલું વાવેતર કરવાથી ઉગાવો ઓછો, છોડનો વિકાસ ધીમો અને ઉત્પાદન ઓછું મળે છે.
- જયારે મોડું વાવેતર કરવાથી પાકવા સમયે ચોમાસું આંબી જાય, વરસાદથી નુકસાન થાય અને પાકની ગુણવતા નબળી રહે છે.
બીજ નું પ્રમાણ કેટલું રાખવું
- ૫૦૦ ગ્રામ/વીઘા
- એક કિલો બીજ દીઠ ત્રણ ગ્રામ સ્પ્રિન્ટ અથવા થાયરમ કે કેપ્ટાન દવાનો પટ આપી વાવેતર કરવું.
વાવેતર અંતર કેટલું રાખવું
- બે હાર વચ્ચે ૩૦-૪૫ સે.મી. ના અંતરે ઓટોમેટિક વાવણિયાથી વાવેતર કરવું. જેથી બિયારણ સપ્રમાણ અને સરખા અંતરે પડે.
ખાતર વ્યવસ્થા
- તલનાં પાકમાં પાયામાં ૩૦ કિલો એમોનિયમ સલ્ફેટ અને ૨૦ કિલો ડીએપી ખાતર આપી શકાય છે.
- વાવેતર પછી એક મહિના બાદ ૨૦ કિલો યુરીયા/એકર આપી શકો છો.
- તલનાં પાકમાં ફૂલ અને બૈઢા અવસ્થાએ ૨% યુરીયા (૧૦૦ લીટર પાણીમાં ૨ કિલોગ્રામ યુરીયા) નો છંટકાવ કરવાથી પાકને ફાયદો થાય છે.
પિયત વ્યવસ્થા
- હમેશાં ઓરવાણ કરીને તલનું વાવેતર કરવું.
- વાવણી બાદ તરત જ પ્રથમ પિયત અને ત્યારબાદ છ દિવસે બીજું પિયત આપવું.
- ત્રીજું પિયત જયારે છોડ ચાર થી પાંચ પાંદડે થાય ત્યારે જ આપવું.
- ત્યાર પછીના દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસ ના અંતરે આપવા.
- ઉનાળુ તલને કુલ ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે.
પારવણી
તલ ઉગ્યાં બાદ ૧૫ થી ૨૦ દિવસે બે છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખી પારવણી કરવી. જેથી છોડને હવા, ભેજ અને પ્રકાશ સપ્રમાણ મળી રહે. છોડનો વિકાસ સારો થાય જેથી ફૂલ અને બૈઢા વિપુલ પ્રમાણમાં બેસે છે.